SURAT

હજીરા ONGC નજીક ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત: ટાયર નીચે દબાઈ જતાં ડ્રાઈવરનું મોત

સુરત: ઓએનજીસી (ONGC) ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. રસ્તાની સાઇડે એક કન્ટેનર ઊભું હતું ત્યારે ત્યાં જ તેની પાસે ડ્રાઈવર (Driver) પણ હાજર હતો. ત્યારે ફૂલ સ્પીડમાં આવેલા ડમ્પરચાલકે કન્ટેનરને ધડાકાભેર ટક્કર મારી હતી. જેના કારણે ડ્રાઈવર કન્ટેનરના ટાયર નીચે ફસાઈને ઘસડાયો હતો. અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટાયર નીચે ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવામાં માટે ફાયર બ્રિગેડના જવાનોની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ કરી તેને બહાર કાઢ્યો હતો. પરંતુ ગંભીર રીતે ઈજા થવાને કારણે ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત (Death) નીપજ્યું હતું.

ફાયર વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત રાત્રે પોણા બારેક વાગ્યાના અરસામાં ઓએનજીસી ચાર રસ્તા પાસે બ્રિજ ઊતરતા આવેલા કવાસ પાટિયા નજીક સંતોષ શાહુ નામનો ડ્રાઈવર પોતાનું કન્ટેનર ઊભું રાખીને ત્યાં હાજર હતો. એ સમયે ફૂલ સ્પીડમાં આવેલા એક ડમ્પરચાલકે કન્ટેનરને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતને કારણે ડ્રાઈવર સંતોષ શાહુ કન્ટેનરના ટાયર નીચે ફસાયો હતો અને ૧૫થી ૨૦ ફૂટ દૂર કન્ટેનરની સાથે ઘસડાયો હતો. અકસ્માત અંગે ખબર પડતાં સ્થળ ઉપર લોકો ભેગા થઇ ગયા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ઓફિસર કીર્તિ મોઢે જણાવ્યું હતું કે, લિફ્ટ બેગ અને જેક વડે કન્ટેનરને ઊંચું કરવામાં આવ્યું હતું અને પંદરેક મિનીટ રેસ્ક્યુ કામગીરી કરીને ટાયરના નીચે ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયો હતો. વધુમાં જાણવા મળ્યું હતું કે, સારવાર દરમિયાન ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

નવાગામમાં અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં બાઇકસવાર યુવાનનું મોત
કામરેજ: નનસાડ ગામે રહેતો યુવાન બાઇક લઈને જતાં કામરેજ-સુરત રોડ પર નવાગામની હદમાં મેલડી માતાના મંદિર પાસે એસ.ટી. બસના ચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. કામરેજ તાલુકાના નનસાડ ગામે જૂના હળપતિવાસમાં રહેતો 25 વર્ષીય સુનીલ ગોકુલભાઈ રાઠોડ ગુરુવારે રાત્રિના વરાછા ખાતે લગ્નમાં જવા માટે પોતાની બાઇક નં.(જીજે 05 એફઝેડ 4023) લઈને જઈ રહ્યો હતો. ત્યારે કામરેજ-સુરત રોડ પર નવાગામની હદમાં મેલડી માતાના મંદિર પાસે મોટરસાઈકલને અજાણ્યા એસ.ટી. બસના ચાલકે અડફેટે લેતાં શરીરે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. કામરેજ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે બસની શોધખોળ કરી રહી છે. જે અંગે મરનાર સુનીલના માસીના પુત્ર રાકેશ રાઠોડે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુમાં મરનાર સુનીલની ભટગામ ખાતે થોડા સમય અગાઉ જ સગાઈ કરવામાં આવી હતી.

Most Popular

To Top