ગઇકાલે હિમશીલા ફાટવાને કારણે જ્યાં ભયંકર હોનારત સર્જાઇ હતી તે ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આજે ૨૬ મૃતદેહો મળી આવ્યા હતા અને ૧૭૦ જેટલા લોકો હજી લાપતા હતા.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક હજી વધી શકે છે. વધુ મૃતદેહો મળી આવ્યા હોવાની તેમણે માહિતી આપી હતી. ૧૭૧ લોકો હજી લાપતા છે, હોનારત સર્જાઇ તેના એક દિવસ પછી પણ આ લોકોની કોઇ ભાળ મળી શકી ન હતી.
અનેક એજન્સીઓ બચાવ કાર્યમાં આજે પણ કાર્યરત હતી અને એક પાવર પ્રોજેક્ટ સાઇટ પર એક ટનલમાં ૩૦ કરતા વધુ કામદારો ફસાયેલા હોવાનું માનવામાં આવે છે જેમને બચાવવા અને સલામત બહાર કાઢવા માટેના સઘન પ્રયાસો ચાલી રહ્યા હતા. આઇટીબીપીના ૩૦૦ કર્મચારીઓને આ બચાવ કાર્યમાં કામે લગાડવામાં આવ્યા છે.
લગભગ દોઢ માઇલ લાંબી ટનલમાં ૩૭ જેટલા કામદારો ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. લાપતા લોકોમાં હાઇડલ પાવર પ્રોજેક્ટોના કામદારો અને પાણીના પ્રવાહમાં જેમના ઘરો તણાઇ ગયા હતા તેવા ગામલોકોનો સમાવેશ થાય છે.
હોનારતગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીઓમાં અનેક એજન્સીઓ કાર્યરત છે. એસડીઆરએફ અને એનડીઆરએફની સાથે બચાવ કાર્યમાં ગઇકાલે જ ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ(આઇટીબીપી) દળના જવાનો જોડાઇ ગયા હતા જે દળ ઉંચાઇ વાળા સ્થળોએ કામગીરી કરવામાં પાવરધું છે. બાદમાં ભૂમિદળના ૪૦૦ જેટલા જવાનોને પણ હોનારતના સ્થળોએ બચાવ કાર્યમાં મદદ કરવા મોકલાયા હતા અને હવાઇ દળ પણ બચાવ કાર્યમાં જોડાયું હતું.
હોલીવુડની ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા: ટનલમાંથી બચાવાયેલા એક કામદારે આપવીતી વર્ણવી
હોનારતના સ્થળે કાર્યરત એક પાવર પ્રોજેક્ટના કેટલાક કામદારો એક અન્ડરગ્રાઉન્ડ શાફ્ટની ટનલમાં ફસાઇ ગયા હતા. આ કામદારોને બચાવ ટુકડીએ બહાર કાઢ્યા તે પહેલા ઘણા સમય સુધી તેમણે સાક્ષાત મોતનો સામનો કર્યો હતો અને જીવ બચાવવા સતત ઝઝૂમ્યા હતા. બચાવી લેવાયેલા એક કામદારે જણાવ્યું હતું કે ટનલની અંદર પાણી ઘૂસી રહ્યું હતું અને બચવા માટે અમારે પાણીની ઉપર જ તરતા રહેવાનો સતત પ્રયાસ કરવો પડ્યો હતો, કોઇ હોલીવુડ ફિલ્મમાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રાજેશ કુમાર નામના કામદારે કહ્યું હતું કે અમારે પથ્થરોના ટેકે ટેકે ઉપર આવવું પડ્યું હતું. આ કામદારોને બચાવ ટુકડીએ ઉંચકીને એક પછી એક બહાર કાઢ્યા હતા.