સુરત: ઉધના એસટી બસ ડેપો પાસે આવેલી જય બેરિંગ કંપનીમાં આજે ભરબપોરે ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં સામાન બીજા માળે લઇ જતી વેળા કામદાર મહિલાનું માથું લિફ્ટમાં આવી જતા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, ઉધના રામ નગર સોસાયટીમાં રહેતી 39 વર્ષિય પુજાબેન વિજયભાઇ ઇન્દોરવાલા અને તેનો પુત્ર હાલ ઉધના ડેપો પાસે હરીઇચ્છા સોસાયટીમાં આવેલી જય બેરિંગ કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. પુજાનો પતિ દિવસભર રખડતો હતો અને કાયમ જ દારૂના નશામાં ફરતો હતો.
જેથી પુજાબેન જ ઘરનું સંચાલન કરતા હતા. પુજાબેન આજે સવારે રૂટિન ટાઇમ મુજબ નોકરી પર આવ્યા હતા. તેણી બપોરના એક વાગ્યાના અરસામાં કંપનીની ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં ગ્રાઉન્ડ ફલોરથી સામાન બીજા માળે ચઢાવી રહ્યા હતા.
તે દરમિયાન પહેલા માળે સામાન ઉતાર્યા બાદ લિફ્ટ બીજા માળે જતી વેળા તેણીનું માથું લિફ્ટ અને પિલર વચ્ચે ફસાઇ જતા કપાઈ જવા પામ્યું હતું અને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઉધના પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
દારૂડિયો પતિ ઘટના સ્થળે પંચનામું કરતી વેળા ભાગી ગયો, જે પીએમ રૂમ પર પણ નહીં દેખાયો
આજે ઘટના બની ત્યારે પતિ સહિતના પરિવારજનો જય બેરિંગ કંપનીમાં પહોંચી ગયા હતા. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી જઇ જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતકના પતિ તરીકે તેના દારૂડિયા પતિ વિજય ઇન્દોરવાલાનો જવાબ લેખિતમાં લઇ રહી હતી અને તેના આધારે પંચનામું કરી રહી હતી. ત્યારે જ દારૂડિયો પતિ વિજય પંચનામું અધુરું મુકી દઇ પોલીસના હાથમાંથી ફરાર થઇ ગયો હતો. જે સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ પર પણ દેખાયો નહતો. પરિવારજનોએ મૃતક મહિલાના પરિવારજનોને મહિલાનો મૃતદેહ સોંપ્યો હતો.
એક કલાકની જહેમત બાદ મહિલાનું કપાયેલું માથું લિફ્ટમાંથી બહાર કાઢી શકાયું
ઉધનાની જય બેરિંગ કંપનીમાં ઘટના એટલી કરૂણ હતી કે મહિલાનું માથું લિફ્ટ અને પિલર વચ્ચે ફસાઇ ગયું હતું. તેને બહાર કાઢવા માટે ખુબ જ મુશ્કેલ કાર્ય હતું. કારણ કે મહિલાના માથાનું માસ બહાર આવી ગયું હતું. ઉધના પોલીસને જાણ કરાતા પોલીસ સબ ઇન્સ્પેકટર ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પીએસઆઇની ટીમના માણસોએ માથું બહાર કાઢવાનો પ્રયત્ન કરવા છતાં માથું બહાર નીકળી શકયું ન હતું. જેથી પોલીસે પીસીઆર વાનના માણસોને પણ ઘટના સ્થળે બોલાવી તેઓની મદદ લીધી હતી. એક કલાકની મહેનત બાદ મહિલાનું માથું બહાર કાઢી શકાયું હતું.