સરકારી કર્મચારીઓને રિટાયર થયા પછી પેન્શન મળે અને તેમાં મોંઘવારી ભથ્થું મળે તે જ રીતે રાષ્ટ્રિયકૃત બેંકમાંથી રીટાયર થઇને પેન્શન મેળવનારને પણ મોંઘવારી ભથ્થું મળે છે. પણ બેંકોમાં નોકરીમાં ચાલુ કર્મચારીના મોંઘવારી ભથ્થામાં દર ત્રણ મહિને વધારો – ઘટાડો થાય છે જયારે પેન્શન મેળવનારના મોંઘવારી ભથ્થામાં દર છ મહિને વધારો – ઘટાડો થાય છે. આ આખી પ્રક્રિયા દુનિયાને ઊંધા ચશ્મા જેવી લાગી રહી છે.
મોંઘવારી બધાંને એકસરખી લાગે, તે વ્યકિત નોકરીમાં ચાલુ હોય કે રીટાયર થઈને પેન્શન મેળવતો હોય. હકીકતમાં દર ત્રણ મહિને જ મોંઘવારી ભથ્થું પેન્શન મેળવનારને પણ મળવું જોઈએ. પેન્શન મેળવતાં બેંક કર્મચારીઓ સાથે આ હળાહળ અન્યાય છે અને નવાઈની વાત તો એ છે કે આવા મહત્ત્વના મુદ્દા પર ન્યાય મેળવવા માટે કોઈ લડત ચાલતી નથી. ટૂંકમાં નોકરીમાં ચાલુ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ભલે દર ત્રણ મહિને વધારો – ઘટાડો થાય,પેન્શનરોના કિસ્સામાં પણ એ વધારો – ઘટાડો દર ત્રણ મહિને થવો જોઈએ.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ભારતના દરેક નાગરિક ભારત માતાનાં સંતાન છે
હિંદુ, મુસલમાન, શીખ, જૈન, પારસી, ખ્રિસ્તી સૌ કોઇ ભારત માતાનાં સંતાન છે. તેઓ આ ધરતી પર જે અન્ન પેદા થાય છે એનો ખોરક તરીકે ઉપયોગ કરે છે. નદીઓના જળનો ઉપયોગ કરે છે અને જીવનના અંતે કેટલાંકને અગ્નિદાહ મળે છે તો કેટલાંક કબ્રસ્તાનમાં ધરતીમાં અનંતની સફરે જાય છે. ધરતી માતા સૌને જીવાડે છે અને અંતે પોતાની ગોદમાં લઇ લે છે. ભારતનાં સૌ નાગરિકોએ દેશને આઝાદ કરવા જે એકતા રાખી હતી તેવી એકતાની અત્યારે ખાસ જરૂર છે. આ દેશમાં સૌ કોઇ પણ ધર્મ પામી શકે છે. ધર્મના નામે કે જ્ઞાતિ જાતિના નામ કે ભાષાના નામે તકરાર ન કરવી જોઇએ.
એકતામાં સંપમાં તાકાત છે અને તે દેશ પ્રગતિ કરી શકે છે. દેશના ભાગલા પડવા જોઇએ નહીં. કોઇ ખાલીસ્તાનની માંગણી કરે કે કોઇ ભીલીસ્થાનની માંગણી કરે અને અન્ય બીજી માંગણી કરે તો સરદાર વલ્લભભાઇની ભારતમાં એકતા લાવવા જે મહેનત કરી હતી તે નકામી જાય. આથી દેશ તૂટે તેવું કોઇ પણ નાગરિકે કરવું ન જોઇએ. એ વ્યક્તિ દેશદ્રોહી ગણાય. દેશ પહેલાં અને પછી બીજું બધું હોવું જોઇએ. સૌએ પહેલાં દેશ વિશે જ વિચારવું જોઇએ. સૌ વિચારે એ સૌના હિતમાં છે.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.