Business

પ્રિય સન્નારી

કેમ છો?
ધીરે ધીરે ગરમીની શરૂઆત થઇ છે. સ્કૂલો ચાલુ થતાં મમ્મીઓ ફરી બિઝી થઇ ગઇ હશે. બિઝી શેડયુલમાં પણ તમારા માટેનો સમય અચૂક કાઢજો કારણકે કામ અને ફરજની ઘટમાળ કયારેય પૂરી થવાની નથી અને લોકોની અપેક્ષાઓ આપણી પાસે ઘટવાને બદલે વધે જ છે. સો… બી કેરફુલ… સન્નારીઓ, અપેક્ષા શબ્દ ખૂબ ફિલોસોફીવાળો છે. જીવનનાં અનેક સુખદુ:ખ એની સાથે જોડાયેલાં છે. અપેક્ષા એ દુ:ખનું મૂળ છે. કોઇનો પ્રેમ કયારેય ઓછો નથી હોતો પરંતુ આપણી અપેક્ષાઓ વધારે હોય છે. અપેક્ષાઓ એચીવમેન્ટ વિશે વધારે અને લોકો પાસે ઓછી રાખવી જોઇએ પરંતુ અપેક્ષા વિનાના સંબંધો શકય છે ખરા?

આમ જુઓ તો આખી સૃષ્ટિ ગીવ એન્ડ ટેઇકના સિધ્ધાંત પર જ ચાલે છે. સંબંધોનું તૂટવું કે જોડાવું પણ મહદ્‌ અંશે અપેક્ષાના ફૂલફીલમેન્ટ પર આધારિત છે. અપેક્ષાની બાદબાકી કર્યા વિના સંબંધોને કઇ રીતે ટકાવવા એ કળા શીખવી પડે અને આ કળા એટલે અપેક્ષાના છોડને કયાં અને કઇ રીતે ઉગાડવો? એનું જતન કઇ રીતે કરવું એની કળા. પહેલી વાત એ કે  માણસે પોતાની અપેક્ષાઓ અંગે સ્પષ્ટ થવું જોઇએ. પોતાને શું જોઇએ છે એની ખબર ખુદને જ ન હોય તો બીજાને કઇ રીતે ખબર પડે? દાખલા તરીકે એક યુવતીના મનમાં જીવનસાથી અંગે ખ્યાલો સ્પષ્ટ નથી. એ એક વેલસેટ, સમાજના પ્રતિષ્ઠિત પરંતુ સામાન્ય દેખાવની વ્યકિત સાથે લગ્ન કરી લે છે. થોડા જ સમયમાં એની ફ્રેન્ડઝના રૂપાળા પતિઓને જોઇને પોતે લઘુતાગ્રંથિ અનુભવે છે. પોતાની બ્યૂટી પ્રમાણે હેન્ડસમ પતિ ન મળ્યાનો અફસોસ એને દુ:ખી કરે છે.

વાસ્તવમાં લગ્ન સમયે એને કેવો પતિ જોઇએ છે અને પતિ પાસે એની શું અપેક્ષા છે એ અંગે મનમાં કોઇ ખાસ સ્પષ્ટતા જ નહોતી. જયારે વ્યકિત પોતે શું જોઇએ છે તે વિશે સ્પષ્ટ નથી હોતો ત્યારે એની અપેક્ષા વારંવાર તૂટે છે. કયારેક એને પોતાની અંદરની ઇચ્છા જ પછડાટ ખાધા પછી સમજાય છે તો કયારેક એ બીજા લોકો સાથે સરખામણી કરીને પોતાની અપેક્ષાઓને ગૂંચવી નાંખે છે. બધું જ બરાબર ચાલતું હોય અને કોઇ નજીકની વ્યકિત પોતાના દૃષ્ટિબિંદુના આધારે ટીકા કે સરખામણી કરીને લૂઝર હોવાનું ફીલ કરાવે એટલે સબસલામતનો મહેલ તૂટી જાય… મન જાતજાતના ચક્રવ્યૂહમાં ફસાઇ જાય…. આપણા અનુભવો, પરિવેશ, સપનાંઓ અને ક્ષમતાને આધારે એ સ્પષ્ટતાની જમીન પર પાંગરે એવી જોઇએ. દરેકનાં જીવનમાં સુખના પવનની દિશા એની પોતાની અપેક્ષાઓની પરિપૂર્ણતાના આધારે ફૂંકાય છે. અગર અપેક્ષા સ્થિર અને સ્પષ્ટ હશે તો સામી વ્યકિત માટે પણ પૂર્ણ કરવી સરળ બનશે. અપેક્ષાની સ્પષ્ટતા અને સમજ દ્વારા જ ભ્રમમાંથી મુકિત મળી શકે.

ખુદ સ્પષ્ટ થયા પછી વ્યકિત જેની પાસે અપેક્ષા રાખે છે એને પણ પોતાની અપેક્ષાઓ અંગે વિસ્તારથી સમજાવવું જોઇએ. સામાન્ય રીતે સુખ – દુ:ખમાં એકબીજાની પડખે રહેવું એ સારા સંબંધોની નિશાની છે. માનો કે એક વ્યકિતને ધંધામાં નુકસાન થયું, તબિયત બરાબર નથી રહેતી…. મતલબ કે એ દુ:ખી છે પરંતુ એના મિત્રોને પોતાનાં દુ:ખની વાત જણાવતો નથી અને મનમાં દુ:ખી થાય છે કે મારા મિત્રો કોઇ કામના નથી. મને કોઇ હેલ્પ માટે પૂછતું નથી. મિત્ર તરીકે હેલ્પની અપેક્ષા રાખવી એ જરાય ખોટું નથી પરંતુ એ અપેક્ષા રાખતાં પહેલાં મિત્રોને ધંધામાં કઇ રીતે કેટલું નુકસાન થયું? એમાંથી બહાર નીકળવા માટે શું કરી શકાય? તબિયત બરાબર નથી તો કારણ શું છે? ડૉકટરનું શું કહેવું છે? આ બધી વાત કર્યા પછી પણ મિત્ર કોઇ હેલ્પ ન કરે, રસ્તો ન બતાવે કે આશ્વાસન ન આપે તો અપેક્ષા તૂટે… આજે કોઇ આંખો કે ચહેરો જોઇને આપણું અંતર્મન વાંચી લેશે એ અપેક્ષા પીડાનું કારણ છે. આવી અપેક્ષા ન તૂટે તો જ નવાઇ…. અપેક્ષા રાખવી હોય તો શરમાયા વિના એને કહેતાં શીખો.

ત્રીજી બાબત છે અપેક્ષા કોની પાસે રાખો છો એ પણ ચકાસો. બાવળનાં ઝાડ પાસે કેરીની અપેક્ષા ન જ રખાય. તમે એમાં બેસ્ટ ખાતર – પાણી નાંખો તો પણ કેરી નહીં જ આવે. એક વત્તા એક બરાબર બે જેટલું જ એ સાચું છે. તમે જેની પાસે અપેક્ષા રાખો છો એની અપેક્ષા પૂરી કરવા માટેની દાનત, ક્ષમતા અને પ્રયાસ ચકાસ્યા વિના અપેક્ષા રાખો તો એ ફળીભૂત નહીં જ થાય. કેટલાંક લોકોની દાનત જ ખોરાં કોપરા જેવી હોય છે. તેઓ પોતાનાં લાભ અને કમ્ફર્ટઝોન સિવાય બીજું કશું વિચારતાં જ નથી.

આવા લોકો પાસે કોઇ મોટી મદદની અપેક્ષા ઠગારી જ નીવડે. માંદગી જેવા સમયે પણ પોતાની ઊંઘ અને જોબમાં પગાર કપાઇ જવાની ચિંતા હોય એમની પાસે શું આશા રાખવાની? એ જ રીતે 25000ના પગારદાર પતિ પાસે મર્સીડિઝની અપેક્ષા અધૂરી જ રહે. બની શકે કેટલાંક લોકોની દાનત અને ક્ષમતા બંને હોય પરંતુ પ્રયાસ ન હોય તો પણ દુ:ખી થવાનો જ વારો આવે. જે વ્યકિત સમજદાર છે, સંવેદનશીલ છે, તમારા માટે એના કમ્ફર્ટ ઝોનમાંથી નીકળીને કશું પણ કરવા તૈયાર છે, તમારી અપેક્ષાને પૂરી કરવા માટે સમય – શકિત કે નાણાં જે જરૂરી છે એ ખર્ચવા માટે તૈયાર છે, તમને પ્રેમ કરે છે, માન આપે છે એની પાસે અપેક્ષા રાખો… પણ એ પહેલાં ઉપરનાં પરિબળો અવશ્ય ચકાસી લેવાં.                        
– સંપાદક

Most Popular

To Top