Business

પ્રિય સન્નારી,

કેમ છો? ‘હેપ્પી ફાધર્સ ડે’ પોતાનાં સંતાનોની સુખાકારી માટે દિવસ-રાત મથતાં દુનિયાના તમામ પિતાઓને ‘ફાધર્સ ડે’ની શુભેચ્છાઓ…

  • પિતા એટલે
  • કાળજી ભરેલું કાળજું
  • કડકાઈ અને કરુણાનું મિશ્રણ
  • સંસ્કારોનું સુરક્ષા કવચ
  • અને
  • નિષ્ઠાની નિશાળ…

પરિવારની સલામતીનું છત્ર ગણાતા પિતાને સંતાનો સાથેનો પ્રેમ અને લાગણીનો નાતો માતા જેટલો જ ઊંડો છે પરંતુ માતાનો પ્રેમ બોલકો હોવાથી એ વધુ દેખાય છે. બાળપણમાં માતાની ભૂમિકા વધુ રહે છે પરંતુ યુવાન થતાં સંતાનો ધીરે ધીરે પિતાની નજીક આવવા માંડે છે. દીકરા સાથે ધંધા-નોકરી-પોલિટિકસ અને દેશ- દુનિયાની વાતો કરતાં પિતા થાકતા નથી. એમની વચ્ચે અનાયાસે એક મજબૂત બોન્ડિંગ સ્થપાય છે છતાં એમની વચ્ચે મતભેદ અને ઉગ્ર દલીલો પણ એટલી જ થાય છે. પિતા અને દીકરા વચ્ચેના સંબંધો કયારે વણસે એ કહેવાય નહીં કારણ કે પુરુષસહજ ઇગો અને જીદ ઘણી વાર વચ્ચે આવી જાય છે પરંતુ દીકરી અને પિતા વચ્ચેનો સંબંધ સાવ અલગ છે. એમની વચ્ચેની દોરમાં નિર્ભેળ લાગણી-વ્હાલ – કાળજી અને સંવેદનાનાં મોતી સતત ગૂંથાતાં રહે છે. દીકરી પથ્થર દિલ પિતાને પીગળાવી શકે છે. દીકરીનાં સુખ-દુ:ખની ચિંતામાં છપ્પનની છાતી સાંકડી થઇ જાય છે. દીકરી માટેનો પ્રેમ એમના વ્યક્તિત્વમાં ભીનાશ પ્રસરાવતો રહે છે.

આપ સહુએ જોયું હશે કે એક નાનકડી દીકરી પણ પિતાને દાદી બનીને શિખામણ આપે છે. ઓર્ડર કરે છે અને દરેકને નન્નો ભણાવતાં પિતા દીકરીને સરન્ડર થઇ જાય છે. બહુ ઓછા પિતા દીકરીના દિલને તોડવાની હિંમત કરી શકે છે. પરિવારમાં ઇશ્યુ જન્મે ત્યારે દીકરીહઠ જ પિતાને મનાવી શકે છે. અનેક પરિવારોમાં સાસરે ગયેલી દીકરીની વાત પિતા સર આંખો પર ચઢાવે છે. બીપી અને શુગરથી પીડાતાં પિતાની મીઠાઇ પણ દીકરી જ નિયંત્રણમાં રાખી શકે છે. પિતાને ધમકાવવાનો હક દીકરી વગર માંગ્યે મેળવી લે છે. મોટાભાગના પપ્પાઓ દીકરીને માથે ચડાવે છે. લગ્ન પછી એ પારકી થવાની છે એ ખ્યાલ પણ એ માટે અભિપ્રેત હશે. વળી, મમ્મી પપ્પાના ઝઘડામાં પણ દીકરા કરતાં દીકરી વધારે અસરકારક રીતે મધ્યસ્થી કરી શકે છે.

આજે પિતા દીકરા કરતાં દીકરીઓ માટે વધુ બદલાયા છે. ‘સાપનો ભારો’ ગણાતી દીકરી હવે પરિવારની- પિતાની ધડકન છે. એના હાસ્યમાં આખા ઘરની ખુશીનો પડઘો અને રૂદનમાં સર્વની ઉદાસીનો ઓછાયો જોવા મળે છે. દીકરીના લગ્નની ચિંતામાં હૈયું બાળવાને બદલે તેઓ દીકરીને સર્વાંગી વિકાસ દ્વારા પાવરફૂલ બનાવવા કમર કસે છે. એમનાં પગલાં અને આંખો દીકરીને પહેલાંની જેમ ડરાવતાં નથી. દીકરીના આધુનિક પિતા લવ-કેર અને શેરનો સંગમ બની રહ્યા છે. દીકરીનાં ફેશન-નખરાં અને ટૂંકાં કપડાંને તેઓ મનેકમને સ્વીકારી રહ્યા છે. પત્નીની બાબતમાં નહીં પરંતુ દીકરીની બાબતમાં તો તેઓ ચોક્કસ ફેમિનીસ્ટ બની રહ્યા છે. દેવું કરીને પણ દીકરીને વિદેશમાં ભણવા મોકલે છે.

જો કે પિતાના અતિશય લાડ દીકરીઓને કયાંક મનમોજી બનાવી રહ્યા છે. માતા રસોઇ શીખવાનું દબાણ કરે ત્યારે દીકરીના પક્ષમાં જોડાઈ પિતા એને એની મનમાની કરવા દે છે. પહેલાં જે છૂટ-સ્વતંત્રતા પરિવારમાં દીકરાને મળતી એનાથી વધુ હવે દીકરીને મળે છે પિતા હવે દીકરીના સલામત ભવિષ્ય માટે ઇનવેસ્ટ કરે છે. મિલકતમાં પણ દીકરીને સાવ બાકાત રાખતા નથી. પતિ સાથે ન બને તો આખી જિંદગી સમાજને કારણે દુ:ખદ લગ્નમાં સડવા દેવું પિતાને મંજૂર નથી. પાછી આવેલી દીકરીનું તેઓ પ્રેમથી સ્વાગત કરે છે.

દીકરીના જીવનમાં પિતાનો હકારાત્મક કે નકારાત્મક પ્રભાવ એની દુનિયાને જોવાની દૃષ્ટિ ડેવલપ કરે છે. દુનિયા પર દીકરી કેટલો વિશ્વાસ મૂકશે એ એના પિતા પરના વિશ્વાસ પર આધારિત છે તેથી દીકરીના ઉછેરમાં પિતાના ઉત્સાહ સાથે સમજ ભળે એ પણ જરૂરી છે. દીકરીના મતે વિશ્વનો શ્રેષ્ઠ પુરુષ એનો પિતા છે અને શ્રેષ્ઠ બનવું એ મોટો પડકાર છે. દીકરીના પિતાએ સંવેદના, સમજણ, સાહસ – શ્રદ્ધા અને સપનાં તથા વાસ્તવિકતાનું બરાબર બેલેન્સ રાખીને ચાલવું પડે છે કારણ કે દુનિયાને જોવાની નજર દીકરી પિતા પાસે મેળવે છે. દીકરીની ભૂલો પર સજા કરવાને બદલે એને માફ કરવી, પડે ત્યારે સંભાળવી અને તૂટે ત્યારે સપોર્ટ આપવો એ પિતા હોવાની સહજ આવશ્યકતા છે. દરેક બાબતે ઉદાર પિતા ઘણી વાર ઇન્ટરકાસ્ટ મેરેજ જેવી બાબતે થોડા કઠોર બની જાય છે. ઘરડે ઘડપણે અગર દીકરી પાસે રહેવું પડે તો તેઓને ઓશિયાળાપણું લાગે છે. દીકરી પિતાના દિલની ખૂબ નજીક હોવા છતાં ઘણી બાબતે દૂર પણ છે. આ દૂરી દૂર થાય એવી આજના દિને અમારી શુભેચ્છાઓ.

 સંપાદક

Most Popular

To Top