હેપ્પી ઈન્ડિપેન્ડન્સ ડે. પરતંત્રતાથી મોટું આ દુનિયામાં કોઇ દુ:ખ નથી અને સ્વતંત્રતા એ સુખનું પ્રથમ પગથિયું છે. વિશ્વની બીજા નંબરની લોકશાહીમાં સ્વતંત્રતાનું ભરપૂર સુખ નાગરિક તરીકે આપણે માણી રહ્યા છીએ પરંતુ દુ:ખની વાત એ છે કે આપણા બહુધા નાગરિકો આ એક જ પગથિયે અટકી જાય છે. સ્વતંત્રતાની સાથે આવતું ઉત્તરદાયીત્વ આપણે સ્વીકારતા નથી. સરકાર પાસેથી તમામ અધિકારો, હક જોઇએ છે પરંતુ ફરજની વાત આવે ત્યારે જાત-જાતનાં છીંડાં શોધી હાથ ઊંચા કરી દઇએ. આવા સંજોગોમાં સ્વતંત્રતાનાં સારાં અને સાચાં ફળ કઇ રીતે મળે?
સન્નારીઓ, છેલ્લા દાયકામાં દેશ અને દુનિયા ક્ષણે-ક્ષણે બદલાઈ રહી છે. ભારતે એ દુનિયા સાથે તાલ મિલાવવો હોય તો દોડવું નહીં છલાંગ મારવી પડે. ઊડવું પડે અને આપણે શું કરીએ છીએ? અકર્મણ્યતાની કેદમાં પુરાઈને બેઠા છીએ. દુનિયાને કર્મનો મહિમા સમજાવનારા આપણે કેટલા આળસુ અને કામચોર છીએ એ કહેવાની જરૂર નથી. કોઇએ કશું કરવું નથી. શિક્ષણમાં, ધર્મમાં અને રાજકારણમાં કે અન્ય ક્ષેત્રમાં ચાલતા તમાશાઓ સાક્ષી બનીને જુઓ, એનો આનંદ માણો એટલે આપણું કર્મ પૂરું અથવા તો સમજ્યા-વિચાર્યા વિના ઘેટાંના ટોળાંની જેમ કોઇ વિરોધ-પ્રદર્શન કે આંદોલનમાં જોડાઈ જાવ. વાર્તા પૂરી.
આજકાલ સોશ્યલ મીડિયાએ આપણને વધારે નિષ્કામી બનાવી દીધા છે. દેશનાં કરોડો લોકો આ પ્લેટફોર્મ પર બિનજરૂરી માહિતીની આપ-લે કે ગોસિપ દ્વારા લાખો માનવ કલાક બગાડે છે. એનો સાચો ઉપયોગ કરનારા લોકો માંડ દસ ટકા હશે અને છતાં આપણે સમય નથીનાં ગાણાં ગાઈએ છીએ. સખીઓ રાષ્ટ્રીય સ્વતંત્રતાને ટકાવી રાખવા માટે દેશનો સર્વાંગી વિકાસ જરૂરી છે. વિકાસ એ દુનિયા જીતવા માટેનું આવશ્યક પરિબળ છે અને આપણી પાસે કઇ દિશાનો વિકાસ છે? દેશના દરેક નાગરિકના માથે દેવું છે.
બેરોજગારી અને ગરીબી વધી રહી છે. ક્રાઈમ ઘટતો નથી એટલું જ નહીં ક્રાઈમના નવા નવા રસ્તાઓ વિકસી રહ્યા છે. નેતાઓ પોતાનાં ગજવાં ભરે છે. ધર્મગુરુઓને સમાજ પાસેથી લેવું છે અને બદલામાં મોક્ષની વાતો કરવી છે. સામાજિક કાર્યકરો થોડું સાંધવાનો પ્રયાસ કરે છે પરંતુ એ પ્રયાસ પાશેરામાં પહેલી પૂણી છે. દેશભક્તિનાં મુવી જોઈને આંખો ભીની કરનારા આપણે કયારેય આપણી જાતને સવાલ પૂછીએ છીએ ખરાં કે આ દેશ માટે આપણી શી ફરજ છે? માની લઈએ કે નોટબંધી, જી.એસ.ટી. કે કોવિડે આપણને આર્થિક નુકસાન કર્યું છે પરંતુ જેમ દેશસેવા માત્ર સરહદે લડવાથી નથી થતી એમ પૈસાથી પણ નથી થતી. એવી અનેક બાબતો છે જેનાથી રાષ્ટ્ર પ્રત્યેનું ઉત્તરદાયીત્વ બજાવી શકીએ.
પહેલા ક્રમે આવે છે નિષ્ક્રિયતાને છોડો. એક્ટીવ બનો, સપોર્ટી બનો. મહેતાજી મારે નહીં ને ભણાવે પણ નહીં એ માનસિકતા વધારે નુકસાનકારી છે. જયાં બોલવાનું છે ત્યાં બોલો, વિરોધ કરવાનો છે ત્યાં વિરોધ કરો અને જ્યાં સપોર્ટ કરવાનો છે ત્યાં હાથ ઝાલીને આગળ વધો. પછી ભલે એ પરિવાર હોય, સમાજ હોય કે ઓફિસ…મારે શું લેવાદેવાવાળી માનસિકતા છોડી શક્તિનો યોગ્ય ઉપયોગ કરીએ તો પણ બહુ છે. તમારે ભાગે આવેલ કામને પૂરી નિષ્ઠાથી નિભાવો. કામ ગવર્મેન્ટમાં હોય કે પ્રાઈવેટમાં તમારા 100 %આપો. મે, બી દરેક વખતે મહેનતનું ધાર્યું પરિણામ ન મળે પરંતુ એનાં ફળ કયારેક તો ચાખવા મળશે જ.
સૌથી વધુ બેદરકારી આપણે પર્યાવરણક્ષેત્રે દાખવીએ છીએ. પાણી-વીજળીનો બગાડ કરતા દિલ ડંખે છે? કચરો ગમે ત્યાં ફેંકતા શરમ આવે છે? પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ ઓછો કર્યો? પોલ્યુશનથી બચવા અને બચાવવા સાઈકલનો ઉપયોગ કરી શકીશું? વૃક્ષો કાપતાં લોકો સામે જંગે ચડી શકીશું? અન્નનો બગાડ અટકાવીશું? જો આટલું કરી શકીએ તો પણ દેશની સેવા જ ગણાશે.
ત્રીજું મોટા ટેક્સ સામે તમને ગવર્મેન્ટ સામે વાંધો છે તો લડો, કોર્ટમાં જાઓ પરંતુ જે જેન્યુઇન ટેક્સ છે તે તો ભરો. આપણે ત્યાં વ્યક્તિગત ધોરણે 6 કરોડ લોકો ટેક્સ ભરે છે. એનો મતલબ એ થયો કે મોટાપાયે કરચોરી થાય છે. મિલકતવેરો, લાઈટબિલ વગેરેમાં પણ ચીટીંગ થાય છે. આ બધાંમાં ઓનેસ્ટ રહો તો પણ પૂરતું છે.વળી, ટ્રાફિક રૂલ્સ ફોલો નથી કરવા ને ઉપરથી દાદાગીરી કરવી છે. ઓછા પૈસા આપીને દંડની રસીદ નથી લેવી. નેતાઓને કરપ્શન માટે ગાળો દેવી છે અને ખુદ પોતાનાં સ્તરે ભ્રષ્ટાચાર કરવો છે.
મંદિરમાં ભગવાનનાં દર્શન માટે પણ પૂજારીને લાંચ આપીએ એવાં લોકો આપણે છીએ. પહેલાં ખુદ સુધરીએ પછી દુનિયાને સુધારીએ… આદર્શની વાત છોડી વાસ્તવિક લેવલે આપણે કામમાં અને વ્યવહારમાં ચોખ્ખા બનીએ તો પણ ઇનફ છે. આપણી આપણા લેવલની પ્રતિબદ્ધતા એ આપણો રાષ્ટ્રપ્રેમ છે અને એ અંદરથી આવે છે. બજારમાં વેચાતો નથી મળતો… – સંપાદક