Business

પ્રિય સન્નારી

કેમ છો?
અપેક્ષા વિનાનો સંબંધ આ દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે. પરસ્પર પ્રેમ-સહકાર અને લાગણીની આપ-લેથી જ સંબંધોની ગાંઠ મજબૂત બની શકે. સંબંધોમાં રોમાંચ- લાગણીનો ઉભાર કે સન્માન જેવી બાબતો અપેક્ષાની પૂર્તિના સ્તર સાથે વધ-ઘટ થતી રહે છે. સો… અપેક્ષા વિનાના સંબંધ એ આદર્શ છે. વાસ્તવિકતા નહીં…. પરંતુ અતિની ગતિ નહીં એ ન્યાયે વધારે અપેક્ષા સંબંધનાં સત્ત્વને હણી લે છે અને આ અપેક્ષા ભૌતિક-શારીરિક કે માનસિક કોઇ પણ પ્રકારની હોય શકે.

અગર વ્યકિત એના પાર્ટનર પાસે ઋત્વિક રોશન કે ઐશ્વર્યા રાય જેવા દેખાવની અપેક્ષા રાખશે તો સુંદર અને આકર્ષક પાર્ટનરમાં પણ તે સતત ખામી શોધશે. નજરમાં ખામી દેખાશે તો એને ફિઝિકલી-ઇમોશનલી કનેકટ થવામાં મુશ્કેલી પડશે અને એમાંથી અસંતોષ અને અસંતોષમાંથી અદૃશ્ય- વિના કારણની સમસ્યાઓ સર્જાશે. જે સંબંધોને તોડવા માટે પૂરતી છે. બીજું, પાર્ટનર પાસે કે બાળક પાસે કરિયર કે અન્ય કોઇ સકસેસ બાબતે ખૂબ ઊંચી અપેક્ષાઓ રખાય તો તેઓ એમની નિષ્ફળતા કયારેય શેર નહીં કરે. હું અપેક્ષા નહીં પૂરી કરી શકું તો એમની નજરમાંથી ઊતરી જઇશ, તેઓ મારા પર ગુસ્સે થશે કે હવે મને ઓછો પ્રેમ કરશે એવી ચિંતા એમને અંદર ને અંદર પીડે છે. ભય, ચિંતા અને ગુસ્સો સંબંધને ખોખલો બનાવવા માટે પૂરતા છે.

કેટલીક વાર સામી વ્યકિત પોતાની શકિત પ્રમાણે જવાબદારી લેવા ઉત્સુક હોય છે પણ સામી વ્યકિતને હંમેશાં વધારે જોઇએ છે. માનો કે પત્ની બહાર કામ કરતી હોવા છતાં વડીલોની સંભાળ, બાળકોનું હોમવર્ક જેવાં કામ સંભાળતી હોય તેમ છતાં પતિ  બીલીંગ કે ડોકટર પાસે જવાં જેવાં કામો પણ પત્નીને માથે જ નાંખે ત્યારે પત્નીને ગુસ્સો આવે છે. બીજી વાર એ વધારાની કોઇ જવાબદારી પ્રેમથી લેવા તૈયાર નહીં થાય. મીઠા ઝાડનાં મૂળિયાં પણ ખાવા તૈયાર હોય એવા સ્વજન પ્રત્યે લાંબેગાળે અણગમો સર્જાઈ શકે.

એક સમય એવો હતો કે ‘પર્સનલ સ્પેસ’નું ખાસ મહત્ત્વ ન્હોતું તેથી પરિવારના સભ્યો હંમેશાં એકબીજાની સાથે કે આગળ-પાછળ ફર્યા કરતાં પણ હવે દરેકને પોતાનો ‘Me time’ જોઇએ છે ત્યારે બાળક કે જીવનસાથી બંને પાસે તેઓ બધો ફ્રી સમય તમારા માટે જ ફાળવે એવી અપેક્ષા રખાય તો એ વધારે ગણાય. માણસ માટે સ્વજન અને સંબંધ એ લાઇફ નથી. લાઇફનો એક મહત્ત્વનો ભાગ છે. જો એને લાઇફ ગણી અપેક્ષા રખાય તો સંબંધ ગૂંગળાઇ જાય. બે વ્યકિત વચ્ચે ગમે તેટલો પ્રેમ હોય તો પણ હંમેશાં એકબીજાનાં દુ:ખદર્દ કે આનંદ આંખોથી ન પણ વાંચી શકાય. મોટેભાગે લાંબાગાળાના સંબંધોમાં ‘દરેક વાત કહેવાની થોડી હોય, આટલાં વર્ષે ખબર ન પડે?’ એવી અપેક્ષા રખાય. જે વધારે છે અને માત્ર પીડા ઊભી કરે છે. આજે માણસ પોતાના મનને નથી વાંચી શકતો ત્યાં બીજાના મનને કઇ રીતે વાંચી લે? આવી ખોટી અપેક્ષા કરતાં પોતાની જરૂરિયાત, તકલીફ કે લાગણી સીધી વ્યકત કરવી હિતાવહ છે.

સંબંધ હોય ત્યાં સપોર્ટની અપેક્ષા હોય પરંતુ તમે સાવ ખોટા હો છતાં સ્વજન પાસે તમારો પક્ષ લેવાની અપેક્ષા રાખો એ સંબંધોનું શોષણ છે. ગમે તેવા પ્રગાઢ સંબંધોમાં પણ વ્યકિતને પોતાને ન ગમતી બાબતનો વિરોધ કરવાનો કે પોતાનો અલગ મત વ્યકત કરવાનો અધિકાર છે. જયાં નીચી મૂંડીએ હા માં હા મેળવવામાં આવે એ સ્વસ્થ સંબંધ ન જ હોય શકે. સૌથી મહત્ત્વની વાત વધારે અપેક્ષા બંને પક્ષને હતાશ કરે છે. ગીલ્ટ જન્માવે છે. સામી વ્યકિત સંવેદનશીલ હોય તો ખુદને સતત કોસતી રહે છે. બની શકે એમનામાં બીહેવિયર પ્રોબ્લેમ જન્મે કે એ વિદ્રોહી બની શકે…વધારે અપેક્ષા એ સંબંધોને તોડવાની કુહાડી સાબિત થાય તો નવાઇ નહીં.                 
– સંપાદક

Most Popular

To Top