Columns

પ્રિય સન્નારી

વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને શ્રાવણ મહિનાની શરૂઆત પણ થઇ ચૂકી છે. આપણાં કલ્ચરમાં શ્રાવણ મહિનો ધર્મ-કર્મ અને પવિત્રતાનું વાતાવરણ લઇને આવે છે. આશા રાખીએ કે તમારા મનની પવિત્રતા માત્ર શ્રાવણ માસ સુધી જ નહીં જીવનપર્યંત રહે અને જીવનની ગુણવત્તા હંમેશાં વધતી રહે. સન્નારીઓ, આજે દરેક વ્યકિતને સમસ્યા વિનાનું જીવન જીવવું છે. સ્ટ્રેસ ફ્રી બનવું છે પરંતુ એ માટે જે રસ્તો અપનાવવો જરૂરી છે એ અપનાવતા નથી. મોટાભાગની સમસ્યાઓનાં મૂળમાં શકિત બહારની પોતાની પાસે તથા બીજાની પાસેની અપેક્ષાઓ છે. આજે દરેક માણસ સપનાંઓના નશામાં જીવે છે. સપનાં હોવાં એ સારી વાત છે પરંતુ એ સપનાં પૂરાં કરવાની તમારી તાકાતનું તમે વિશ્લેષણ કર્યું છે?

માની લો કે તમારામાં એ તાકાત છે પરંતુ તાકાતની સાથે મહેનત કરવાની દાનત છે ખરી? પોઝિટિવીટી બહુ મોટું બળ છે પરંતુ એ પહેલી સીડી છે. એનાથી પ્રસ્થાન સરળ બને પરંતુ મુકામ મેળવવા માટે બીજાં અનેક પગથિયાં પાર કરવાં પડે. ઘણી વ્યકિતઓ જીવનમાં આગળ નથી વધી શકતી. નોકરીધંધો હોય કે પ્રેમ અને સંબંધો હોય…. એનું મુખ્ય કારણ એ છે કે તેઓ પોતાની ખામીઓ જોઇ શકતા નથી. એમના જીવનમાં જે કંઇ પણ બને એના માટે તેઓ બીજાને જવાબદાર ગણે છે. જયાં સુધી તમે તમારી સમસ્યાઓ માટે બીજાને જવાબદાર ઠેરવતાં રહેશો ત્યાં સુધી એનો ઉકેલ નહીં જડે. આજે આપણે પતિ-પત્નીના અંગત સંબંધોની વાત કરવી છે. તમારી દરેક સમસ્યા માટે તમે પાર્ટનરને જવાબદાર ગણો છો?

પતિ-પત્નીના સંબંધો માત્ર એમનાં પૂરતાં મર્યાદિત નથી. મા-બાપ – સાસુ-સસરા – બાળકો અને પરિવારની જવાબદારી વચ્ચે એમના સંબંધો ખીલતા – કરમાતા રહે છે અને સુખ-દુ:ખ પણ અથડાતાં રહે છે. પતિ-પત્નીનો સ્વભાવ, વ્યવહાર અને આદતો એકબીજાને હર્ટ કરે, દુ:ખી કરે કે સમસ્યાઓ ઊભી કરે એ સ્વાભાવિક છે પરંતુ કેટલાંક લોકોને પોતાની દરેક સમસ્યા અને દર્દ માટે પાર્ટનર કે આજુબાજુના જવાબદાર લાગે છે અને તેઓ કોઇ પણ જાતનાં વિચાર કે ગીલ્ટ વિના દોષનો ટોપલો એમના માથે નાંખી દે છે. જે બિલકુલ ક્ષમ્ય નથી.

કેટલાક પતિ ધંધા – વ્યવસાયમાં નિષ્ફળ જાય અથવા તો ત્યાં કોઇ પ્રોબ્લેમ આવે એટલે ઘરે આવીને બધું ફ્રસ્ટ્રેશન – ગુસ્સો પત્ની પર કાઢે, પત્ની અગર એ સમયે ચૂપ રહેવાને બદલે કોઇ વાજબી દલીલ કરશે કે સલાહ આપશે તો એનો પ્રત્યુતર પતિ એ રીતે આપશે કે જાણે આ બધા માટે પત્ની જ જવાબદાર હોય…. પોતાની નિષ્ફળતા માટે અન્યને જવાબદાર ઠેરવવા એ માત્ર ભાગેડુ વૃત્તિ નથી પરંતુ કાયરતા પણ છે.

આજકાલ નાની ઉંમરે પુરુષોમાં બ્લડપ્રેશર, શુગર જેવી સમસ્યાઓ આવે છે. હવે આ માટે પણ તેઓ પત્નીની કુકીંગ સ્ટાઇલ કે રસોઇનો વાંક કાઢશે પણ પોતે ઓફિસમાં કેટલા સમોસા – કચોરી ઝાપટે છે અને કેટલા કપ ચા-કોફીના ગટગટાવે છે એ નથી જોતા. એક ગ્લાસ પાણી પણ જાતે લેવા જેટલું હલન-ચલન ન કરે તો વજન વધવાનું જ…. એમાં પત્ની શું કરે? ખાવાનો ચટાકો ખુદને હોય અને દોષ પત્નીનો? એ યોગ્ય છે? અગર ઘરમાં કોઇ વસ્તુ તૂટે, બગડે કે ખોવાઇ જાય… એટલે તરત જ ઉપાલંભ આવે…. તારાથી કોઇ વાતનું ધ્યાન નથી રખાતું, તને કંઇ ખબર નથી પડતી… વગેરે વગેરે… શું ઘર માત્ર એકલી પત્નીનું જ છે? પતિની નાની – નાની બાબતની કાળજી અને જાળવણીની કોઇ ફરજ નથી હોતી?

તમે તમારી આજુબાજુ જોયું હશે કે બાળક ફેલ થાય, બીમાર પડે કે બગડે એટલે સીધો વાર પત્ની પર થાય. તું ધ્યાન નથી આપતી, તે જ એમને ચડાવ્યાં છે કે તને બાળકોની કંઇ પડી જ નથી. આવા પતિદેવને પોતે તો કશું કરવું નથી પરંતુ પત્નીની ભૂલ ગણાવીને પોતાની ભૂલને સંતાડવી છે. માત્ર પતિઓ જ નહીં પત્નીઓ પણ અનેક બાબતે આવું કરે છે.
મોટે ભાગે પતિની આવકની પત્નીને ખબર જ હોય છે. છતાં બજેટમાં ગરબડ થાય, કયારેક ખેંચ પડે તો પતિની ઓછી આવક પર રડવાનું અને ખુદને કેટલી તકલીફ પડે છે એનાં ગીત ગાવાનું શરૂ થઇ જાય…. પરંતુ પતિની આવક પ્રમાણે ઘર ચલાવવું એ પત્નીની ફરજ છે અને મુશ્કેલીમાં પત્ની સાથ ન આપે તો કોણ આપશે? કેટલીક વાર તો પત્નીના આડેધડ ખર્ચા અને લાપરવાહીને કારણે સ્થિતિ બગડે છે છતાં વાંક પતિની આવકનો નીકળે છે. ઘણી પત્નીઓ તો પોતાની બીમારીને એ રીતે દર્શાવે કે એના માટે પતિ જ જવાબદાર હોય. પતિ આખો દિવસ તમારી આગળ – પાછળ નથી હોતા. તમે શું ખાવો – પીવો છો?

એકસરસાઇઝ કરો છો કે નહીં? એ તમારો પ્રશ્ન છે. એટલિસ્ટ, જયાં સંબંધો ટોક્સિક નથી ત્યાં તો પતિને કારણે બીમારી આવવાની શકયતા નહીંવત છે, આ સિવાય પત્ની પોતાની કરિયરમાં આગળ ન વધી શકે તો પતિનો સપોર્ટ નથી મળતો કે પરિવારમાં એનો ઘણો સમય નીકળી જાય છે એવાં બહાનાં કાઢશે. અમુક કેસોમાં આ વાત સાચી હશે પરંતુ અનેક સ્ત્રીઓને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કામ કરવું નથી ગમતું અથવા બેલેન્સ કરવાની કે મલ્ટી ટાસ્કીંગ સ્કીલ એની પાસે નથી હોતી અથવા તો અંદરની જ આગ નથી હોતી…. પણ તેઓ આસાનીથી પતિ સામે તીર તાકે છે.
એકબીજા પર દોષારોપણ કરતાં પહેલાં તમે પોતે જ આત્મનિરીક્ષણ કરો કે કયાંક તમે જવાબદાર નથી કે તમારી જ ભૂલ નથી ને? તમારી ભૂલ સ્વીકારો અને એને સુધારવાની કોશિશ કરો તો જ તમે િનષ્ફળતાને સફળતા તરફ દોરી જઇ શકશો.
પોતાની હાર, સમસ્યા કે દુ:ખનો દોષ બીજા પર નાંખીને વ્યકિત પોતાનું જ નુકસાન કરે છે. જેમ કે-

  • એ પાર્ટનરનું રીસ્પેકટ ગુમાવે છે.
  • પોતાની ભૂલ દેખાતી ન હોવાથી તેઓ જવાબદારી સ્વીકારવાનું અને એને સુધારવાનું શીખશે જ નહીં.
  • પાર્ટનર જેન્યુઇન, ખરા દિલથી દરેક બાબતે સપોર્ટીવ અને હાર્ડવર્કર હશે તો એનું દિલ તૂટી જશે. આક્ષેપો એને માનસિક રીતે પણ ડિસ્ટર્બ કરશે એટલું જ નહીં બીજી વાર એ જવાબદારી લેવાનું ટાળશે.
  • પાર્ટનર ખુદ પરનો ભરોસો ગુમાવશે. કોઇ પણ નિર્ણય લેતા ડરશે. એ હંમેશાં અવઢવમાં રહેશે.
  • મે બી આવા વર્તનથી પાર્ટનર શેર કરવાનું ટાળશે અથવા જૂઠું બોલવા પ્રેરાશે.
  • સંબંધોમાં અવિશ્વાસ, અસ્વીકાર અને અવગણના ભળવાથી સંબંધોની ઉષ્મા અને મીઠાશ ધીરે – ધીરે ખતમ થશે. શું માનવું છે તમારું?
  • સંપાદક

Most Popular

To Top