ચોમાસામાં કુલ – કુલ રહેવા માટે શું કરો છો? વરસાદને કારણે પરેશાન તો નથી ને? સન્નારીઓ, લાઇફ છે તો ખુશીઓની સાથે પરેશાની પણ રહેવાની જ! ટેઇક ઇટ ઇઝી… આપણને સ્ત્રીઓને ટેન્શન લેવાની આદત છે પરંતુ ટેન્શન લેવાથી સમસ્યા સુધરતી નથી પણ વકરે છે… દરેક કામ કે સમસ્યાને પૂર્ણ થવાનો એનો પોતાનો સમય હોય છે. આપણે ઝાઝી હાયવોય કર્યા વિના આપણું બેસ્ટ આપવું એ જ આપણું સોલ્યુશન. બાકી નાનીમોટી ગરબડોથી જિંદગી અટકી જતી નથી. વળી દરેક પ્રશ્ન જીવનમરણનો કે લાભ – નુકસાનનો નથી હોતો… એ માત્ર પ્રશ્ન હોય છે. સમય, ધીરજ અને કુનેહ એનો ઉકેલ છે. સો… ડોન્ટ વરી… એન્ડ એન્જોય યોર લાઇફ…. આપણી ઉતાવળ, ચીડિયાપણું કે ઉકળાટ એ કોઇ પણ સમસ્યાનું સમાધાન નથી અને સમય હંમેશાં આપણી શરતો પર ચાલતો નથી. સમયની પોતાની શરતો હોય છે. કયારેક એને સરેન્ડર થવામાં શાણપણ છે તો કયારેક એની સાથે બાથ ભીડવામાં ડહાપણ છે… બસ, આ ડહાપણ અને શાણપણ કયાં વાપરવું એની સમજદારી આવી જાય તો બેડો પાર. બરાબર ને?
સન્નારીઓ, આજકાલ ‘cool’ શબ્દ નવી જનરેશનમાં ખૂબ પોપ્યુલર છે. તેઓ પોતે ‘કુલ’ હોય કે ન હોય પરંતુ એની આજુબાજુના લોકો ‘કુલ’ અને ‘ચીલ’ હોય એવી એમની અપેક્ષા હંમેશાં રહે છે. આ ‘કુલ’ હોવું એટલે શું? સાદી ભાષામાં શાંત, મધુરભાષી, શિસ્તપ્રિય, વિવેકી અને સમજદાર હોવું… જો કે નવી પેઢી ‘બી કુલ’ને અનેક અર્થમાં લે છે. ‘cool’ નો મતલબ શું છે ‘It’s cool to be different. Just be who you are and shock people in a good way…’
સન્નારીઓ, કુલ બનવું એ સન્માનનીય અને પ્રશંસનીય હોય તો એ દિશામાં આપણે પણ પ્રયત્ન કરી શકીએ ને? કુલ હોવું એટલે પોતે જેવા છે તેવા એનો સ્વીકાર…. અને ખુદને પ્યાર… બોલો… આપણામાંથી કેટલા આપણા બાહ્ય અને આંતરિક વ્યકિતત્વને સ્વીકારીને અફસોસ – ગીલ્ટ કે ફરિયાદથી મુકત છીએ? ‘કુલનેસ’ એટલે ખુદને જોવાની આપણી દૃષ્ટિ… અગર આપણે અલગ છીએ, ફેશનેબલ છીએ, સાદા છીએ, કાળા છીએ કે જાડા છીએ એના માટે કોઇ નિરાશા નહીં. છતાં વ્યકિતત્વમાં એવું કશું હોય છે જેના માટે અન્ય લોકો પ્રાઉડ ફીલ કરે. કુલનેસમાં કપડાં કે લુક માટે બેફિકરાઇ હોય પણ લઘરવઘર પણ ન હોય. સ્વભાવમાં એટિટયુડ ન હોય પરંતુ સેલ્ફ રિસ્પેકટ જરૂર હોય.
માનવસ્વભાવની સૌથી મોટી નબળાઇ એટલે એ પોતે કંઇક છે અને એ પોતે જ સાચો છે એવો એનો ભ્રમ…. આવા ભ્રમમાં બીજાની અલગ પરંતુ સારી અને સાચી વાત સાંભળતાં નથી અને એને સન્માન પણ નથી આપતા. અગર આપણે કુલ બનવું છે તો પોતાનો જ કકકો ખરો કરવાને બદલે બીજાના અભિપ્રાયનું સન્માન કરો કારણ કે આપણે બધાં જુદાં જુદાં વાતાવરણ અને જુદાં જુદાં સામાજિક – આર્થિક બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ. એથી અમુક બાબતો પ્રત્યે પ્રેમ અને અમુક બાબતો પ્રત્યે અણગમા જેવી માનવસહજ ભાવના બીજાની અવગણનાનું કારણ ન બને એ સમભાવ કુલ વ્યકિતમાં હોય છે.
વ્યકિતને કુલ બનાવતી ત્રીજી બાબત છે તમે તમારી જાત પર હસી શકો છો અને ખામીઓને સ્વીકારી શકો છો.
વધારે પડતી ગંભીર વ્યકિત ખુદને નુકસાન કરે છે અને વાતાવરણને કયાં તો યુધ્ધનું મેદાન બનાવશે કયાં તો શોકસભા બનાવશે. ઘણી વ્યકિતઓને લડવાની અને રડવાની જ ટેવ હોય છે પરંતુ આજના કોમ્પિટેટીવ સમયમાં આ બે બાબત સિવાયની ત્રીજી અગત્યની બાબત છે હસવાની. પ્રશ્નો અને વ્યકિત પજવે ત્યારે સેન્સ ઓફ હ્યુમર કેળવવાની. આ દુનિયામાં કોઇ પરફેકટ નથી. દિવસમાં તમને મળનાર અથવા તો તમારી સાથે જેને નિસબત છે એવી દસમાંથી આઠ વ્યકિત કોઇ ને કોઇ સીલી ભૂલ કરશે… અગર એ બાબતે અકળાશો કે દુ:ખી થશો તો મે બી કામ બગડશે.
એટલે ભૂલો ખામીઓ અને સમસ્યાઓ પર થોડું હસતાં શીખીએ. એ જીવનની મોજ છીનવી લે એટલી હદે એને બોજ ન ગણીએ. ચોથા ક્રમે આવે છે ગુડ મેનર્સ… અવિવેકી અને અભિમાની વ્યકિત કોઇને ગમતી નથી. મેનર્સ એ એવી બાબત છે કે જે ‘માસ’માંથી ‘કલાસ’ને અલગ તારવે છે. મેનર્સ એ કોઇ બિગ એકશન નથી પરંતુ એવી નાની નાની રીતભાત છે, જે બીજાના હૃદય પર ઊંડી છાપ પાડે છે. જેમ કે કોઇને હેલ્પફુલ થવું, કૃતજ્ઞતા બતાવવી, નમ્રતાથી બીજાની વાત સ્વીકારવી, કોઇના ઘરે જઇએ ત્યારે ગિફટ લઇને જવું કે નિશ્ચિત સમયે પોતાનું કામ પૂરું કરવું… આ પોઝિટિવ ચેષ્ટા વ્યકિતત્વને અન્યથી અલગ પાડે છે.
કુલ હોવાની પાંચમી નિશાની છે નોલેજ… આજે જયારે નોલેજ એ જ પાવર છે ત્યારે માણસ પાસે દેશ અને દુનિયાની ગતિવિધિ, રાજકારણ, સ્પોર્ટસ, મ્યુઝિક, મુવી, ફેશન, આર્ટ વગેરેનું નોલેજ હોવું જોઇએ. પોતાના રસ સિવાયના વિષયોનું નોલેજ હોય તો આત્મવિશ્વાસથી દરેક સ્તરની વ્યકિત સાથે કમ્યુનિકેટ કરી શકાય છે. અને છેલ્લે, ‘કુલ’ વ્યકિત થોડી રહસ્યમય હોય છે. એ પોતાની દરેક વાતો ખુલ્લી નથી મૂકતો પરંતુ સમયાંતરે સરપ્રાઇઝ આપી જાહેર કરે છે. એને મળનારને એના વિશે જાણવાની ઉત્સુકતા રહે એવું એમનું વ્યકિતત્વ હોય છે.
તો ચાલો, આ ગરમીમાં આ રીતે પણ ‘cool’ બનવાનો પ્રયત્ન કરીએ.
– સંપાદક