વિશ્વના તમામ પિતાઓને ‘ફાધર્સ ડે’ની હાર્દિક શુભેચ્છાઓ….
માતાના માથે વાત્સલ્યની અને પિતાને માથે જવાબદારી નિભાવવાની જવાબદારી છે. માતામાં સ્ત્રીસહજ કોમળતા છે, જયારે પિતાની કોમળતા બહારની ઠોકરો ખાઇને થોડી બરછટતામાં પરિણમી છે. માતાએ પરિવારના સભ્યો વચ્ચે રહીને પોતાની ભૂમિકા ભજવવાની છે, જયારે પિતાએ વિરાટ દુનિયામાં પોતાનું વ્યકિતત્વ બનાવવાનું અને અસ્તિત્વ ટકાવવાનું છે. હા, આજે સ્ત્રીઓ પણ કામ કરે છે પરંતુ ભારત જેવા દેશમાં એ ટકાવારી 18.6% છે.
જેમાંથી ઘર ચલાવવાની જવાબદારી કદાચ 7 – 8%ની હશે. બાકીના પરિવારોમાં પિતા જ બ્રેડવિનર છે. ઘરની આર્થિક – સામાજિક- પારિવારિક સુખાકારીનો ભાર પિતાને માથે છે. એ માટે પિતા બાળક સાથે કદાચ વધારે સમય ન વીતાવી શકે, એની ડિમાન્ડ પર ગુસ્સે થઇ જાય, પેરન્ટસ મીટિંગમાં ન આવે કે બહારનો ગુસ્સો ઘરમાં ઉતારે ત્યારે સહુની નજરમાં તેઓ વિલન બની જાય છે. હા, પિતામાં પુરુષસહજ ઇગો છે, ગુસ્સો છે, એ બ્રેડવિનર છે, એટલે થોડો રોફ પણ છે પરંતુ પિતા તરીકેનો એનો પ્રેમ અને લાગણી બદલાતા નથી. એના માટે પિતાના હૃદયમાં ડૂબકી મારવી પડે છે.
આપણે એવું માનીએ છીએ કે માતા બનતા સ્ત્રીની જિંદગી બદલાઇ જાય છે. શું પિતાની જિંદગી નથી બદલાતી? બાળકના જન્મ સાથે માતાએ કામ છોડવું પડે છે પરંતુ પિતાએ યેન-કેન એ ટકાવી રાખવું પડે છે કારણ કે એક નવી જિંદગીના સપનાંઓ એણે સાકાર કરવાના છે. આજની ફેમીનીસ્ટ અને મોડર્ન સ્ત્રીઓને ફાધરહુડ સામે ઘણી ફરિયાદો છે પણ તેઓ પેરન્ટસ મીટિંગમાં જાય છે તો પિતા સ્કૂલની ફીની વ્યવસ્થા કરે છે. બીમાર બાળક સાથે માતા રાતભર જાગે છે તો પિતાને પણ એની સારવારની વ્યવસ્થાની ચિંતામાં ઊંઘ નથી આવતી.
માતા બાળકને ગાર્ડનમાં, એમ્યુઝમેન્ટ પાર્કમાં લઇ જાય છે. પિતા દરેક વખતે નથી આવી શકતા કારણ કે એને રજા પાડવાનું પોષાય એમ નથી. સ્ત્રી જન્મજાત મલ્ટી ટાસ્કીંગ છે, તેથી એ એના કામ સાથે બાળકને સંભાળી શકે છે. બાળકમાં એ એની હેપ્પીનેસ અને ફુલફીલનેસ શોધી શકે છે. પુરુષ મલ્ટી ટાસ્કીંગ નથી અને એને અમુક પ્રકારનાં કામો શીખાવાયાં જ નથી. તેથી એ સ્ત્રીની જેમ બેવડી જવાબદારી નિભાવવામાં ઘણી વાર પાછો પડે છે. વળી, એનું મિકેનિઝમ જ એવું છે, કે બાળક ઉપરાંત એને પોતાનો કોર્નર, પોતાની સ્પેસ રીલેકસ થવા જોઇએ છે.
તેથી એ બાળકનો થોડો સમય છોડી TV, ફોન, ન્યૂઝપેપર, સ્પોર્ટસ કે જીમ માટે ફાળવી લે છે. એનાથી કોઇ પિતા બેજવાબદાર કે બેધ્યાન બની જાય ખરા? પિતા એ પિતા છે. જે ઘરમાં સલામતી સાથે આપણે રહીએ છીએ એ ઘરનો પાયો પિતા છે. ‘ઘોડેસવાર બાપ મરજો પરંતુ દળણાં દળતી મા ન મરજો’ એવી કહેવત જે-તે સમયે કદાચ સાચી હશે… પરંતુ એક – બે મહિના પિતાની નોકરી જતી રહે કે ધંધામાં નુકસાન થાય ત્યારે કેટલે વીસે સો થાય એ બધાને લોકડાઉન દરમ્યાન સમજાયું જ હશે. પિતાની કડકાઇ, ગુસ્સો અને કઠોરતા એ બહારની દુનિયાના સંઘર્ષને કારણે છે… પિતા આર્થિક જવાબદારીની સાથે ભાવનાત્મક લગાવમાં પણ જરાય ઓછા ઊતરતા નથી.
જેમ પરિવાર પપ્પાની રાહ જુએ છે, એમ પપ્પા પણ પરિવારને મળવા બ્હાવરા હોય છે. બાળકના જન્મ સાથે એની પ્રાયોરીટીઝ પણ બદલાય છે. સારી સ્કૂલમાં એડમિશન લેવા માટે એ ધંધા – નોકરીમાં થોડી તડજોડ કરી લે છે. આજના પિતા તો બાળકની નેપી બદલવાથી લઇને દીકરી સાથે સેનેટરી પેડ્સની વાત પણ કરે છે. દીકરીને સારું સાસરું મળે અને દીકરો ધંધામાં સેટ થાય એ માટે પિતાના અથાક પ્રયત્નો હોય છે. બાળકને કંઇ થાય ત્યારે માતાના આંસુ સહુને દેખાય છે, પણ પિતાની વેદના કોઇને દેખાતી નથી.
નવો મોબાઇલ લેતાં પહેલાં એ બાળકના લેપટોપ કે એકટીવા માટે વિચારશે. શોપીંગમાં એમનો ક્રમ ધીરે ધીરે પાછળ રહેશે. બાળક પર નેગેટીવ અસર ન પડે એટલે પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખતા શીખશે. ખોટી આદતો છોડવા પ્રયત્ન કરશે. ખુદને અપ-ડેટ રાખશે. સેવીંગ્ઝ શીખશે. દર્દને છુપાવીને ખોટું ખોટું હસતા પણ શીખશે. તમે કોઇ ટેન્શન ન લો, માત્ર ભણવામાં ધ્યાન આપો એમ કહીને પોતે ચિંતાથી વીંટળાયેલા રહેશે. દીકરીના નખરા અને દીકરાની જીદ એ હોંશે – હોંશે ઉઠાવશે. એમને કોઇ બાબતે ના પાડતા એનું કાળજું ચીરાશે. એ પોતે ખરાબ બનીને સંતાનોના હિત માટે સ્ટેપ લેશે. કારણ કે પિતા પાસે દુન્યવી વાસ્તવિકતા અને દીર્ઘદૃષ્ટિની બે બીજી આંખો હોય છે. પિતા એ પિતા છે.
એ દેખાતું ઘર નથી પરંતુ પાયો છે.
એ પુષ્પ નથી સુગંધ છે.
એ રસ્તો નથી સાઇનબોર્ડ છે.
એ વાણી નથી, મૌનમાં સંભળાતું વચન છે.
સો…. ઓછો સમય આપતાં, ગુસ્સે થતાં, અપ-ડેટ કે અપ ટુ ડેટ ન રહેતા, જૂના ટુ – વ્હીલર કે જૂની કાર પર અટકી રહેતા પપ્પાને કંજૂસ – એરોગન્ટ કે ગુસ્સેલ માનવાને બદલે એના મનના દરિયામાં ડૂબકી મારજો…. પ્રેમના – વાત્સલ્યના, સમજણ અને સમાધાનના બહુરંગી મોતીઓ તમને નીરખવા મળશે.
– સંપાદક