પ્રિય સન્નારી

કેમ છો?
હેપ્પી રિપબ્લિક ડે.
સ્વતંત્ર ભારતમાં જીવવાનાં હક, અધિકાર અને નિયમો દર્શાવતા બંધારણની પ્રાપ્તિનાં 71 વર્ષ વીતી ગયાં પણ આજે ય ન તો હક-અધિકારની આપણને પૂરતી ખબર છે કે ન તો એને માટે જાગૃત છીએ. આપણે ગીતા, વેદ, કુરાન કે આગમ જેવાં ધર્મશાસ્ત્રો વાંચ્યાં હશે પરંતુ ભારતનાં બંધારણ પર કેટલા ટકાએ નજર મારી હશે? કાયદો જાણવાની જવાબદારી વકીલ અને પોલીસને માથે. રાજકારણીઓની જવાબદારી ખરી પરંતુ તેઓ કાયદો જાણવા છતાં એને તોડવાનાં પરાક્રમો વધારે કરે છે એટલે એની વાત કરવાનો મતલબ નથી.

આપણે જનરલ કાયદાની વાત જવા દઇએ પરંતુ ભારતના બંધારણે આપણને સ્ત્રીઓને કેટલા અધિકારો આપ્યા છે? સ્ત્રીસંબંધી કાયદામાં સમયાંતરે કેટલાં પરિવર્તન આવ્યાં છે એની કેટલાંને ખબર છે? એટલીસ્ટ, લગ્ન, છૂટાછેડા, મિલકતનો અધિકાર, શોષણ, નોકરીમાં સમાન વેતન અને સ્ત્રીઓને જે કાનૂની મદદ મળે છે એ અંગેની જાણકારી તો દરેક મહિલાને હોવી જ જોઇએ. એની જાણ હશે તો કોઈ લીગલ પ્રોબ્લેમ આવે ત્યારે વધારે સચોટ નિર્ણય લઇ શકશો.

સન્નારીઓ, આજે દેશમાં બંધારણમાં જ નહીં પરંતુ દેશપ્રેમ અને દેશભક્તિની વ્યાખ્યામાં પણ પરિવર્તન આવ્યું છે. આપણે ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમની એવી ભેળસેળ કરી નાંખી છે કે કયાંય કશું શ્રેષ્ઠ ઉજાગર નથી થતું. ધર્મ એ વ્યક્તિની અંગત બાબત છે, એ રાજકારણનો અખાડો નથી… કૃષ્ણ અને રામ રાજકીય દાવપેચના ઓશિયાળા નથી. એ એના ભકતોના દિલમાં રહેવાના જ છે. આપણી જીવનશૈલી, આપણા ઉત્સવો, આપણું સાહિત્ય, આપણું સંગીત-નૃત્ય એ આપણી સંસ્કૃતિ છે જેને આપણી પાસેથી કોઇ ન છીનવી શકે. નવરાત્રી વિનાનું ગુજરાત કે દુર્ગાપૂજા વિનાના બંગાળની તમે કલ્પના કરી શકો ખરાં? ના, એ આપણી અસ્મિતા છે. એને જાળવવા માટે પ્રજાનું જોડાણ જ પૂરતું છે. મતલબ કે ધર્મ અને સંસ્કૃતિનાં નામે પોતાનો સ્વાર્થ સાધનારાઓથી એને દૂર રાખવાનો પ્રયત્ન આપણે પ્રજા તરીકે કરવો જોઈએ. હા, આ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવાની ફરજ રાષ્ટ્રની છે પરંતુ એમાં રાષ્ટ્રની સાથે ધર્મ અને સંસ્કૃતિનું ગૌરવ જળવાવું જોઈએ અને તે પણ વિશ્વના બીજા નંબરના લોકશાહી દેશને છાજે એ રીતે. લોકશાહીનું ચીરહરણ કરીને જે કંઇ થાય એનું નુકસાન બધાંએ જ ભોગવવું પડશે.

સન્નારીઓ, રાષ્ટ્ર કે દેશ એ કોઇ સ્થૂળ શબ્દ નથી. બહુ વ્યાપક છે. એમાં પ્રજા-સમાજ-કાયદો-નીતિ-ટેક્સ, વિકાસ અને વેપાર-વાણિજય જેવી  અનેક બાબતો સમાવિષ્ટ છે. કોઇ ચૂંટાયેલા નેતાની એ જાગીર નથી બની જતી. રાષ્ટ્ર મારા-તમારા જેવા કરોડો દેશવાસીઓથી બને છે. આપણે જ એનું જોમ છીએ. તેથી એક રાષ્ટ્રનેતા જેટલી જ ફરજ દેશ માટે આપણી બને છે. સન્નારીઓ, પહેલી ફરજ છે યોગ્ય નેતાને ચૂંટીને મોકલવો… હાલના સમયમાં આ યોગ્યની વ્યાખ્યા કરવી અઘરી છે છતાં દેશની, રાજયની શાંતિ અને વિકાસનો આધાર આપણી આ પસંદગી પર છે. બીજી ફરજ છે અન્યાયનો, શોષણનો પ્રતિકાર કરવો, અવાજ ઉઠાવવો. માત્ર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાથી પ્રશ્નનો ઉકેલ નથી આવતો. છતાં એ રીતે પણ ખોટી બાબતો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જ જોઇએ. પછી એ સ્કૂલના સંચાલકની દાદાગીરી હોય કે પોલીસની, અવાજ તો ઉઠાવવો જ પડશે.

ત્રીજી ફરજ છે નકારાત્મકતા ફેલાતી અટકાવવી. આજે સોશ્યલ મીડિયા દ્વારા જ્ઞાતિ-જાતિ, ધર્મ, સંપ્રદાય, નેતા-અભિનેતા અને ઉદ્યોગો કે સંસ્થા માટે સતત નકારાત્મક લખાય છે. એકબીજાને પછાડવાની, તોડવાની અને નીચે પાડવાની વૃત્તિને ઉત્તેજન આપતી બાબતોને ન ફેલાવીએ. સતત પીરસાતી આ નકારાત્મકતા રાષ્ટ્રની છબીને નુકસાન કરે છે અને નવી પેઢીને હતાશ બનાવે છે. એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે આપણે એનો ભાગ ન બનીએ. ચોથી બાબત છે આપણા સ્વાર્થ માટે આપણે બીજાને નુકસાન ન કરીએ. હમણાં નજીવા રૂપિયા બચાવવા ઝેરી કેમિકલ ખાલી કરતાં અનેક મજૂરો મૃત્યુ પામ્યા…ફાયર સેફટી, કારસ્પીડ કે મેડિકલ વેસ્ટ જેવી બાબતોમાં બેદરકારી અનેકને નુકસાન કરી શકે.

અને પાંચમી વાત છે આપણી શક્તિ અને સર્જનાત્મકતાને યોગ્ય દિશા આપીએ.  વિકસિત દેશોમાં મોજ-શોખની સાથે લોકો કંઇ ને કંઇ નવું કરતાં રહે છે. નવું વિચારે છે તેથી દેશની પ્રોડકટીવીટી વધે છે. સિક્યુરીટીને બદલે સ્ટ્રગલ કરી તેઓ નવાં શોધ-સંશોધન પાછળ જોડાય છે. એમાં સ્ત્રીઓ પણ બાકાત નથી. જયારે હજુ આપણે સબ સલામતવાળા કામને જ સ્વીકારીએ છીએ. આપણો સમય સાસુ-વહુ, કામવાળી અને પાડોશીની ગોસિપમાં ખર્ચાઈ જાય છે. જયારે સમય મળે ત્યારે કંઇક કામ કરીએ, કોઇને ફ્રીમાં ભણાવીએ, હેલ્થ અવેરનેસ માટે સમજાવીએ, યંગસ્ટર્સને સાહસ માટે સપોર્ટ કરીએ, કમાઈએ અને વાપરીએ કે સેવાનું કામ કરીએ પરંતુ માનવ કલાકોને વેડફીએ નહીં. પ્રજાની સર્જનાત્મકતા, રચનાત્મકતા અને ઉત્પાદકતા જ રાષ્ટ્રને નવી ઓળખ આપી શકે અને એની શરૂઆત ખુદથી, પરિવારથી અને સમાજથી કરવી પડશે.
– સંપાદક

Most Popular

To Top