કેમ છો?
શિયાળાની ગુલાબી ઠંડીની મજા બ્લેન્કેટ ઓઢીને સૂતાં – સૂતાં માણો છો કે પછી વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળીને માણો છો? શિયાળો હેલ્થનું ઇન્વિટેશન લઇને આવે છે. એને સ્વીકારવું કે ન સ્વીકારવું અથવા તો કઇ રીતે સ્વીકારવું એ આપણા હાથમાં છે. પોંક-પાપડી, વસાણાં-લીલાં શાકભાજી અને ફાસ્ટફૂડમાંથી તમે કઇ બાબતને મહત્ત્વ આપો છો એના આધારે શિયાળો તમારા તન-મનને તરોતાજા કરશે…. સો… ઓલ ધી બેસ્ટ ફોર યોર ‘બી હેલ્ધી એન્ડ ફીટ’ ટાર્ગેટ….
સન્નારીઓ, આપણું જીવન યાને વાણીવર્તન એ આપણા વિચારોનું પ્રતિબિંબ છે. આપણે જે વિચારીએ છીએ એની અસર આખા યુનિવર્સ પર પડે છે એટલે પોઝિટિવ અને સારું – સારું વિચારવું જોઇએ પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણું મન આપણા હાથમાં નથી. એ આપણને વિચારોની કઇ દિશામાં લઇ જશે એનો નિર્ણય આપણે કરી શકતા નથી અને નકામા વિચારોના પ્રવાહ સાથે વહેતા રહીએ છીએ. એટલું જ નહીં વધારે પડતું વિચારીને એટલે કે ઓવરથીંકીંગ કરીને ખોટા નિર્ણયો લઇએ છીએ….
આજે આપણે વાત કરવી છે ઓવરથીંકીંગની…. ઓવરથીંકીંગ સારી અને ખરાબ બંને ઘટનાઓ પર હોય છે. આપણે સારી ઘટનાની વાત કરીએ. ધારો કે આપણા ઘરે કોઇ પ્રસંગ છે. આપણે ખૂબ ખુશ છીએ અને એ ખુશીમાં આમ કરીશું – તેમ કરીશું એવા અનેક વિચારોની વણઝાર ચાલતી રહે છે. સરસ કરવાની ઇચ્છામાં ઘણું બધું વિચારી લઇએ પરંતુ વાસ્તવમાં એ બધું શકય નથી હોતું. તેથી હતાશ થવાય. વળી, ઘણી વખત અમુક લોકો પ્રસંગ આવે ત્યાં સુધી વિચારતા જ રહે છે….
તેઓ દરેક બાબતે એટલું વિચારે છે કે યોગ્ય સમયે નિર્ણય જ નથી લઇ શકતા અને છેલ્લી ઘડીએ નિર્ણય લેવાયા બાદ ઉતાવળમાં એકશનમાં ગરબડ ઊભી થાય છે. જે ઘટના – પ્રસંગ કે કામ સહજતાથી પતી શકે એમ હોવા છતાં એક જ બાબતે વિચારતા રહેવાને કારણે એમાં સમસ્યા જન્માવે છે. વધારે પડતા વિચાર અનિર્ણયાત્મકતા અને ખોટા નિર્ણય તરફ દોરે છે. યોગ્ય સમયે નિર્ણય ન લેવાય તો એ સાચો કે સારો હોય તો પણ અર્થવિહીન સાબિત થશે.
જો કે મોટાભાગનાં લોકોને પોઝિટિવ કરતાં નેગેટિવ બાબતે વધુ ઓવરથીકીંગની આદત હોય છે અને એ માનસિક રોગના સ્તર સુધી પહોંચે છે. ઓવરથીકીંગ ડર, ગુસ્સો અને હતાશા લાવે છે અને વર્તમાનની ખુશીને ક્ષણભરમાં કચડી નાંખે છે. આવી વ્યકિત એના જ વિચારોના પિંજરામાં કેદ રહે છે. બીજાની વાત કે માર્ગદર્શનની એમને કોઇ અસર થતી નથી. ઓવરથીકીંગ સમસ્યાનું એવું વમળ સર્જે છે કે એમાંથી બહાર નીકળવાનો વ્યકિતને કોઇ રસ્તો દેખાતો નથી. એ ખુદ તો પરેશાન થાય છે અને બીજાને પણ કરે છે. સારી અને સીધી ચાલતી બાબતોમાં પણ એને પ્રશ્નો જ દેખાય છે.
એ કાલ્પનિક, ખરાબ અનુભવોનો થેલો ખભે ઊંચકીને ચાલતો રહે છે અને માનવામાં ન આવે એવા અથવા તો અશકય હોય એવી સમસ્યાનાં નવાં – નવાં સ્વરૂપો રજૂ કરતાં રહે છે…. જેને પરિણામે વ્યકિત ન તો શાંતિથી ખાઇ-પી શકે છે કે ન તો ઊંઘી શકે છે. અનિદ્રા સાથે એમને દોસ્તી થઇ જાય છે જેની હેલ્થ પર નેગેટિવ અસર પડવાની જ. ચિંતા – હતાશા – અસલામતી- અવિશ્વાસ અને અનિર્ણયાત્મકતાને કારણે કોઇ વાત સીધી ન બને.
સન્નારીઓ, અગર આપને કોઇ પણ બાબતે વધારે વિચારવાની ટેવ હોય તો પ્લીઝ બી કેરફુલ…. વધારે વિચારવાથી નહીં યોગ્ય દિશામાં વિચારવાથી જ યોગ્ય પરિણામ મળે છે. ઓવરથીકીંગને બદલે પરફેકટ પ્લાનિંગ, ડીસિઝન પાવર અને સમસ્યાને ઉકેલવાની સૂઝબૂઝ જીવનમાં જરૂરી છે. એક વાત યાદ રાખવી જરૂરી છે કે-
over-thinking ruins you.
it ruins the situation
it twists things around
it makes you worry.
it just makes everything worse than it actually is.
– સંપાદક