આણંદ : તારાપુરના ગુડેલ ગામે રહેતા વ્યક્તિએ ગોકળપુરા તાબેના મોતીપુરા ગામે રહેતા બે ભરવાડ શખસને જેસીબી ભાડે આપ્યું હતું. આ ભાડુ માંગતા બન્ને શખસ ઉશ્કેરાઇ ગયાં હતા અને ભાડાના પૈસા કે જેસીબી મશીન મળવાના નથી તેમ કહી જીવલેણ હુમલો કર્યો હતો. ગુંડેલ ગામે ભરવાડની ઝોકમાં રહેતા અજય રાઘુભાઈ ભરવાડે દોઢેક વર્ષ પહેલા બે જેસીબી મશીન ખરીદ્યાં હતાં અને બન્ને જીસીબી મશીન આઠેક માસ અગાઉ ખંભાતના ગોકળપુરા તાબે મોતીપુરામાં રહેતા મુકેશ વલુ ભરવાડને ભાડે આપ્યાં હતાં. આ જેસીબીનું ભાડુ માસીક રૂ.60 હજાર નક્કી કર્યું હતું. જોકે, પ્રથમ માસ સુધી મુકેશે નિયમિત હપ્તા ભર્યાં હતાં. પરંતુ બાદમાં ભાડુ આપવાનું બંધ કરી દીધું હતું. અવાર નવાર ઉઘરાણી કરવા છતાં ભાડું આપતો નહતો.
દરમિયાનમાં 29મી જૂનના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે તારાપુર ચોકડી ખાતે અજયભાઈ હતા તે સમયે મુકેશ વલુ ભરવાડને ફોન કરતાં તેણે સાંઠ ચોકડી ખાતે અજયને બોલાવ્યો હતો. જ્યાં તારા ભાડાના પૈસા ચુકવી દેવા કહ્યું હતું. આથી, અજય સાંઠ ચોકડી પર ગયો તે સમયે મુકેશ હાજર ન હતો. બાદમાં ફરી ફોન કરી તારા મશીનો મારા ઘરે પડ્યા છે, તે આવીને લઇ જા. તેમ કહેતા અજય તેના ઘરે ગયો હતો. પરંતુ મુકેશ કે મશીન નહતાં. આથી, ગોળ ગોળ ફેરવતા હોવાનું લાગતાં અજય તારાપુર મોટી ચોકડીએ જવા નિકળ્યાં હતાં.
દરમિયાન તારાપુર – ખંભાત રોડ નહેરના ગરનાળા નજીક પહોંચતા મુકેશ વલુ ભરવાડ અને ગગજી ભરવાડ (રહે.સાંઠ) લાકડી લઇ ઉભા હતાં. આથી, અજયે ભાડાના પૈસા અથવા મશીન પરત માંગતા બન્ને ઉશ્કેરાઇ ગયાં હતાં અને અપશબ્દ બોલી મશીન પણ નહી મળે અને ભાડાના પૈસા પણ નહીં મળે તેમ કહી લાકડીના ફટકા મારવા લાગ્યાં હતાં. અચાનક થયેલા આ હુમલામાં અજય લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઇ પડ્યો હતો. બાદમાં ગડદાપાટુનો મારમારી ફરી પૈસા માંગીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તારાપુર પોલીસે મુકેશ વલુ ભરવાડ અને ગગજી ભરવાડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.