બારડોલી : બારડોલીનાં (Bardoli) સુરાલી ગામે કમળાની દવા આપતા આધેડની ઘરની પાછળ ખેતરમાંથી ગળે ટૂંપો આપેલી હાલતમાં લાશ (Deadbody) મળી આવી હતી. આધેડ કમળાની દવા બનાવવા માટે જડીબુટ્ટી શોધવા માટે ગયા હતા. મોડે સુધી ઘરે પરત ન ફરતા શોધખોળ દરમ્યાન તેમની લાશ મળી આવી હતી. મૃતકની પત્નીએ ઘરજમાઈ તરીકે રહેતા તેમના જમાઈ પર જ શંકા વ્યક્ત કરતાં પોલીસે (Police) શકમંદ તરીકે જમાઈની પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે.
બારડોલીનાં સુરાલી ગામે બાવળી ફળિયામાં રહેતા સુમનભાઇ છનાભાઈ ચૌધરી (ઉ.વર્ષ 50) પત્ની રાધાબેન, મોટી દીકરી નીલમબેન તેમજ જમાઈ અતુલ કૌશિક ચૌધરી સાથે રહેતા હતા. તેઓ પશુપાલનની સાથે સાથે કમળાના રોગની દેશી દવા આપવાનું કામ કરતાં હતા. જમાઈ અતુલ વારંવાર ઝઘડા કરતો હોય દીકરી જમાઈ એક જ ઘરમાં અલગ રહેતા હતા. સોમવારે સાંજે સુમન ઢોર ચરાવીને ઘરે આવ્યા હતા. તે સમયે કમળાની દવા લેવા માટે બાલ્દાથી ત્રણેક વ્યક્તિ આવતા સુમન સવા પાંચ વાગ્યે દવા માટે જરૂરી ઝાડમૂળી લેવા માટે ઘરની પાછળ આવેલ ખેતરે ગયા હતા.
એક કલાક બાદ પણ સુમન દવા લઈને નહીં આવતા પત્ની રાધાએ વાડા શોધખોળ કરી હતી. બૂમ પાડવા છતાં મળી આવ્યા ન હતા. બાદમાં ફળિયાના લોકોને જાણ કરતાં પાછળ આવેલા ખેતરોમાં શોધખોળ હાથ ધરી હતી. જમાઈ અતુલ પણ તેમની સાથે શોધખોળમાં જોડાયો હતો. લગભગ સાડાસાત વાગ્યાની આસપાસ કલ્પેશભાઈ રમણભાઈ ચૌધરીના ડાંગરના ખેતરમાંથી સુમનની કપડાંની પટ્ટી ગળે ટૂંપો આપેલી હાલતમાં લાશ મળી આવી હતી. પત્ની રાધાએ તેના જમાઈ અતુલ પર શંકા વ્યક્ત કરી હતી.
જમાઈ અતુલ કાયમ ઝઘડો કરતો હતો
જમાઈ અતુલ કાયમ તેમની સાથે ઝઘડો કરતો હોય અને સોમવારે પણ લાઇટબિલ ભરવા બાબતે ઝઘડો કરી બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ શંકાને આધારે પોલીસે જમાઈ અતુલની પૂછપરછ શરૂ કરી હતી. પરંતુ હજી સુધી અતુલે જ હત્યા કરી છે એવા કોઈ ઠોસ પુરાવા પોલીસને હાથ લાગ્યા નથી. હાલ પોલીસ અન્ય પાસાઓને લઈને પણ તપાસ કરી રહી છે.