SURAT

પ્લેન ક્રેશના ભોગ બનેલા યુવકનો મૃતદેહ સુરત લવાયો, વરસતા વરસાદમાં સ્વજનોએ રડતી આંખે વિદાય આપી

ગઈ તા. 12 જૂનની બપોરે અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઈંગ પ્લેન એરપોર્ટથી ટેક્ઓફ થતાની સાથે જ ગણતરીની મિનિટોમાં મેઘાણીનગર ખાતે આવેલા બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલની મેસ પર તૂટી પડ્યું હતું. આ મોટી દુર્ઘટનામાં પ્લેનમાં બેઠેલાં મુસાફરો, બીજે મેડિકલ કોલેજના ડોક્ટરો, સ્ટુડન્ટ સહિત 270 લોકોના કમભાગી મોત નિપજ્યા હતા.

દુર્ઘટના બની તે દિવસથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતકોની ડેડબોડીને તેમના સ્વજનો સાથે ડીએનએ સેમ્પલ સાથે મેચ કરી સોંપવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ગઈકાલે બુધવારે રાતે સુરતના વધુ એક કમનસીબ યુવકની ડેડબોડી સુરત મોકલવામાં આવી હતી. અંકિત ચોવડીયા નામના આ યુવકની ડેડબોડી રાતે સુરત આવી હતી, સવારે સ્વજનોએ વરસતા વરસાદમાં રડતી આંખે વ્હાલા અંકિતના પાર્થિવ શરીરને વિદાય આપી હતી.

અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી ભયાનક પ્લેન દુર્ઘટનામાં સુરતના યુવાન અંકિત ચોડવડિયાનું અવસાન થયું હતું. લંડન અભ્યાસ માટે રવાના થયેલો અંકિત દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. મૃતદેહની ઓળખ બાદ અંકિતનો પાર્થિવ દેહ સુરત લાવવામાં આવ્યો હતો. જ્યારે અંકિતનો દેહ ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના સભ્યો અને આસપાસના લોકો હિબકે ચડયા હતા.

સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. અંકિત થોડા દિવસ પહેલા જ વેકેશન દરમિયાન લંડનથી સુરતમાં પરિવારને મળવા આવ્યો હતો. પરિવાર સાથે વિતાવેલા ક્ષણો હવે યાદોની ભેટ બની ગઈ છે. અંતિમ વિધી વરસાદી માહોલ વચ્ચે સંપૂર્ણ શોકભેર યોજાઈ હતી. અંકિતને અંતિમ વિદાય આપવા માટે પરિવારજનો, સગાસંબંધી અને મિત્રવૃત્ત મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર શહેરમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. 

Most Popular

To Top