ટાંગલિયા કળા (પાટણના પટોળાની કળાની જેમ) ફક્ત દીકરાને જ શીખવાય તેવી પિતૃપ્રધાન સમાજની સંકુચિત માનસિકતાથી ઉપર ઊઠીને ટાંગલિયા કારીગર બાબુભાઈ રાઠોડે આ 700 વર્ષ જૂની કળા પોતાની દીકરીને શીખવાડી છે. કારણ એટલું જ છે કે આ કળા હવે ધીરે ધીરે મૃત:પ્રાય બની રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની ડાંગસિયા કોમ આ કળામાં મહારથ ધરાવે છે. ટાંગલિયા એ એક હાથવણાટથી બનેલું કાપડ છે. તેનો પરંપરાગત ઉપયોગ ભરવાડ કોમની મહિલાઓ માટે શાલ કે પછી ઘાઘરા બનાવવામાં થાય છે. આજે કોટન અને સિલ્ક કાપડમાંથી તે બનાવવામાં આવે છે. પરંપરાગત વણાટની કળા જેવી કે પટોળા કે ટાંગલિયા ક્યારેય પરિવારની દીકરીઓને શીખવવામાં આવતી નથી.
2009માં તેને જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI)નો ટેગ મળતાં તેને પ્રચલિત બનાવવાની અને પુનર્જીવિત કરવાના પ્રયત્નો ચાલુ છે. 2005માં ફક્ત ત્રણ પરિવાર ટાંગલિયા બનાવતાં હતાં. હવે આ સંખ્યા વધીને 100 થઈ છે. ‘સાથ’ NGOએ આ કળાને પુનર્જીવિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ કળાએ આંતરરાષ્ટ્રીય ખરીદદારોનું પણ ધ્યાન ખેંચ્યું છે. ટાંગલિયા સિલ્ક સાડીની કિંમત રૂ. 12,000થી શરૂ થાય છે જ્યારે કોટન સાડીની કિંમત રૂ. 7500થી શરૂ થાય છે. જાપાની લોકોએ પણ આ કળા શીખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ શીખી નહોતા શક્યાં. જીઆઈ ટેગ મેળવી, પુરાતન ભાતીગળ કલાને પ્રચલિત કરવા અનેરો પ્રયાસ કરેલ છે.
સુરત – રમીલાબહેન પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
