મહાલક્ષ્મી જ્વેલર્સમાંથી ત્રણ લાખથી વધુના દાગીના લૂંટાયા, CCTV આધારે તપાસ તેજ
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં દિનદહાડે લૂંટની ઘટના સામે આવતા જવેલર્વેસ વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે. ડિંડોલી વિસ્તારના કરાડવા રોડ પર આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનમાં અજાણ્યા લૂંટારૂ દ્વારા લાખો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ત્રણ લાખથી વધુ રૂપિયાના સોનાના જ્વેલર્સ લૂંટી લેવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી છે. પોલીસ ની પૂછ પરચ માં દુકાનદારે જણાવ્યું હતું કે લુટારૂ ગ્રાહક બની દુકાનમાં પ્રવેશ્યો હતો અને મોકો મળતા જ દાગીના લઈને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના દુકાનમાં લગાવાયેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
હાલ પોલીસે CCTV ફૂટેજ કબ્જે લઈને આરોપીની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે. આસપાસના વેપારીઓ અને સ્થાનિકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને લઈને વેપારી વર્ગમાં રોષ સાથે ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
સુરત ના ડિંડોલી વિસ્તારમાં સતત વધતી ગુનાખોરીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે અજાણ્યા લૂંટારૂ સામે ગુનો નોંધી ઝડપી તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ થશે એવી ખાતરી વ્યક્ત કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ છે.