Business

દયાશંકર પાંડે છે મોટી ભૂમિકાની તલાશમાં

દરેક માટે સફળતાના જુદા જુદા ખયાલ હોય છે, જે પોતાની શાહરૂખ કે સલમાન માનીને ચાલે ને નાની ભૂમિકાઓ મળવા લાગે તો તેને એવું થાય કે મને સફળતા નથી મળી પણ બધાએ સ્ટાર બનવાના સપના જોવાના હોતા નથી. અભિનયમાં નીપુણ હોય તો પણ તમારા ચહેરા, તમારી બોડી, તમારા મેનરીઝમને કારણે ચરિત્રભૂમિકા પૂરતાં જ મર્યાદિત રહી જાવ. આ વાતનો અફસોસ કર્યા વિના મનોજ વાજપેયી, પંકજ ત્રપાઠીની જેમ પ્રયત્ન કરી શકો. દયાશંકર પાંડેને લોકો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ઇન્સ્પેકટર ચાલુ પાંડે તરીકે વધારે ઓળખે છે પણ તમે તેને ‘લગાન’, ‘ગંગાજલ’, ‘સ્વદેશ’, ‘રાજનીતિ’ માટે યાદ કરશો તો થશે તે તેની રેન્જ મોટી છે. શરૂમાં તેને આમીરખાને ‘ગુલામ’ માં સારી ભૂમિકા અપાવેલી. દયાશંકરની પહેલી ફિલ્મ ‘પહેલા નશા’ છે જે પણ આમીર સાથેની જ છે. પછી ‘બાજી’, ‘ગુલામ’, ‘લગાન’માં પણ આમીરે તેને ભૂમિકા અપાવેલી. બધામાં તે જૂદો છે. ‘લગાન’નો ગોલી ‘ગંગાજલ’માં સબ ઇન્સ્પેકટર માંગીરામ હતો અને ‘મકબૂલ’માં માસ્તરજી, ‘સ્વદેશ’માં મેલા રામ હતા. તેને સારા વિષયોવાળી ફિલ્મો મળી જાય છે ને તેમાં બહુ મોટી ભૂમિકા ન હોય તો પણ તેને મંજૂર છે.  આ કારણે જ સારા દિગ્દર્શકો તેની પર નજર રાખે છે. દયાશંકરે ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે એટલે ગુજરાતી સારું બોલે છે. તમને ‘રેવા’નો ગંડુ ફકીર યાદ જ હશે. જોકે તે તો નેપાળી ફિલ્મ ‘કડકે કમાલકે’ માં પણ કામ કરી ચુકયો છે.

દયાશંકર જેવા અભિનેતા માત્ર ફિલ્મો પર નભી ન શકે અને લાંબી ભૂમિકા માટે ટી.વી. સિરીયલ કે વેબ સિરીઝ જ પસંદ કરવી પડે. તે ૧૮ જેટલી ટી.વી. સિરીયલોમાં કામ કરી ચુકયો છે અને અત્યારે પણ ‘સબ સતરંગી’ માં શ્યામલાલ મૌર્ય તરીકે કામ કરે છે. તે કયારેય રિયાલિટી શોનો હોસ્ટ નથી બનતો કે સ્પર્ધક નથી બનતો. તેનું લક્ષય અભિનય જ છે. એટલે તે ‘રંગબાજ’, ‘રકતચાલ’ જેવી વેબસિરીઝ કરી ચુકયો છે અને અત્યારે સાઉથની ‘પુથુમ પૂધુ કાલલ વિદ્યાધા’ માં કામ કરે છે. તે સોનાક્ષી સિંહા અભિનીત ‘બુલબુલ તરંગ’માં અને ‘લેટ્‌સ ફ્લાય વિથ માય પેપર રોકેટ’ નામની ફિલ્મમાં ય દેખાશે. આ બીજી ફિલ્મનો વિષય તો ચાઇલ્ડ ટ્રાફિકીંગ અને પ્રોસ્ટિટયુશન છે. તેમાં તે સરતાજ અન્સારી તરીકે દેખાશે. અને ‘હનક’ નામની ફિલ્મમાં તે લલ્લન તરીકે આવી રહ્યો છે ખરેખરા બનાવ આધારીત છે. દયા શંકર પાંડે ફિલ્મોમાં મોટી ભૂમિકાની શોધમાં છે. તે ઇચ્છે છે કે તેના માટે મજબૂત પાત્ર લખવામાં આવે અને તે પોતાની પ્રતિભા દેખાડી આપે. સારા વિષય, સારા દિગ્દર્શક, જાણીતા સ્ટાર્સ સાથે ફિલ્મ મળે તેટલું પૂરતું નથી. દયાશંકરે હજુ ઘણુ વધારે કામ કરવું છે.

Most Popular

To Top