કહ્યું છે ને કે, દયા ધર્મનું મૂળ છે. દુનિયાના બધા ધર્મોએ દયા અને કરુણાને પ્રાથમિક મહત્વ આપ્યું છે. દયા અને કરુણા માનવધર્મનો પાયો છે. બીજાના દુ:ખે મદદરૂપ થાય, એનું નામ માનવતા. દુનિયામાં રાજા અને રંક બંને હોય જ પણ રંકને સક્ષમ વ્યક્તિ મદદરૂપ થાય તો જ સામાજિક બંધારણ ટકી રહે. રંક અને દુ:ખી માણસ પ્રત્યે દયા, મદદ અને કરુણા દાખવવાથી જ પ્રભુ રાજી રહે છે. એવું જ પશુ-પંખી, જીવમાત્ર પર દયા અને કરુણા દાખવવી આપણા ધર્મોમાં કહ્યું છે. વર્ષો પહેલાં એક મહાન સંતપુરુષ થઈ ગયા, જેનું નામ સૌ જાણે જ છે. કબીરજી તેઓ વણકર હતા, તેમનું કામ કપડાં વણવાનું. કાપડ વણીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. તેઓ ઘણા ગરીબ હતા, પણ અંતર્જ્ઞાની હતા. એમણે રચેલા દોહા અને પંક્તિઓમાં ભારે આત્મજ્ઞાન સમાયેલું છે.
ગરીબ હોવા છતાં દુ:ખી પર દયા દાખવવાનો એમનો મોટો ગુણ. એક વખતની ઘટના છે. કબીરના ઘરમાં અનાજ ખૂટ્યું. ખાવાનું બનાવવા કંઈ ન હતું. એમણે કાપડ વણી રાખેલું. વિચાર્યું, એ કાપડ બજારમાં વેચી આવી અનાજ-કરિયાણું લઈ આવશે. એ લઈ આવે પછી જ ચૂલો સળગે તેમ હતો. કબીરજી કાપડ લઈ બજારમાં વેચવા નીકળ્યા. એ જતા હતા, ત્યાં રસ્તામાં એક અપંગ ભિખારી ઠંડીમાં થરથરતો જોયો. તેની પાસે કંઈ ઓઢવાનું ન હતું.
કબીરે તે જોયું અને કરુણા ઊપજી. એમણે વિચાર્યું કે, મને અનાજની જરૂર કરતાં વધુ જરૂર આને કપડાની છે. કબીરે એ કાપડ પેલા ભિખારીને આપી દીધું. ઠંડીમાં ધ્રજતો ભીક્ષુક કાપડ મળવાથી ખૂશ થયો. અને કબીરને આશીર્વાદ આપવા લાગ્યો. કબીરજી ત્યાંથી ખાલી હાથ ઘરે પાછા ફરવા લાગ્યા. અનાજ ન મળવાના દુ:ખ સામે ગરીબને મદદ કરવાનો આનંદ ઘણો હતો. ઘેર આવ્યા, તો તેમની માતા રસોઈ કરી રહ્યાં હતા. કબીરજીએ પૂછ્યું: આ અનાજ ક્યાંથી આવ્યું? માતાએ કહ્યું: ‘તમે જ તો મોકલાવ્યું છે, એક માણસ આવીને આપી ગયો.’ કબીરજીએ સાચી ઘટના માતાને જણાવી મા એ કહ્યું: ‘ભાઈ દુ:ખી ઉપર દયા કરનારને પ્રભુ જ મદદ કરે છે. આનું નામ જ ચમત્કાર છે’ પરોપકારવૃત્તિ અને દયા જીવનનાં આભૂષણ છે.