અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ૨૬ નવેમ્બર ૨૦૦૮ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવશે. તહવ્વુર રાણાને ૨૦૧૩ માં તેના સાગરીત ડેવિડ કોલમેન હેડલી સાથે મુંબઈ હુમલાઓનું કાવતરું ઘડવા બદલ અમેરિકામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. અમેરિકન કોર્ટે તેને ૧૪ વર્ષની જેલની સજા ફટકારી હતી. પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક તહવ્વુર રાણા હાલમાં અમેરિકાની જેલમાં છે. આ ઉગ્રવાદીઓ પાકિસ્તાનની ધરતી પર સક્રિય ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.
આ હુમલામાં અજમલ કસાબ બચી ગયો હતો અને નવેમ્બર ૨૦૧૨ માં તેને ફાંસી આપવામાં આવી હતી. અમેરિકન નાગરિક ડેવિડ કોલમેન હેડલી સામે ભારતીય એજન્સીઓ દ્વારા ચાલી રહેલી તપાસમાં તહવ્વુર હુસૈન રાણાનું નામ વારંવાર સામે આવી રહ્યું હતું. હકીકતમાં અજમલ કસાબના હેન્ડલર હેડલી અને રાણા હતા. શિકાગોમાં કડક સુરક્ષા વચ્ચે ચાર અઠવાડિયાં સુધી ચાલેલા ટ્રાયલ દરમિયાન રાણા વિશે ઘણી માહિતી પ્રકાશમાં આવી હતી. આ કેસમાં સૌથી મહત્ત્વની વાત એ હતી કે હેડલી તહવ્વુર રાણા સામે સરકારી સાક્ષી બન્યો હતો. ડેવિડ કોલમેન હેડલી ડબલ એજન્ટ હોવાને કારણે અમેરિકા તેનો કબજો ભારતને સોંપવા તૈયાર નથી.
તહવ્વુર હુસૈન રાણાનો જન્મ અને ઉછેર પાકિસ્તાનમાં થયો હતો. તબીબી ડિગ્રી મેળવ્યા પછી તે પાકિસ્તાન આર્મીના મેડિકલ કોર્પ્સમાં જોડાયો હતો. રાણાની પત્ની પણ ડૉક્ટર હતી. પતિ-પત્ની બંને ૧૯૯૭માં કેનેડા ગયા અને ૨૦૦૧માં કેનેડિયન નાગરિક બન્યાં હતાં. ડેવિડ કોલમેન હેડલી સાથેની તેની જૂની મિત્રતા શિકાગોમાં ફરી શરૂ થઈ હતી. જ્યારે હેડલીએ મુંબઈ હુમલાની તૈયારી શરૂ કરી ત્યારે તે ૨૦૦૬ થી ૨૦૦૮ ની વચ્ચે ઘણી વખત મુંબઈ આવ્યો હતો. ભારતની વારંવાર મુલાકાતોને કારણે શંકા ટાળવા માટે હેડલીએ મુંબઈમાં રાણાની ટ્રાવેલ એજન્સીની શાખા ખોલી હતી. રાણા પાકિસ્તાની ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઈશારે આ બધું કરી રહ્યો હતો. મુંબઈ હુમલામાં છ અમેરિકન નાગરિકો પણ માર્યા ગયાં હતાં. ૨૦૦૯ માં ધરપકડનાં થોડાં વર્ષો પહેલાં રાણાએ અમેરિકાના શિકાગોમાં ઇમિગ્રેશન અને ટ્રાવેલ એજન્સી ખોલી હતી.
અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ ઓક્ટોબર ૨૦૦૯ માં શિકાગો એરપોર્ટ પર તહવ્વુર રાણા અને ડેવિડ હેડલીની ધરપકડ કરી હતી. એફબીઆઈનો દાવો છે કે તે બંને ડેનમાર્કમાં આતંકવાદી હુમલો કરવાના હતા. તેમની યોજના જિલેન્ડ્સ-પોસ્ટેન અખબારના કાર્યાલય પર હુમલો કરવાની હતી. આ અખબારે પયગંબર મુહમ્મદનાં કાર્ટૂન પ્રકાશિત કર્યાં હતાં. આ ધરપકડ બાદ મુંબઈ હુમલામાં બંનેની સંડોવણીની પણ પુષ્ટિ થઈ હતી. તહવ્વુર રાણાને બે અલગ અલગ કાવતરાંમાં સામેલ થવા બદલ ૧૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
ઓક્ટોબર ૨૦૦૯ માં ધરપકડ પછીના પોતાના નિવેદનમાં તહવ્વુર રાણાએ સ્વીકાર્યું કે હેડલીએ પણ પાકિસ્તાનમાં લશ્કર-એ-તોઇબાની તાલીમ શિબિરોમાં હાજરી આપી હતી. શિકાગોમાં ટ્રાયલ દરમિયાન અમેરિકન એટર્ની જનરલે કહ્યું હતું કે ૨૦૦૬ ના ઉનાળાની શરૂઆતમાં હેડલી અને લશ્કરના બે સભ્યોએ તેમની પ્રવૃત્તિઓ માટે કવર તરીકે મુંબઈમાં ઇમિગ્રેશન ઓફિસ ખોલવાની ચર્ચા કરી હતી. હેડલીએ જુબાની આપી છે કે તે શિકાગો ગયો હતો અને ભારતમાં સંભવિત લક્ષ્યો શોધવા અંગે તેના શાળાના મિત્ર રાણા સાથે સલાહ લીધી હતી.
હેડલીએ રાણા સાથે મુંબઈમાં ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રેશન સર્વિસીસનું કાર્યાલય ખોલવા વિશે વાત કરી હતી જેથી તેઓ તે કાર્યાલયનો ઉપયોગ પોતાની પ્રવૃત્તિઓ માટે કવર તરીકે કરી શકે. હેડલીએ કહ્યું હતું કે જુલાઈ ૨૦૦૬ માં હું રાણાને મળવા શિકાગો ગયો હતો અને તેને લશ્કરે મને સોંપેલા મુંબઈ હુમલાના મિશન વિશે જણાવ્યું હતું. રાણાએ મુંબઈમાં ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રેશન સર્વિસીસ સેન્ટર સ્થાપવાની મારી યોજનાને મંજૂરી આપી હતી અને મને પાંચ વર્ષના બિઝનેસ વિઝા મેળવવામાં મદદ કરી હતી. જો કે, ફેબ્રુઆરી ૨૦૧૬માં બોમ્બે સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં વિડિયો લિંક દ્વારા જુબાની આપતી વખતે હેડલીએ દાવો કર્યો હતો કે તેણે મુંબઈ હુમલાના થોડા મહિના પહેલાં રાણાને તેની પ્રવૃત્તિઓ વિશે જાણ કરી હતી. ભારત સરકારે ડેવિડ કોલમેન હેડલીના પ્રત્યાર્પણની પણ અરજી કરી હતી; પણ અમેરિકાની સરકાર દ્વારા તે સ્વીકારવામાં આવી નહોતી.
રાણાને સજા ફટકાર્યા પછી અમેરિકાના આસિસ્ટન્ટ એટર્ની જનરલ લિસા મોનાકોએ કહ્યું હતું કે હેડલી હુમલાની યોજના બનાવી રહ્યો હતો તે જાણીને તહવ્વુર રાણાએ અમેરિકામાં તેના બેઝથી તેને મદદ કરી હતી. રાણાના વકીલ ચાર્લી સ્વિફ્ટે તે સમયે કહ્યું હતું કે સરકારી સાક્ષી બનતાં પહેલાં હેડલી અને રાણા ખૂબ જ નજીકના મિત્રો હતા. રાણાના વકીલે હેડલી પર આરોપ લગાવતાં કહ્યું હતું કે તે એક ધૂર્ત અને કપટી વ્યક્તિ હતો, જેણે રાણા જેવા નિર્દોષ માણસને ફસાવ્યો હતો. એ વાત સાચી છે કે રાણા અને હેડલી બાળપણથી જ મિત્રો હતા અને બંનેએ પાંચ વર્ષ સુધી એક જ શાળામાં અભ્યાસ કર્યો હતો. સ્કૂલ છોડ્યા પછી બંનેની પહેલી મુલાકાત ૨૦૦૬ માં શિકાગોમાં થઈ હતી. હેડલીએ રાણા કરતાં લશ્કર માટે વધુ સક્રિય રીતે કામ કર્યું હતું.
મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના સંબંધમાં ૨૦૧૩માં એક અમેરિકન કોર્ટે ડેવિડ હેડલીને ૩૫ વર્ષની જેલની સજા ફટકારી હતી. ડેવિડ કોલમેન હેડલીનું મૂળ નામ દાઉદ સૈયદ ગિલાની છે, જે પાકિસ્તાની મૂળનો શિકાગો સ્થિત અમેરિકન ઉદ્યોગપતિ છે. હેડલીનો જન્મ વોશિંગ્ટન ડીસીમાં થયો હતો, જ્યાં તેના પિતા સૈયદ સલીમ ગિલાની વોઇસ ઓફ અમેરિકા માટે કામ કરતા હતા.
સૈયદ સલીમ ગિલાની અને તેમની પત્ની સિરિલ હેડલીનાં લગ્ન તૂટ્યાં પછી ગિલાની તેમના પુત્ર ડેવિડ અને પુત્રી સાથે પાકિસ્તાન પાછાં ફર્યાં હતાં. પાકિસ્તાનમાં ડેવિડ કોલમન હેડલીએ એક કેડેટ કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં બાળકોને સેનામાં ભરતી માટે તૈયાર કરવામાં આવે છે. ૧૯૭૭માં દાઉદની માતા પાકિસ્તાન આવી અને તેને પોતાની સાથે અમેરિકા લઈ ગઈ હતી. સિરિલ હેડલી ફિલાડેલ્ફિયામાં ખૈબર પાસ નામનો પબ ચલાવતી હતી. તેનું અવસાન વર્ષ ૨૦૦૮ માં થયું હતું. હેડલી ફિલાડેલ્ફિયામાં એક વિડિયો સ્ટોર પણ ચલાવતો હતો. ૧૯૮૮માં તેને પાકિસ્તાનથી હેરોઈનની દાણચોરી કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.
હેડલીની ધરપકડ પછી પાકિસ્તાનમાં ડ્રગ્સ તસ્કરો સાથેના તેના સંબંધો વિશે વધુ વિગતો બહાર આવી, પરંતુ તેને બે વર્ષથી ઓછી જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પછી તે અમેરિકાની જાસૂસી સંસ્થા માટે ગુપ્ત માહિતી એકત્રિત કરવા પાકિસ્તાન ગયો હતો. ૨૦૦૬ માં તેણે પોતાનું નામ દાઉદ સૈયદ ગિલાનીથી બદલીને ડેવિડ કોલમન હેડલી રાખ્યું હતું, જેથી તે અમેરિકા અને અન્ય દેશોની સરહદો સરળતાથી પાર કરી શકે. હેડલીએ તેના પરિવારને શિકાગોમાં સ્થાયી કર્યો હતો, જ્યાં તેણે તહવ્વુર હુસૈન રાણાની ઇમિગ્રેશન એજન્સી માટે કામ કરવાનો દાવો કર્યો હતો. રાણાએ હેડલી સાથે પાકિસ્તાનની કેડેટ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. અમેરિકન કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરતી વખતે ડેવિડ હેડલીએ મુંબઈ હુમલાની સંપૂર્ણ વિગતો આપી હતી. ત્યારે હેડલીએ જણાવ્યું કે તે વર્ષ ૨૦૦૫માં લશ્કર-એ-તૈયબાના ત્રણ સભ્યોના નિર્દેશ મુજબ ભારત ગયો હતો અને પોતાની યોજનાઓ માટે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું.
ડેવિડ હેડલીએ એમ પણ કહ્યું કે તેણે સપ્ટેમ્બર ૨૦૦૬, ફેબ્રુઆરી, સપ્ટેમ્બર, ૨૦૦૭ અને એપ્રિલ-જુલાઈ, ૨૦૦૮માં ભારતની પાંચ વખત મુલાકાતો કરી હતી. આ દરેક મુલાકાત દરમિયાન તેણે વિવિધ સ્થળોના વીડિયો પણ બનાવ્યા હતા. આ એ જ સ્થળો હતા જ્યાં ઉગ્રવાદી હુમલાઓ થયા હતા. તેમાં મુંબઈ હુમલાના વિસ્તારોનો પણ સમાવેશ થતો હતો. મુંબઈ હુમલાના કેસમાં હેડલીની અમેરિકામાં જ ધરપકડ કરવામાં આવી હતી. ડેવિડ હેડલીની કબૂલાત મુજબ તેણે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા ઉપરાંત અમેરિકન જાસૂસી સંસ્થા માટે પણ કામ કર્યું હતું. મુંબઈના આતંકવાદી હુમલામાં અમેરિકાની જાસૂસી સંસ્થાની સંભવિત સંડોવણી બહાર આવવાના ડરથી જ કદાચ ડેવિડ હેડલીની ભારતને સોંપણી કરવામાં આવતી નથી.