દીકરી તો પારકી થાપણ કહેવાય અને ગમે તેટલી વ્હાલી હોય એક દિવસ તો લગ્ન કરી વળાવવી જ પડે અને દીકરીને કેવું સાસરિયું મળશે? કેવો પતિ હશે? કેવા તેના ઘરવાળા હશે? દીકરી લગ્ન પછી સુખી થશે કે નહિ? આ બધી ચિંતા દરેક માતા પિતાને સતાવતી જ હોય. રાજ અને શ્વેતાએ લાડકી દીકરી ધરા માટે છોકરો શોધવાનું શરૂ કર્યું. ખૂબ લાડકી દીકરી અને તેના ભવિષ્યની ખૂબ જ ચિંતા એટલે રાજ અને શ્વેતા કોઈ ભૂલ કરવા માંગતા ન હતા.
સાત ગરણે ગાળીને છોકરો પસંદ કરવા માંગતા હતા. માતા-પિતા બંને પોતાની રીતે બધું ચકાસતા. ક્યાંક છોકરો દેખાવડો હોય તો ઓછું ભણેલો હોય. બહુ ભણેલો હોય તો દેખાવમાં ખાસ ન હોય. દેખાવ અને ભણતર બંને હોય તો પરિવારની શાખ બહુ સારી ન હતી. ક્યાંક પૈસાદાર હોય તો ઘરના સારા ન હતા. ક્યાંક ઘર સારું હોય તો પૈસા તેમની લાડકીના શોખ પૂરા કરી શકે તેટલા ન હતા. ઘણા ઘર જોયા પણ બધામાં કઈને કઈ ખામી દેખાતી. એવું નહોતું કે તેમને દીકરીના લગ્ન કરવા ન હતા, બસ તેઓ લાડકી ધરાના ભવિષ્ય માટે ચિંતિત હતા એટલુ જ. ઘણા વડીલોએ સમજાવ્યું કે થોડું ઘણું ચલાવી લેવાનું, પણ શું ચલાવી શકાય અને શું નહીં તે સમજાતું ન હતું.
રાજ અને શ્વેતા તેમના ફુઆ સાથે ધરાના લગ્ન વિશે અને ઘણા માંગા આવે છે, પણ ક્યાંય એકદમ સરસ ઘર મળતું નથી, વગેરે વાતો કરી રહ્યા હતા. શ્વેતાએ કહ્યું, ‘અમારી ધરા બહુ લાડકોડમાં ઉછરી છે એટલે તેને માટે મારે ઘર તો અમીર જ ગોતવું પડશે, પણ રાજ વચ્ચે બોલ્યો, ‘ઘર અમીર હોય પણ છોકરો બગડેલો હોય કે ઓછું ભણેલો હોય તે નહીં ચાલે. ફુઆ બધા કહે છે તમે બે જણ બહુ તપાસ કરો છો. થોડું ઘણું ચલાવી લેવાનું હવે તમે જ સમજાવો શું ચલાવી લેવાય.’
ફુઆ બોલ્યા, ‘સંસ્કાર જોવાના બાકી બધું ચલાવી લેવાય. રાજ અને શ્વેતાએ કહ્યું, ‘એટલે?’ ફુઆએ કહ્યું, ‘જે ઘરનું માગું આવે કે પછી તમને કોઈ છોકરો ગમે કે તેનું ઘર ગમે તો સૌથી પહેલાં તેના ઘરના વડીલોને જોઈ લેવા અને તક મળે તો મળી લેવું. જો ઘરના વડીલો ખુશ, તંદુરસ્ત હશે તો તે ઘરમાં સંસ્કારની અમીરી હશે જ અને બસ આ સંસ્કારની મૂડી હશે તો બીજું બધું આપોઆપ સારું જ મળશે અને ભવિષ્ય પણ સારું જ થશે.’ રાજ અને શ્વેતા જે ઘરના વડીલો સુખી સ્વસ્થ અને ખુશ હોય તેવું ઘર ગોતવા લાગ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
