દેલાડ: ઓલપાડના (Olpad) ભાંડુત ગામે 2 મહિના પહેલા પ્રેમ લગ્ન (Love Marriage) કરનાર જમાઈ (Son-in-Love) અને તેના પરિવાર પર સાસરિયાઓએ ઘરમાં ઘૂસી લાકડી અને કુહાડીથી હુમલો (Attack) કર્યો હતો. બચાવવા આવેલા પાડોશીઓને પણ માર માર્યો હતો તેમજ ઘરની બહાર મુકેલી કાર, બાઇક અને મોપેડમાં તોડફોડ કરી હતી. ઘટના અંગે ઓલપાડ પોલીસે (Police) પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- ભાંડુત ગામે પ્રેમ લગ્ન કરનાર યુવક સમાજની રીતરિવાજથી લગ્ન કરવા પરિવારજનો સાથે બેસી કંકોત્રી લખતો હતો, ત્યારે ઘરે ઘસી આવેલા સાસરિયાઓએ આતંક મચાવ્યો
- ‘તું ગામમાં દેખાયો તો જીવતો નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી’
- ઘર આંગણે મુકેલી કાર, મોપેડ, બાઈકની તોડફોડ કરી, બચાવવા આવેલા પડોશીઓને પણ લાકડાના ફટકા માર્યા, પાંચ શખ્સો સામે ગુનો દાખલ
ઓલપાડના ભાંડુત ગામના આહિરવાસમાં રહેતા ભાવિનકુમાર જયેશભાઈ પટેલ (ઉં વર્ષ ૨૫) ખેડૂત છે. ભાવિને બે મહિના પહેલા ગામના પ્રકાશભાઈની પુત્રી દિશા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેથી ફરી સમાજના રિતરિવાજ મુજબ ઓલપાડના ખુટાઈ માતાના મંદિરે લગ્ન કરવાના હોવાથી તારીખ ૯/૪/૨૦૨૨ના રોજ ઘરમાં બેસીને લગ્નની કંકોત્રી લખતા હતા. તે દરમિયાન આશરે સાડા આઠેક વાગ્યે દિશાના કાકા પરેશભાઈ, હિતેશભાઈ, વિરલભાઇ તથા લવાછા ગામે રહેતા સંજયભાઈ જીવણભાઈ પટેલ ભાવિનના ઘરે પહોંચી લાકડી તથા કુહાડીથી ભાવિન પર હુમલો કરી મારમારવા લાગ્યા હતા. ત્યારે પડોશમાં રહેતા અશોકભાઇ મૂળજીભાઈ પટેલ તેમના પત્ની ડિમ્પલબેન તથા ભાવિનનો મિત્ર હાર્દિક છોડાવવા માટે વચ્ચે પડતા તેમને પણ મારમાર્યો હતો.
‘તું ગામમાં દેખાયો તો જીવતો નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી ઘર આંગણામાં મુકેલી આઈ-૨૦ ફોરવીલ ગાડી જી.જે-૦૫-આરકે-૫૧૯૬, સ્પ્લેન્ડર, સુઝુકી એકસેસ ઉપર લાકડી તથા કુહાડીના ફટકા મારી નુકસાન કરી જતાં રહ્યા હતા. સંજયભાઈ પટેલે ઘરે આવી ગાળો બોલી ધમકી આપી જતો રહ્યો હતો. ઘટનામાં ભાવિન, માતા પુષ્પાબેન, પડોશી અશોકભાઈ તથાં તેમના પત્ની ડિમ્પલબેન, મિત્ર હાર્દિક ઈજા પહોંચતા ઓલપાડ સરકારી દવાખાનામાં સારવાર લીધી હતી. ભાવિને ભાંડુત ગામના પરેશભાઈ બાબુભાઈ પટેલ, હિતેશભાઈ બાબુભાઈ પટેલ, વિરલભાઇ પ્રકાશભાઈ પટેલ તથા લવાછા ગામે રહેતા સંજયભાઈ જીવણભાઈ પટેલ અને સંજયલાલ પટેલ વિરુદ્ધ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા ઓલપાડ પોલીસ ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.