એક સંયુકત પરિવાર સાસુ સસરા, ચાર ભાઈઓ, તેમની પત્ની અને બાળકો મળીને ૧૬ જણ સાથે એક જ છત નીચે રહે.બધા જૂદો જૂદો વ્યવસાય કરે અને ઘરની ચાર વહુઓ પણ ભણેલી. ઘરનું કામ સાથે મળી સમજીને સંભાળે અને પોતપોતાનું કામ પણ કરે અને કૈંક કામ કરીને પૈસા પણ કમાય અને બચત પણ કરે.બધાં સાથે મળી એકદમ ખુશ અને મજાથી રહે. ઘરના મોભી વડીલ સસરાજીનું અને સાસુમાનું બધાં માન જાળવે ને દરેક નિર્ણય સમજી વિચારી સાથે મળીને લે.કોઈ પણ વાતની કોઈ પણ જબરદસ્તી કરવામાં ન આવે.
એક દિવસ ઘરમાં સાસુમાનાં મોટાબહેન આવ્યાં.તેમની નાની બહેનના ઘરનું સુંદર વાતાવરણ જોયું.તેમણે જોયું કે રોજબરોજની રસોઈ હોય કે કોઈ મોટો નિર્ણય, બધાં સથે મળી બેસીને નક્કી કરતાં. તેમને હતું ચાર ચાર વહુઓ એ તો તો ઝઘડા રોજ થતા હશે પણ તેમને આવ્યાને અઠવાડિયું થવા આવ્યું, કોઈ મોટા અવાજે એકબીજા સાથે બોલતું ન હતું અને વાતાવરણમાં ખુશી અને આનંદ જ આનંદ હતો. એક દિવસ તેઓ પોતાની નાની બહેનને એકલા રૂમમાં લઇ જઈને સલાહ આપવા મંડ્યાં કે તેં વહુઓને બહુ માથે ચઢાવી છે.તેમને શું કામ બધું પૂછવાનું?
આપણે જે કહીએ તેમ જ તે લોકો કરે એવો દાબ હોવો જોઈએ.નાની બહેન હસી અને બોલી, ‘બહેન, ખરાબ ન લગાડશો પણ તમે બહુ દાબ રાખ્યો હતો તમારી બે વહુઓ પર.શું થયું બન્ને તમને છોડીને ચાલી ગઈ.બહેન, આ વહુઓ પણ દીકરી જ છે અને એક વ્યક્તિ પણ અને ભણેલી જાણકાર પણ તો પછી કોઈ પણ વાતમાં તેમનો મત જાણવો જરૂરી છે અને આ તેમનો હક્ક પણ છે.વહુઓ પોતાનું ઘર છોડી આ ઘરમાં આવી છે અને આ ઘરને પોતાનું માન્યું છે.આ ઘરનું બધું કામ એ લોકો કરે છે,ઘરમાં કંઈ પણ ફેરફાર થાય, બીમારી આવે, મહેમાન આવે, પ્રસંગ આવે સૌથી વધારે કામ અને ફેરફાર તેમના જીવનમાં આવે છે તો પછી શું કામ તેમને કંઈ નહિ પૂછવાનું? શું કામ તેમની સામે વાતો નહિ કરવાની?’
મોટી બહેને કહ્યું, ‘અરે, પણ વહુ તો પારકી જ ગણાય, તેની સામે બધી વાતો ન કરાય.એટલું તો સમજ.’ ચાર વહુઓની સાસુ, નાની બહેને જવાબ આપ્યો, ‘ના, હું નથી માનતી કે વહુઓ પારકી છે. એ લોકો છે તો જ આ ઘર-પરિવાર ચાલે છે. આ જીવન ચાલે છે અને તેઓ ખુશ છે ને ઘરમાં ઝઘડા થતા નથી એટલે જ ઘરમાં શાંતિ છે અને જ્યાં શાંતિ હોય ત્યાં ખુશી હોય જ.’ ચારે વહુઓ ભારથી આ વાત સાંભળતી હતી. અંદર આવી સાસુમાને ભેટી પડી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.