Columns

દીકરી જ તહેવાર છે

એક દંપતીના ઘરમાં વર્ષોની રાહ જોયા બાદ દીકરીનો જન્મ થયો.બધાંએ કહ્યું, ‘લગ્નનાં ૧૨ વર્ષ બાદ દીકરી આવી. દીકરો આવ્યો હોત તો સારું થાત.’ પણ સમાજ અને સગાં વ્હાલાંઓની વાતો સાંભળવાની જગ્યાએ દંપતી તો ભગવાને આપેલી વ્હાલના દરિયા સમી ભેટ સાથે એકદમ ખુશ હતું.દીકરીના આગમનને તેમણે લક્ષ્મીનું આગમન ગણી ધામધૂમથી વધાવ્યું.બરફી અને પેંડાં બંને વહેંચ્યાં.ધામધૂમથી બેન્ડ બાજા વગાડી ઘરે પધરામણી કરી અને તે દિવસે જ પિતાએ નક્કી કર્યું કે મારી દીકરીનો દરેક જન્મદિન, જે દિવસે અમે માતા પિતા બનવાની ખુશી મેળવી તે દિવસ હું ધામધૂમથી ઉજવીશ.’

માતા પિતાએ પ્રેમથી અને લાડથી દીકરીને ઉછેરવા માંડી …અગણિત જતન કરતાં…તેને એક મિનીટ રડવા ન દેતાં.કુટુંબીજનો મજાક કરતાં કે બહુ વર્ષો બાદ માતા પિતા બન્યાં છે એટલે ઘેલાં થઈ ગયાં છે… લોકો ઘણી વાતો કરતા પણ માતા પિતા તો પોતાની ધૂનમાં લાડકડી દીકરીને લાડ કરવામાં જ મગ્ન હતાં. દીકરીનો પહેલો જન્મદિન ધામધૂમથી ઉજવ્યો.દર વર્ષે તારીખ અને તિથિ પ્રમાણે જન્મદિનની ભવ્ય ઉજવણી જ કરતાં.દીકરી જે માંગે તે હાજર કરતાં.જે શીખવા માંગે તે શીખવા દેતાં.દીકરી મોટી થતી ગઈ.ઘણી હોંશિયાર હતી.મા બાપને પ્રેમ કરતી.ભણવામાં હોંશિયાર અને કરાટે ચેમ્પિયન પણ ,વળી કથ્થક પણ શીખતી.

પિતાના મનમાં એક જ વાત મારી દીકરીને જીવનમાં બધું જ આપું, લાડકોડ પ્રેમથી ઉછેરું બધી જ આઝાદી પણ આપું,કોઈ રોકટોક નહિ ,ખીજાવાની કે ના પાડવાની તો વાત જ નહિ.લોકો વાતો કરતાં અને કયારેક ટોણો.દીકરીની જાત છે આટલા લાડ પ્રેમથી બગડી જશે.પણ પિતાનું ધ્યાન તો પોતાની લાડકડીને કંઈ ઓછું ન આવે તે જોવામાં જ હતું.વર્ષો વિતતાં ગયાં.

દીકરીનો૨૦ મો જન્મદિન હતો. લાડકી દીકરી હોંશિયાર ડોક્ટર બનવાની તૈયારીમાં હતી અને તેના પપ્પા તો દસ દિવસ પહેલાંથી જન્મદિન ઉજવવાની તૈયારી કરી રહ્યા હતા.ઘરને સજાવી રહ્યા હતા.ચારે બાજુ લાઈટિંગ કરી ,દીકરીના રૂમને નવો સજાવ્યો.ડોક્ટરનું ભણતી દીકરીએ કહ્યું, ‘પપ્પા, આ શું? બર્થ ડે પાર્ટીની કંઈ આટલી બધી,જાણે કોઈ મોટો તહેવાર હોય તેવી તૈયારી હોય? મારી કેટલીક ફ્રેન્ડસનો તો બર્થ ડે તેમના પપ્પા ઉજવતા નથી. કેટલીકનો બર્થ ડે માત્ર એક કેક કટિંગ થઈને ઉજવાય છે અને તમે તો જાણે એક બર્થ ડે નહિ પણ જાણે મોટો તહેવાર!’ પપ્પા હસ્યા અને એટલું જ બોલ્યા, ‘ દીકરા મારા માટે તારો બર્થ ડે એક તહેવાર નહિ પણ મારી દીકરી તું જ એક તહેવાર છે.’ દીકરી પપ્પાને ભેટી પડી અને મમ્મીએ ભીની આંખે સ્મિતસહ દુઃખણા લીધા.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top