Dakshin Gujarat Main

લગ્નના દિવસે જ પિતા ગુજરી જતાં પુત્રીએ સાસરેથી પરત આવી અંતિમસંસ્કાર કર્યા, ભરૂચની હૃદયદ્રાવક ઘટના

ભરૂચ: વિધિની વક્રતા કેવી ક્રૂર હોય છે તેનો અનુભવ ભરૂચના પરિવારને થયો છે. દીકરીના લગ્નના દિવસે જ અહીં પિતાનું મૃત્યુ થયું હતું. ભારે હૈયે પરિવારજનોએ પિતાના મૃતદેહને કોલ્ડસ્ટોરેજમાં મુકી દીકરીના લગ્ન સાદાઈથી આટોપવા પડ્યા હતાં. એટલું જ નહીં પિતાના આશિર્વાદ વિના વિદાય લેનાર દીકરીએ સાસરે પગ મૂકી પગફેરો કરવા પિયર આવવાના બદલે સીધા જ સ્મશાનગૃહમાં પગ મૂકવો પડ્યો હતો. દુલ્હન બની પિતાના આશિર્વાદ સાથે વિદાય લેવાની ઇચ્છા ધરાવતી દીકરીએ પોતાના હાથે જ અગ્નિસંસ્કાર કરી રડતી આંખે પિતાને આ દુનિયામાંથી વિદાય આપી હતી.

ભરૂચમાં ડોક્ટર બનેલી દીકરીનાં લગ્નના શુભદિને જ બીમાર પિતાનું અકાળે મૃત્યુ થઇ ગયું હતું. પિતાની જ અંતિમ ઈચ્છા મુજબ દીકરીને લગ્ન કરી ભારે હૈયે વળાવી હતી. દીકરીએ બારડોલી સાસરે પહેલો પગ મૂકીને પરત આવીને અન્ય બે બહેન સાથે પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હોવાની કરુણ ઘટના રાજપૂત સમાજમાં બની હતી.

વાલિયાના મેરા ગામને અડીને આવેલા ગીઝરમ ગામના વતની અને અંકલેશ્વરના કોસમડીમાં આવેલી અંબે વેલી સોસાયટીમાં રહેતા જેસપોર હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય જશવંતસિંહ માંગરોલાની માત્ર ત્રણ દીકરીમાં કોમલ, રોશની અને ડો.શિવાની છે. તા.૧૪ ડિસેમ્બરે ડો.શિવાનીનાં શુભ લગ્ન બારડોલીમાં ડોક્ટર રાજપૂત યુવક સાથે નિર્ધાર્યાં હતાં. શુભ લગ્ન હોય ત્યારે પરિવારજનોમાં ઉમંગ અને હર્ષોલ્લાસ કઈંક અલગ હોય છે. છતાં શુભ લગ્નપ્રસંગે પિતા જસવંતસિંહની નાદુરસ્ત તબિયત હોવાથી દીકરી શિવાનીનાં લગ્નની વિદાય પહેલાં જ પિતાનું મોત થયું હતું. આથી જશવંતસિંહની લાશને લગ્ન પ્રસંગને કારણે અંકલેશ્વર ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી હતી. આ ઘટનાને પગલે લગ્ન પ્રસંગને ફૂલહારમાં ફેરવી દઈ કઠોર મને પિતા વગર વિદાય આપી હતી. અને સાસરે ગયા બાદ દીકરી પિતાને અગ્નિદાહ આપવા મેરા ગામે સ્મશાનભૂમિ પર આવી હતી. જ્યાં ત્રણેય દીકરીએ ભેગા મળી પિતાને અંતિમવિધિ માટે મુખાગ્નિ આપી હતી.

Most Popular

To Top