સુરત : વેડરોડ ખાતે બે દીકરીને માતા-પિતા ઘરે મુકીને સંબંધીને મળવા ગયા હતા. ત્યારે ઘરના બેડરૂમમાં મોટી 12 વર્ષીય દીકરીએ નાની બહેનની નજર સામે જ ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. મૃતક દીકરીએ આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોંધ પણ લખી હતી. જેમાં લખ્યુ હતુ કે, મમ્મી મને માફ કરી દેજે, મારાથી ભૂલમાં ફોન પાણીમાં પડી ગયો છે, તું મને માફ કરી દે જે. દીકરીએ ભરેલા અણધાર્યા પગલાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ , વેડરોડ ખાતે જય રણછોડ એપાર્ટમેન્ટમાં રહેતા કપિલ દુંધલ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરી પત્ની, 12 વર્ષીય ધોરણ-7 માં અભ્યાસ કરતી દીકરી જેનીષા, 7 વર્ષીય દીકરી શરૂ અને 2 વર્ષીય દીકરો કાનાનું ગુજરાન ચલાવે છે. કપિલ દુંધલની પત્ની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. કપિલ શનિ-રવિ રજાના દિવસે સુરત પરિવાર સાથે રહેવા આવે છે. દરમિયાન કાલે સાંજે કપિલ તેની પત્ની સાથે સંબંધીના ઘરે મળવા માટે ગયો હતો. તેમની સાથે બે વર્ષીય દીકરો કાના પણ હતો, અને બંને દીકરી જેનીષા અને શરૂ ઘરે એકલી હતી.
બહારથી ઘરને તાળું મારીને બંને દીકરીને ઘરે મુકીને તેઓ સંબંધીના ઘરે બેસવા ગયા હતા. દરમિયાન મોટી દીકરી જેનીષાએ ઘરના બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધી હતી. નાની દીકરી શરૂએ પડોશીને બોલાવતા ઘટનાની જાણ થઈ હતી. આ અંગે ચોકબજાર પોલીસને જાણ કરાતા પોલીસ પણ સ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
છેલ્લા કેટલાક સમયથી તરુણાવસ્થાના બાળકોમાં આત્મહત્યાનો રેશિયો જોવા મળી રહ્યો છે. ચોકબજારમાં માત્ર 12 વર્ષીય કિશોરીએ ફાંસો લગાવી લીધો છે અને સ્યુસાઈડ નોટ પણ લખી છે. આજના આધુનિક ટેક્નોલોજીના જમાનામાં બાળકો સ્માર્ટ તો બની રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયાના દુરુપયોગથી નાની ઉંમરમાં જ છોકરાઓ આત્મહત્યા સહિતના ગંભીર પગલાં ભરતા અચકાઈ રહ્યા નથી.
12 વર્ષીય દીકરી જેણે હજુ તો દુનિયા પણ નહીં જોઈ હોય તે પહેલા જ તેણીના દિમાગમાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો અને તેણીએ આત્મહત્યા જેવું પગલું ભરી લેતા દરેક વાલીએ પોતાના બાળકોની દરેક સ્થિતિ પર નજર રાખવાની ખૂબ જ જરૂર છે. તદુપરાંત વાલીએ પોતાના બાળકોને હૂંફ આપવા માટે તેમને પુરતો સમય આપવાની પણ ખુબ જરૂરી છે.
બાળકીએ સ્યુસાઇડ નોટમાં માતા પાસે માફી માંગી
માસુમ જેનીષાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, મમ્મી મને માફ કરી દેજે, મારાથી ભૂલમાં ફોન પાણીમાં પડી ગયો છે, તુ મને માફ કરી દેજે હુ ફાંસો ખાઉ છું, હુ મરી જઈશ, તો રોતી નહીં, તું મારા ભાઈ કાના અને નાની બહેન શરૂનો ખ્યાલ રાખજે.
માતા-પિતા બાળકોને ઘરમાં મૂકીને તાળું મારી પાડોશીને ચાવી આપીને જતાં હતાં
વધુમાં જાણવા મળ્યુ હતુ કે, મૃતક જેનીષાના માતા-પિતા બંને નોકરી કરતા હતા. પિતા શનિ-રવિ અને રજાના દિવસે ઘરે આવતા હતા. જ્યારે માતા પણ એસએમસીમાં નોકરી કરતી હતી. માતા-પિતા જ્યારે પણ બહાર જતા હતા. ત્યારે બાળકોને ઘરમાં મુકીને બહારથી તાળું મારી પાડોશીને ચાવી આપીને જતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
