Gujarat

બોર્ડ એક્ઝામનું શિડ્યૂલ જાહેર: ધો. 10 અને 12ની પરીક્ષા આ તારીખથી શરૂ થશે, જાણો કઈ પરીક્ષા ક્યારે લેવાશે?

ગાંધીનગર: કોરોના અને ઓમિક્રોનના કારણે સરકારે બોર્ડની પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત (Gujarat) સરકારે ધોરણ 10 અને 12બોર્ડની (Board) પરીક્ષાની (exam) તારીખ જાહેર કરી છે. 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10માં પ્રથમ વખત ગણિતની બે અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે. જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.

રાજ્યમાં કોરોના અને મહામારીની પરિસ્થિતિના કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, જેથી પરીક્ષા યોજાઈ નહોતી. ત્યારે બે વર્ષ બાદ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિ જોતા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ ખસેડવામાં આવશે. જેના કારણે હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે. જેના કારણે ઉનાળું વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા કહેવાયુ કે, ધોરણ-10-12 ના નિયમિત, રિપીટર અને ખાનગી ઉમેદવારોની જાહેર પરીક્ષા તેમજ ધોરણ 10 અને ધોરણ 12 સંસ્કૃત માધ્યમની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે.

અભ્યાસક્રમ પૂરો કરી શકાશે?
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિના કારણે શૈક્ષણિક વર્ષ-2021-22માં વિલંબ થયો હતો. સરકાર દ્વારા નિર્ણય મુજબ તા.15/07/2021થી ધોરણ-12 માં તેમજ તા.26/07/2021 થી ધોરણ-9 થી 11 માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિકકાર્ય શરૂ કરવામાં આવેલું હતું. જેથી અભ્યાસક્રમ પૂરો થઈ શકે તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે.

Most Popular

To Top