તમારા મોબાઇલ પર કોઇ અજાણયા નંબર પરથી કોલ આવે, તમારા નામથી સંબોધીને તમને તમારા બેંકની અને ખાતાની કેટલીક વિગતો જણાવીને તમને કહેવામાં આવે કે તમારું એકાઉન્ટ રિન્યુ કરવાનું છે કે પછી બીજું કોઇ બહાનુ કાઢીને તમારી પાસે કેટલીક વિગતો માગવામાં આવે, તમે તે આપો અને થોડીવારમાં તમારું બેંક ખાતું સફાચટ થઇ જાય તેવું બની શકે છે. ઘણા લોકો સાથે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. લોકો આમાં ગુંચવાઇ જાય છે અને તેનું કારણ એ છે કે તેમને જે અમુક વિગતો એ રીતે આપીને વધારાની વિગતો માગવામાં આવે છે કે તેઓ એમ જ સમજી બેસે છે કે બેંકમાંથી જ ફોન આવ્યો છે.
ગ્રાહકનું નામ, તેની બેંકનું નામ, ફોન નંબરો જેવી વિગતો આ છેતરપિંડીબાજો પાસે ક્યાંથી આવે છે, તેનું કારણ એ છે કે લોકોની આવી ઘણી બધી વિગતો હવે એક યા બીજા પ્રસંગે ઓનલાઇન વિવિધ એકમો દ્વારા એક યા બીજા કામસર મેળવવામાં આવે છે. ગોપનીયતાની વાતો ઘણી થાય છે પરંતુ લોકોનો આ ડેટા લીક થઇ જતો હોય છે અને છેવટે તેનો ઉપયોગ કરીને લોકો સાથે ઓનલાઇન છેતરપિંડીઓ કરવામાં આવતી હોય છે. કેટલીક વખત બેંકોના અમુક કર્મચારીઓ કે સપોર્ટ સ્ટાફ પણ ફૂટેલા હોય છે જેઓ ગ્રાહકોની સંવેદનશીલ માહિતી લીક કરી દેતા હોય છે.
હાલમાં એક ખળભળાટ મચાવનાર અને આશ્ચર્યજનક બનાવ બની ગયો. યુકો બેન્કના ૪૧૦૦૦થી વધુ ગ્રાહકોએ તેમના ખાતાઓમાં આશ્ચર્યજનક રીતે વિવિધ રકનો જમા થયેલી જોઇ હતી અને આ રીતે કુલ રૂ. ૮૨૦ કરોડ જમા થઇ ગયા હતા. નવેમ્બર ૧૦થી ૧૩ દરમ્યાન થયેલા વ્યવહારો વડે આ રકમ જમા થઇ હતી અને જે ખાતાઓમાંથી આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી તે ખાતાઓમાંથી કોઇ રકમ બાદ થઇ ન હતી.
આ સંદર્ભમાં સીબીઆઇએ એક કેસ નોંધ્યો છે. અન્ય બેન્કોના ૧૪૦૦૦ ખાતાઓમાંથી રકમો ટ્રાન્સફર કરાઇ, પણ તે ખાતાઓમાંથી કોઇ રકમ બાદ થઇ નહીં તે વળી એક નવા આશ્ચર્યની વાત છે. આ નાણા યુકો બેન્કના ગ્રાહકોના ખાતાઓમાં ૮.પ૩ લાખ ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ(આઇએમપીએસ) વ્યવહારો વડે જમા થયા હતા જે વ્યવહારો ત્રણ દિવસમાં ખાનગી બેંકોના ૧૪૦૦૦ ખાતાધારકોના ખાતાઓમાંથી થયા હતા અને આશ્ચર્યજનક રીતે આ ખાતાધારકોના ખાતાઓમાંથી કોઇ રકમ બાદ થઇ ન હતી.
કેસ નોંધ્યા બાદ આ કેસના સંદર્ભમાં સીબીઆઇએ કોલકાતા અને મેંગલોર સહિત અનેક શહેરોમાં ૧૩ સ્થળોએ શોધખોળની કામગીરી હાથ ધરી હતી. દેશભરમાં થયેલા આ વ્યવહારોને પગલે યુકો બેન્કે સીબીઆઇનો સંર્પક સાધ્યો હતો અને આ બેન્ક માટે કામ કરી રહેલ બે સપોર્ટ એન્જિનિયરો અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ આ શંકાસ્પદ આઇએમપીએસ વ્યવહારો અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં અંદાજે રૂ. ૮૨૦ કરોડના વ્યવહારો થયા હતા. યુકો બેન્કે નોંધાવેલી આ ફરિયાદ પછી સીબીઆઇએ તપાસ કામગીરી હાથ ધરી હતી.
પોતાના દરોડાઓ દરમ્યાન, સીબીઆઇએ ઇલેકટ્રોનિક પુરાવા જેમાં મોબાઇલ ફોન્સ, લેપટોપ્સનો સમાવેશ થતો હતો તે કબજે કર્યા હતા. કોમ્પ્યુટર સિસ્ટમો, ઇમેઇલ આર્કાઇવ્ઝની પણ તપાસ કરવામાં આવી હતી અને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડો પણ કબજે કરવામાં આવ્યા હતા. એવો પણ આક્ષેપ થયો છે કે યુકો બેન્કના ઘણા ખાતા ધારકોએ આ સ્થિતિનો લાભ ઉઠાવીને પોતાના ખાતાઓમાંથી વિવિધ બેન્કિંગ ચેનલો મારફતે નાણા ઉપાડી લીધા છે અને સ્થિતિનો ગેરકાયદે રીતે લાભ ઉઠાવ્યો છે. આ બાબત આપણી પ્રજાના એક મોટા વર્ગની માનસિકતા પણ દર્શાવે છે જેમને આ રીતે ખોટી રીતે જમા થઇ ગયેલા નાણા ઉપાડી લેવામાં સંકોચ થતો નથી.
ઉપરના કિસ્સામાં યુકો બેંકે પોતાના સપોર્ટ ઇજનેરો સામે ફરીયાદ નોંધાવી છે એટલે સ્વાભાવિક છે કે તેને આ લોકો પર શંકા હશે. સપોર્ટ સ્ટાફ કે જ્યાંથી આઉટ સોર્સિંગ વડે કામ કરાવાતું હોય ત્યાંના કર્મચારીઓ અમુક ડેટા લીક કરતા હોય તે આજે ઓનલાઇન વ્યવહારોના યુગમાં મોટી સમસ્યા છે. જ્યાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડ બનાવવા માટે આપવામાં આવતા હોય છે ત્યાંના એકમના કર્મચારીઓ કે અધિકારીઓ પણ કેટલીક વખત આવી પ્રવૃતિમાં સંડોવાતા હોય છે. આ સમસ્યા ઉકેલવા સરકાર, બેંકો, નાણાકીય સંસ્થાઓએ ભેગા મળીને કંઇક ઉપાય શોધવો જોઇએ.