વડોદરા: શહેરમાં દસ દિવસના દશામા પર્વની પૂર્ણાહૂતિ થતા બુધવારની મોડી રાત્રીથી દશામાની મૂર્તિઓનું શ્રદ્ધાળુઓ દ્વારા વાજતે ગાજતે શ્રદ્ધાભેર વિસર્જન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જે વહેલી પરોઢ સુધી ચાલ્યું હતું. વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાર સ્થળે મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હતી. એક એક કૃત્રિમ તળાવમાં બે અઢી હજાર નાની મૂર્તિઓનું વિસર્જન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તળાવોમાં પાણી ભરવાની કામગીરી સવારે કરી દેવાઈ હતી.
આ ઉપરાંત મૂર્તિઓ પરના ફૂલહાર અને પૂજાપો તળાવમાં પધરાવવાના બદલે બહાર કિનારા પર મૂકેલા નિર્માલ્યમ કળશમાં જ પધરાવવા સૂચના અપાઈ હતી. રાતથી દશામાની વિસર્જન યાત્રાઓ વાજતે ગાજતે વિવિધ વિસ્તારોમાંથી નીકળી હતી અને તળાવ ખાતે પહોંચી હતી. જ્યાં દશામાની આરતી કરી વિદાય અપાય હતી, અને મૂર્તિ વિસર્જન કર્યું હતું. સોમા તળાવ ખાતે બનાવેલા કૃત્રિમ તળાવમાં આશરે 2000 મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું .આ ઉપરાંત ગોરવા દશામા તળાવ ખાતે 350 મૂર્તિઓ, સમા હરણી રોડ પરના તળાવ ખાતે 500 મૂર્તિઓ અને હરણી ભીડભંજન સામે બનાવેલા તળાવમાં 2500 મળી ચારેય કૃત્રિમ તળાવમાં 5,350 મૂર્તિઓનું શ્રદ્ધા સાથે વિસર્જન કરાયું હતું.
તળાવ દુષિત ન બને તે માટે કળશ મુકાયાં
વડોદરા કોર્પોરેશન દ્વારા ચારેય કૃત્રિમ તળાવ ખાતે કળશ મુકવામાં આવ્યા હતા. જેમાં તળાવને બદલે કળશમાં ફૂલહાર અને પૂજાપાની સામગ્રી પધરાવવા સૂચના આપવામાં આવી હતી જેથી કરીને તળાવ અસ્વચ્છ ન બને. અહીં મૂકેલા કળશમાંથી આશરે ત્રણ ચાર ટન ફૂલહાર અને પૂજાપાની સામગ્રી એકત્રિત કરવામાં આવી છે. જેમાંથી સેન્દ્રીય ખાતર બનાવવામાં આવશે. તળાવો ખાતે બચાવ ટુકડીઓ અને તરવૈયાઓની ટીમ રાખવામાં આવી હતી.