ગાંધીનગર : શક્તિભક્તિ અને આસ્થાનું વૈશ્વિક કેન્દ્ર ગણાતું આદ્યશક્તિપીઠ અંબાજી ફરી એકવાર ભક્તિરસથી છલકાવા જઈ રહ્યું છે. ગબ્બર પર્વત પર સ્થિત વિશ્વવિખ્યાત શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ ખાતે આગામી તા. ૩૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ–૨૦૨૬’નું ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં લાખો માઈભક્તો એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠના દર્શનનો દુર્લભ અને અલૌકિક લ્હાવો મેળવશે.
શક્તિ આરાધનાનું હ્રદય ગણાતું અંબાજી શક્તિપીઠ કરોડો શ્રદ્ધાળુઓની અડગ આસ્થાનું પ્રતિક છે. માઈભક્તો માટે એક જ જન્મમાં, એક જ સ્થળે ભારત તથા વિદેશોમાં સ્થિત તમામ ૫૧ શક્તિપીઠોના દર્શન શક્ય બને તે હેતુથી ગબ્બર પર્વતની આસપાસ અંદાજે ૨.૫ કિમી લાંબા પરિક્રમા માર્ગ પર મૂળ શક્તિપીઠોની આબેહૂબ કલાકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ મહત્ત્વાકાંક્ષી અને ઐતિહાસિક પ્રોજેક્ટની કલ્પના આધ્યાત્મિક ઉન્નતિ સાથે ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને પ્રસારના ઉદ્દેશથી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ગબ્બર પર્વત પર ૫૧ શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંદાજે રૂ. ૬૨ કરોડના ખર્ચે ભવ્ય પરિક્રમા માર્ગ તથા શક્તિપીઠ મંદિરોનું નિર્માણ થયું હતું.
વર્ષ ૨૦૧૪માં તા. ૧૨, ૧૩ અને ૧૪ ફેબ્રુઆરી દરમિયાન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજી આ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ પીએમ નરેન્દ્ર મોદીના દ્વારા કરવામાં આવ્યું હતું. અંબાજી શક્તિપીઠનું અનોખું મહાત્મ્ય એ છે કે અહીં જગતજનની આદ્યશક્તિ અંબા માતાજીનું હ્રદય બિરાજમાન હોવાનું માનવામાં આવે છે. તેથી અંબાજીમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે આ પરિક્રમા માર્ગ માત્ર દર્શન પૂરતો નહીં પરંતુ આત્મિક ઉન્નતિ અને આધ્યાત્મિક અનુભવનું કેન્દ્ર બની રહ્યો છે.
ચાલુ વર્ષે યોજાનાર ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન માઈભક્તો પરિવાર સાથે ગબ્બર પરિક્રમા માર્ગ પર પગપાળા પરિક્રમા કરી શક્તિપીઠ મંદિરોમાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે. સામાન્ય રીતે જીવનમાં તમામ ૫૧ શક્તિપીઠોના દર્શન કરવું મુશ્કેલ હોય છે, પરંતુ અંબાજીમાં આ દિવ્ય પરિક્રમાના માધ્યમથી એક જ સ્થળે આ અદ્વિતીય અવસર સૌ કોઈને પ્રાપ્ત થઈ રહ્યો છે. ભક્તિ, આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ રચતો ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ–૨૦૨૬’ અંબાજીને ફરી એકવાર વૈશ્વિક આધ્યાત્મિક નકશા પર ઉજાગર કરશે.