Business

દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયાં પ્યાસી રે…….

રંગભક્ત અને દુખીયાઓની  તબીબી સેવા માટે આજે પણ ઇચ્છપોર ગામનો જ પાલવ પકડી રાખનાર ડૉ. પ્રવીણસિંહ ખરચિયાએ વોટ્સએપ પર વર્ષોજૂની ભુલાઈ ગયા જેવી જ પ્રાર્થના યાદ કરાવી મારી બાળપણની સ્મૃતિને ગત સપ્તાહે  ઝંઝોળી….. માબાપની સાથે સાથે આપણને સંસ્કાર શાળામાંથી પણ એટલા જ મળે પણ તે ક્યારેક પૂંજીની જેમ યાદ આવે. જે પૂંજીની ચાવી ડૉકટરસાહેબે મોકલેલી પ્રાર્થના સાથે પૂરબહારમાં  ખીલી.  પ્રાર્થના સદાબહાર  છે પણ સંજોગો અને માહોલને કારણે દાયકાઓ સુધી ભૂલભૂલમાં બહાર થઈ ગઈ. 

ખેર દેર આયે દુરસ્ત આયે. મૂલત: પાંચ દાયકા  પૂર્વે શાળા  નં.૧૦, માળવીની વાડી, સોનીફળિયાની ગુજરાતી શાળામાં સવારના સમયે  થતી પ્રાર્થના  એ સમયે પ્રાર્થના  જ હતી. પ્રભુને સાદ દેવાની એક શૈલી  હતી પણ આજના માહોલમાં  તે એકદમ પ્રસ્તુત થઈ ગઈ છે કારણ કે  કોરોનાએ જગતભરનાં ધર્મસ્થાનોને પણ તાળાં મરાવ્યાં છે. ત્યારની પ્રાર્થના એક શાળાક્રમ હતો પણ  આજે બુલંદ સાદ દેવાનો સમય છે. આજે એ પ્રાર્થના પણ એટલી જ પ્રસ્તુત  છે ત્યારે આગળ ચાલતા પૂર્વે  સૌ સાથે બેસી પ્રાર્થના કરીએ

  •      ‘દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયાં પ્યાસી રે..
  •        મન મંદિરમેં  જ્યોત જગાઓ , ઘટ ઘટ બાસી રે..
  •        મંદિર મંદિર મૂરત તેરી, ફિરભી ન દીખે સૂરત તેરી
  •        યુગ બીતેના આઈ  મિલનકી પૂરનમાસી રે…
  •        દર્શન દો…….
  •        દ્વાર દયાકા જબ તુ ખોલે, પંચમ સૂરમેં ગૂંગા બોલે
  •        અંધા  દેખે , લંગડા ચલકર  પહોંચે કાશી  રે…
  •        દર્શન  દો….
  •        પાની પીકર પ્યાસ  બુઝાઉં, નૈનકો  કૈસે સમજાઉં
  •        આંખમીંચોલી  અબ તો છોડો, મન કે બાસી રે…
  •         દર્શન દો ઘનશ્યામ…’

૧૯૪૯ની  ફિલ્મ ‘નરસિંહ ભગત’ ફિલ્મમાં હેમંતકુમાર, મન્નાડે, સુધા મલ્હોત્રા અને સંગીતકાર રવિજીના સંયોજનમાં તૈયાર થયેલા ભજનની શક્તિ, શબ્દ, સાદ અને હાર્દ જુઓ. અરે શ્રદ્ધાથી સાંભળો તો રડું આવી જાય કારણ કે  વર્તમાન માહોલમાં  આપણા ગમતાં મંદિરની અંદર બેઠેલાં દેવદેવી  રૂઠીને બેસી ગયાં છે ત્યારે  આ અને આવી પ્રાર્થના બળ અને ફળ આપી શકે.

આજે હું અનુભવને કારણે  ગંભીર છું પણ શાળાકાળનો અનુભવ પણ જાણવા જેવો છે. ત્યારે ૧૦ નંબરની એ શાળાના આચાર્ય બેલીમસાહેબ, એક શિક્ષક ખ્રિસ્તી તથા  બીજા અન્ય શિક્ષક. શનિવારની પ્રાર્થના સવારમાં વહેલી હોય. તે શરૂ થતાંની સાથે સૌએ આંખ બંધ કરવાની, જો એમ ન કરે તો બે સોટી પડે પણ ત્યારે પણ મને વિચાર આવતો કે કોણ આંખ ખુલ્લી રાખે છે એ કેવી રીતે ખબર પડે? મને એ જોવાની તાલાવેલી થતી અને ક્યારેક એક આંખ ખોલીને જોતો તો કમનસીબે એ જ સમયે પેલા ખ્રિસ્તી ટીચર પણ એક આંખ ખોલીને જોતાં જોવાય, હું તુરંત આંખ બંધ કરી લઉં એટલે બચી જતો પણ પેલા કડક શિક્ષક આંખ ખુલ્લી કરતાં પાંચ-છને પકડી પાડતા. એ જ પ્રાર્થના સમયનું બીજું દર્શન અમારા મુસ્લિમ આચાર્ય બેલીમસાહેબનું હતું જેઓ પૂરી અદબ સાથે નમાઝ પઢતા હોય એમ આ પ્રાર્થનામાં આંખ  બંધ કરી જોડાતા અને અમે બ્રાહ્મણના છોકરા એટલે ક્યારેક અમારા માથે હાથ ફેરવી લેતાં, ત્યારે  એ વ્હાલની ખબર નહીં પણ આજે વર્ષો પછી કહું એ સમયે એ મુસ્લિમ આચાર્ય અમારે માટે ઘનશ્યામ જેવા હતા.

   આ અને આ પ્રકારની વાત એટલે મૂકી રહ્યો છું કે અપવાદને બાદ કરતાં  કોઈ હવે આંતરનિરીક્ષણ જ નથી કરતું કે શું સારું અને શું નરસું? બસ ટોળાંનો જ પરિચય લઈને ચાલે. ખેર, આ આખા પ્રાર્થના  પ્રસંગની પરાકાષ્ઠા પણ હૃદયદ્રાવક છે અને પરાકાષ્ઠા એ છે કે જ્યાં એ પ્રાર્થના ગવાતી હતી તે શાળા નેસ્તનાબૂદ થઈ ગઈ પણ  પ્રાર્થના આજે પણ પ્રસ્તુત છે અને પ્રસ્તુત એટલે છે કે સામે અષાઢીબીજ અને જગન્નાથજીની યાત્રા જે કોરોનાને કારણે ગયા વર્ષે રદ થઈ હતી તે ફરી એક વાર ઉંબરે આવી છે ત્યારે આ પ્રાર્થના જ ભગવાનના રથને હંકારી શકે તેમ છે. જે માટે આપણે સૌએ એક સાથે ગાવું  રહ્યું….

  •    દર્શન દો ઘનશ્યામ નાથ
  •    મોરી અંખિયા પ્યાસી રે…….. (આંખ ખોલીને ગાવાની છૂટ છે કેમ કે પેલા ૧૦ નં. ની શાળાના  શિક્ષક તમને જોનાર નથી પણ યાદ રહે ભગવાન જોનારો ખરો પણ તે તમારો હૃદયભાવ જોશે)

Most Popular

To Top