નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં બોડાણા સ્ટેચ્યુથી લઈ ગાયત્રી મંદિર સુધીના માર્ગ પરની સ્ટ્રીટલાઈટો છેલ્લાં ઘણાં દિવસોથી બંધ હાલતમાં હોવાથી અંધારપટ છવાયો છે. જેને પગલે માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બસસ્ટેન્ડથી લઈ શ્રી રણછોડરાયજી મંદિર સુધીના મુખ્ય માર્ગ લગાવવામાં આવેલ સ્ટ્રીટલાઈટો પૈકી મોટા ભાગની સ્ટ્રીટલાઈટો છેલ્લાં દોઢ-બે વર્ષથી બંધ હાલતમાં છે. આ અંગે જાગૃત નાગરીકો દ્વારા અનેકોવાર તંત્રને રજુઆતો કરવામાં આવી છે. તેમજ અનેકોવાર અખબારોમાં સમાચાર પણ છપાયાં છે.
તેમ છતાં પાલિકાનું નઘરોળતંત્ર બંધ પડેલી સ્ટ્રીટલાઈટો રિપેર કરવાની કે બદલવાની તસ્દી લેતું નથી. જેને પગલે ડાકોરના રાજમાર્ગો પર અવરજવર કરતાં રાહદારી નગરજનો તેમજ યાત્રાળુઓ ભારે હાલાકી વેઠી રહ્યાં છે. જોકે, એટલું ઓછું હોય તેમ હવે, નગરમાં બોડાણા સ્ટેચ્યુથી ગાયત્રી મંદિર સુધીના માર્ગ પરની સ્ટ્રીટલાઈટો પણ છેલ્લાં કેટલાક દિવસોથી બંધ થઈ ગઈ છે. જેને પગલે આ માર્ગ પર પણ ઘોર અંધકાર છવાઈ ગયો છે. જેને પગલે આ રસ્તાની સાઈડની ખુલ્લી ગટરોમાં વાહનો ખાબકવાના બનાવો પણ બની રહ્યાં છે. જેથી હાલાકીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વહેલીતકે નગરમાં બંધ પડેલી સ્ટ્રીટલાઈટો પુન: ઝગમગતી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.