‘વૈષ્ણવજન તો તેને કહીએ…’ જે ભજન મહાત્મા ગાંધીજીનું પ્રિય હતું, એવા ભજનના રચિયતા આદિ કવિ નરસિંહ મહેતાના જીવન પર આધારિત સિરિયલ દરરોજ સાંજે સાડા સાત કલાકે કલર્સ ચેનલ ગુજરાતી પર પ્રસારિત થાય છે. તેનું નામ છે ‘શ્યામ ધૂન લાગી રે’. નરસિંહ મહેતાના પદો પ્રાથમિક શાળાથી માંડી કૉલેજકાળ દરમિયાન ભણવામાં આવેલા હોય છે. તેમના પદો, પ્રભાતિયાં અને ભજનોમાં તેમનું નામ આવતું હોય છે અને તેમાંથી તેમના જીવન વિશેની માહિતી મળતી હોય છે. આ સિરિયલમાં તેમના જીવનની ઊંડાણપૂર્વક માહિતી મળે છે. હનુમાનજી, જલારામ બાપા અને નરસિંહ મહેતા જેવા પ્રભુ ભક્તો એવા ભક્તો છે કે તેમના જીવન જ ભક્તના આદર્શ ઉદાહરણ છે.
આ સિરીયલ જોતાં મને સુદામા યાદ આવી જાય છે. કેટલાક વિવેચકો એમ કહે છે કે નરસિંહ મહેતાને ભગવાને મદદ નહી કરી હોય, પરંતુ કોઇ ધનાઢ્ય શેઠને લોકોનો ભગવાન પરથી વિશ્વાસ કે શ્રદ્ધા ઉઠી ન જાય તે માટે મદદ કરી હશે. તો પછી સુદામા વિશે શું? જે હોય તે પણ આ સિરીયલમાં ભગવદ ગીતાના ઉપદેશો આવી જાય છે. ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણતા તથા માનવધર્મ વિશેના વિચારોની પ્રેરણા કદાચ તેમને નરસિંહ મહેતાના જીવન પરથી મળી હોઇ શકે! આવી નિ:સ્વાર્થ જીવન જીવી ગયેલા વ્યક્તિની સિરીયલ બનાવનારને હરિ એ જ પ્રેરણા આપી હશે. ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે, બધું મારી પ્રેરણાથી થાય છે. ખરેખર શ્યામ ધૂન લાગી જાય તેવી સિરિયલ છે. આજે કવિઓ કમાવા માટે કે જીવનનિર્વાહ ચલાવવા લખે છે, નરસિંહ મહેતાએ કોઈ એવોર્ડ લેવા કે કમાણી કરવા નથી લખ્યું. કદાચ એટલે આટલા વર્ષો પછી પણ આપણને તેમના ભજનોમાં ભક્તિરસ છલકાતો જોવા મળે છે.
સુરત – પ્રવિણ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
