ઝઘડીયા: (Jhagadia) ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ (Bawa Gor Dargah) આવેલ છે. આ ધર્મસ્થાનની ભારતભરના પ્રસિદ્ધ ધર્મસ્થાનોમાં ગણના થાય છે. જ્યાં અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. કોરોના મહામારીને કારણે આ દરગાહને હંગામી ધોરણે બંધ રાખવામાં આવી છે. દરગાહ તા.૩૦મી એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં વૈશ્વિક કોરોના મહામારીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે ઘણા ધાર્મિક સ્થાનો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. ઝઘડીયા તાલુકાની હઝરત બાવાગોરની દરગાહ પણ તા.૧૨ એપ્રિલથી તા.૩૦ એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરગાહ વહિવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણની ચેનને આગળ વધતી અટકાવવાના પગલા રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છેકે સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ ભુત-પ્રેતના વળગાડ તથા મેલી વિદ્યાની અસરવાળી વ્યક્તિઓના ઈલાજ માટે આસ્થાનું પ્રતિક મનાય છે. કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયા પછી રાજય સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે, તેને લઇ દરગાહ તા.૩૦મી એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય મદદનીશ વહિવટદાર મહંમદભાઇ સીંધી દ્વારા લેવામાં આવ્યો હોવાનું જણાવાયુ છે.
ઐતિહાસિક પારનેરા ડુંગરના તમામ મંદિર ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
વાપી : વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી વલસાડ નજીકના ઐતિહાસિક પારનેરા ડુંગર સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ શ્રીચંડીકા માતા, શ્રીઅંબિકા માતા, શ્રીનવદુર્ગા માતા, શ્રી મહાકાળી માતા તેમજ શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ, સંચાલિત આ તમામ મંદિર (Tample) તા.૧૩ એપ્રિલથી ૨૨ એપ્રિલ સુધી દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય અને સલામતીના કારણોને ધ્યાનમાં રાખી બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો છે. 13મી એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈ માતાજીના દર્શનાર્થે હજ્જારો માઈ ભક્તો આવતા હોય છે. મોટી સંખ્યામાં ભક્તો એક જ જગ્યાએ એકત્ર ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે.