Charchapatra

ગણતંત્ર માટેનાં ભયસ્થાનો

ભારતમાં ગણતંત્ર સ્થાનિક, પ્રાદેશિક અને કેન્દ્રીય ચૂંટણીઓ દ્વારા રચાય છે. એકસો બેંતાળીસ કરોડ ભારતીયો અલગ અલગ ભાષા, જાતિ, ધર્મ, વ્યવસાય સાથે જીવે છે, તેમના વિચારો, માન્યતાઓ, હિતો, સ્વાર્થ, ગણતરીઓ, સંબધો, દબાણો વગેરેને કારણે અલગ અલગ હોય છે. રાષ્ટ્રપ્રેમ, જનકલ્યાણ અને વિકાસની વાતો ચર્ચાય છે. વચનો અને પ્રવચનોના ધોધ વહે છે. અનેક રાજકીય પક્ષો ચાલે છે અને બહુમત સાથે સરકારો રચાય છે. દુ:ખ એ વાતનું રહે છે કે લોકોએ પોતાના પ્રતિનિધિને જે આશાએ ચૂંટયા હોય, તે ડર, દબાણ કે લાલચવશ પક્ષાંતર કરી જનવિશ્વાસ ભંગ કરીને સત્તાપક્ષે બેસી જાય ત્યારે મુદ્દત પૂરી થવા સુધી લોકોએ  સહન કરી લેવું પડે છે. મતદાનનો હક કોઈ પણ રીતે ઝૂંટવાઈ જવો ન જોઈએ.

વળી મતદાન ફરજિયાત હોવું જોઈએ. ઉમેદવારો ધનસંચિત કરીને તેના મતદારોને મતદાનથી વંચિત કરી શકે નહીં. ડર, દબાણ કે ધનસંપત્તિની લાલચમાં ફસાઈ જઈ, ખોટી રીતે નામાંકન રદ કરાવી દેનાર ઉમેદવાર એક અર્થમાં તો  લોકશાહીનો હત્યારો કે દેશદ્રોહીની ભૂમિકામાં આવી જાય છે અને બિનહરીફ વિજેતા ખરેખર તો શંકાસ્પદ રીતે હરીફાઈનો જંગ લડયા વિના સન્માનપાત્ર રહેતો નથી. ચૂંટણી માટેના નિયમો એટલા મહાન ન હોય કે તેના લીધે લોકશાહીના આત્મસન્માન ચૂંટણી રદ જાહેર થાય. નામાંકન વેળા ચૂંટણી પંચે વિદ્વાન સહાયકો મૂકવા જોઈએ અને તેમના દ્વારા ભૂલ વિનાનાં ઉમેદવારીપત્રકો માન્ય કરવામાં, સુધારવામાં કામગીરી કરી સ્વીકારવામાં આવે.

લોકશાહીના નાટક સાથે તાનાશાહો જે રીતે પોતાના દેશમાં વિરોધપક્ષ વિના એકપક્ષી  શાસન અને ચૂંટણીના ખેલ કરે છે તેમ વિરોધપક્ષોને નાબૂદ કરવાની દિશા ગણતંત્રની મજાક બની રહે તેમ છે. વિરોધપક્ષોને શત્રુભાવે જોઈને નબળા પાડવા, કાયદાકીય ભીંસ, કારાવાસ ઝીંકવાથી ગણતંત્ર મજાક બની જાય, પોતાના વિસ્તારનો કોઈ પણ ઉમેદવાર સુપાત્ર નહીં લાગતાં ‘‘નોટા’’ વિકલ્પને પસંદ કરાય છે.

કોઈ બેઠક પર આવા મતોની સંખ્યા ત્યાંના દરેક ઉમેદવારના મતોથી વધી જાય, તેવા સંજોગોમાં તે બેઠક માટે ફેરચૂંટણી થવી જોઈએ. ત્યારે જ ગણતંત્રનું તેટલું ભયસ્થાન દૂર થાય. મતદાન કરી ચૂકેલાં મતદારો આંગળી પર કાળી શાહીના ટપકાનું નિશાન લઈને લાંબા સમય સુધી તેને ધરાવે છે, જે ગણતંત્ર માટે તેમના ફરજપાલનનું પ્રતીક બને છે, પણ જ્યારે ગમે તે પ્રકારે કોઈ ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થાય ત્યારે ત્યાંની ચૂંટણી રદ થવાથી ત્યાંના તમામ મતદારો પોતાના મતાધિકારથી વંચિત થઈ જવાથી તેવો અદૃશ્ય કાળો ડાઘ લોકશાહીને લાગી જાય છે. ગણતંત્રનું એ ભયસ્થાન ગેરવ્યાજબી, અનૈતિક જ ગણાય.
સુરત     – યૂસુફ એમ.ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top