નડિયાદ: આણંદથી કપડવંજ તરફ જવાનો શોર્ટકટ પણસોરાથી લાડવેલ ચોકડી તરફનો માર્ગ અત્યંત જર્જરીત બન્યો છે. આ રોજ નાના-મોટા વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. ત્યારે પણસોરાથી લાડવેલ સીતાપુર ચોકડી સુધીના બિસ્માર રસ્તાથી વાહન ચાલકો ત્રાહી-ત્રાહી પોકારી ગયા છે. મસમોટા ખાડાઓને કારણે વાહન કેમ ચલાવવું તે પ્રશ્ન થઈ ગયો છે. હાલ કપડવંજથી ડાકોરનો માર્ગ બંધ હોવાને કારણે આ રસ્તા પર વાહનોનું ભારણ વધ્યું છે. બે વર્ષ પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો રોડ ભ્રષ્ટાચારને કારણે તૂટી ગયો છે.
ખેડા-આણંદ જિલ્લાને જોડતા પણસોરાથી વાયા અલીણા, મહીસા લાડવેલ ચોકડી તરફનો રોડ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. હેરંજ ગામથી સીતાપુર ચોકડી સુધીનો માર્ગ જે સમયે બનતો હતો ત્યારે જ જાગૃત નાગરીકોએ રોડની કામગીરીને લઈ અધિકારીઓને રજૂઆત કરી હતી. સરફેસની કામગીરીમાં લાલિયાવાડીના કારણે આ રોડ ગણતરીના સમયમાં ઠેર ઠેરથી તૂટી ગયો હતો. જ્યારે આણંદની હદમાં આવતા હેરંજથી પણસોરાનો રોડ તૂટ્યો નથી.
અલીણા ગામના ગ્રામજનોના જણાવ્યા અનુસાર શેરી ગામ પાસે 600 મીટરના રસ્તામાં નવા પુલની બંને બાજુનો રસ્તો તથા પુલ પરની પ્લેટો અને સળિયા બહાર આવી ગયા છે. જે ભ્રષ્ટાચારની સાબિતી આપી રહ્યા છે. આ રોડ પરથી પસાર થવામાં 15 મિનિટના બદલે 45 મિનિટ થાય છે. ટુ વ્હીલર ચાલકોને સૌથી વધારે પ્રશ્ન છે. રાત્રિના સમયે બિસ્માર રસ્તાને કારણે નાના મોટા અકસ્માત થાય છે. રસ્તા પર ખાડા પડી ગયા છે. કપચી મેન્ટલ રસ્તા પર વેરણછેરણ થઇ ગયા છે. રોડના કામમાં ડામોરનું પ્રમાણ ઓછું હોવાથી રસ્તો બિસ્માર બન્યો છે.