સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં વઘઇ અને મહાલ ખાતે ફરવા આવેલા સુરતી પ્રવાસીઓનાં ત્રણ મોબાઈલ (Mobile) ચોરાઇ ગયા હતા. વરસાદની સીઝનમાં સાપુતારા અને ડાંગમાં સુરતીઓનો કિડિયારો ઉભરાય છે. ત્યારે અનેકવાર સુરતીઓને હોટલોમાં (Hotel) વધુ ભાવ આપી રોકાવું પડે છે. કેટલીકવાર સુરતીઓનો સામાન પણ ચોરી થાય છે. તેવામાં સુરતના પ્રવાસીઓના ત્રણ મોબાઈલ ચોરાઈ જતા પોલીસે તપાસ શરૂ કરી છેે.
- ડાંગ જિલ્લામાં ફરવા ગયેલા સુરતી પ્રવાસીઓનાં ત્રણ મોબાઈલ ચોરાયા
- સુરતની યુવતીનો મહાલ કેમ્પ સાઈટથી એક તેમજ કતારગામના યુવકના વઘઈથી બે મોબાઈલ ચોરાયા
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતની ઉર્વી વિપુલ વખારીયા ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં મહાલ કેમ્પ સાઈટ ખાતે ફરવા માટે આવ્યા હતા. ત્યારે તેમની પાસે સેમસંગ કંપનીનો ગેલેક્ષી મોબાઈલ હતો. તેઓ જ્યારે મહાલ ગામની એકલવ્ય સ્કુલથી આગળ રસ્તાની બાજુમાં વાંસથી બનાવેલા કાચા ઝુપડા પાસે જમવા બેસેલા હતા. ત્યાંથી મોબાઇલ ચોરાઇ ગયો હતો. હાલમાં આ મહિલા પ્રવાસીએ સુબીર પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગેની ફરીયાદ નોંધાવતા સુબિર પોલીસની ટીમે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં સુરતનાં કતારગામનાં યુવકોનાં વઘઇ ખાતેથી બે મોબાઈલ ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરત શહેરનાં કતારગામના અભિષેક કાનજી કિકાણી વઘઈ ખાતે ફરવા માટે આવ્યા હતા ત્યારે તેમની પાસે આઇફોન 11 અને આઈફોન XS મોબાઈલ હતો. આ બન્ને મોબાઈલ ગાડીના બોનેટ પર મૂકીને નાસ્તો કરવા ગયા હતા. જોકે બોનેટ ઉપરથી પડી ગયેલા બન્ને મોબાઇલ ચોરાઈ ગયા હતા. જે બાદ વઘઈ પોલીસે આ મોબાઇલ ચોરી અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉનાઈમાં લોકોની પાણીની સમસ્યા દૂર, પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત
વાંસદા : વાંસદા તાલુકાના ઉનાઈ પંથકના વિસ્તારોમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં અને પુરતા પ્રેશરથી પૂરું પાડવા માટે નવી વિશાળ ટાંકીની જરૂરિયાત ઊભી થઈ હતી, જેને લઇ ઓછું પાણી મળતું હોવાની લોકોની બુમરાણ ઉઠી હતી. જેને પગલે આ વિસ્તારમાં 7.20 લાખ 2.40 લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનંત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ટાંકી તૈયાર થયાં બાદ ગ્રામજનોને પુરતા પ્રમાણમાં પાણી મળશે. આ પ્રસંગે સરપંચ મનીષ પટેલ, ડે. સરપંચ ધવલ ઢીમર સહિત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.