સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચમા દિવસે વીજળીનાં કડાકા ભડાકા અને કરા સાથે કમોસમી વરસાદ (Rain) તૂટી પડતા અહીંનું સમગ્ર વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું હતુ. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા બરફનાં કરા પડતા જોવાલાયક સ્થળોએ સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. જ્યારે ડાંગ જિલ્લાનાં ગાયગોઠણ ગામે બાઈક પર જઈ રહેલા મિત્રો પર વીજળી પડતા એક યુવાનનું મોત થઇ ગયું હતું. જ્યારે અન્ય યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) ખસેડાયો હતો.
- સાપુતારા બરફનાં કરા પડતા જોવાલાયક સ્થળોએ સફેદ ચાદર પથરાઈ ગઈ
- બહેડુનનો યુવાન સુબિર તાલુકાના ગાયગોઠણ ગામમાંથી પસાર થતો હતો ત્યારે બનેલી ઘટના
- આંબા સહિત ફળફળાદી તેમજ શાકભાજી જેવા પાકો નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક નુકસાની સાથે માથે હાથ દેવાનો વારો આવ્યો
આ બનાવની મળતી માહિતી અનુસાર બહેડૂન ખાતે રહેતા સુનિલ માવજીભાઇ વળવી તેના મિત્ર સાથે ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં લવચાલી ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગાયગોઠણ ગામમાંથી પસાર થતો હતો ત્યારે તેમના પર વીજળી પડતાં સુનિલનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું જ્યારે તેની સાથેના યુવાનને સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ડાંગી ખેડૂતોને માવઠાના કારણે શાકભાજી અને ફળોના નુકસાનની ભીતિ
ડાંગ જિલ્લામાં તડકો, ઠંડી, વરસાદ જેવો માહોલનાં પગલે સતત પાંચમા દિવસે ત્રિવેણી ઋતુચક્રનો સંગમ રચાયો હતો. ડાંગ જિલ્લાનાં સાપુતારા, ગલકુંડ,શામગહાન,બોરખલ,આહવા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં શુક્રવારે સતત પાંચમા દિવસે ક્યાંક હળવા સ્વરૂપેનો તો ક્યાંક બરફનાં કરા સાથે વરસાદના પગલે સમગ્ર પંથકમાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી પડી રહેલા કમોસમી માવઠાનાં પગલે ડાંગી ખેડૂતોને જંગી નુકસાનની ભીતી વર્તાઈ રહી છે. આંબા સહિત ફળફળાદી તેમજ શાકભાજી જેવા પાકો નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક નુકસાની સાથે માથે હાથ દેવાનો વારો આવ્યો છે.