સાપુતારા: ડાંગ (Saputara Dang) જિલ્લાનાં લહાનચર્યા ગામે બોલતી કાબર માધ્યમિક શાળાની સભ્ય બની છે. બાળકો જોડે શાળામાં રોજ આવતી આ કાબરે કુતુહલ સર્જ્યું છે. પ્રકૃતિ પ્રેમી શાળાનાં શિક્ષકો (Teachers) અને બાળકો જોડે કાબરનો અનેરો સંબધ બંધાયો છે. કાબરને દાણા નાખવામાં આવતા હોવાથી તે રોજ આવે છે. અને શાળાનાં (School) બાળકો જોડે વાતચીત પણ કરે છે. એક વિદ્યાર્થીનાં ઘરે નાનપણથી જ આ કાબર આવતી હોવાથી બન્ને વચ્ચે મિત્રતાનાં સંબધો બંધાયા હતા. ગામ અને શાળામાં દરેક લોકો જોડે આ કાબર વાતો કરે છે.
આહવાના લહાનચર્યા ગામની માધ્યમિક શાળામાં બોલતી કાબરનાં કારણે કુતુહલ સર્જાયુ છે. કાબર બોલે તે સૌ કોઈને નવાઈ લાગે પરંતુ લહાનચર્યા ગામે વસવાટ કરતી શરૂ નામની કાબર બોલે છે. આ શરૂ નામની કાબર ગામનાં દરેક લોકો જોડે વાતો કરે છે. ખાસ કરીને નાના બાળકો અને શાળાનાં વિદ્યાર્થીઓ જોડે આ કાબર મિત્રની જેમ વાતો કરે છે. લહાનચર્યા ગામેં આવેલ અજિત જોડે આ કાબરનાં નાનપણથી સંબધ છે. કાબર જ્યારે નાની હતી ત્યારથી અજિતની મિત્ર બની ગઈ હતી. અજિત અને આ કાબર વચ્ચે મિત્રતાનાં સંબધો બધાંયા છે. અજિતે કાબરનું નામ શરૂ રાખ્યું છે.
કાબરને ડાંગની સ્થાનિક ભાષામાં શાળોકી તરીકે ઓળખવામાં આવે છે. અજિત એકલતામાં આ કાબર જોડે અલકમલકની વાતો કરતો હોય છે અને કાબર પણ જાણે વાતો કરતી હોય એમ આ વિદ્યાર્થી જોડે વાતો કરવા લાગે છે. અજિતનાં ઘરે રોજ સવાર અને સાંજના સમયે કાબર દાણા ચણવા માટે આવતી હોય છે. અને અજિતનો પરિવાર કાબરને પોતાના પરિવારનો જ સભ્ય ગણીને તેની દેખરેખ રાખે છે. માધ્યમિક શાળામાં પણ બાળકો જોડે કાબર શાળાએ જાય છે. લોકડાઉન હળવુ થયા બાદ ધોરણ 10 અને 12 નાં વર્ગો ચાલુ કરવામાં આવ્યા છે. ત્યારે શાળામાં જતા બાળકો સાથે આ કાબર પણ વર્ગખંડમાં બેસતી હોય છે.
અહીં પ્રકૃતિ પ્રેમી શાળાનાં બાળકો અને શિક્ષકો પણ કાબરને આવકારે છે.
કાબર માણસની જેમ બોલતી હોય તેમ દરેક વસ્તુ વિશે બોલે છે
શાળાનાં કર્મચારી સોમાભાઈ જણાવે છે કે નાનપણથી ગામનાં એક મિત્ર દ્વારા આ કાબરની દેખરેખ રાખવામાં આવી હતી. જે બાદ આ કાબરનાં માનવી જોડે સારા સંબંધો બંધાતા આ કાબર તેઓની મિત્ર બની ગઈ છે. આ કાબર જાણે માણસની જેમ બોલતી હોય તેમ દરેક વસ્તુઓ વિશે બોલે છે. એને કાઈ જોઈતું હોય તો એ પણ તેઓને જણાવે છે.
લહાનચર્યા ગામમાં કાબરને દરેક ગ્રામજનો પરિવારનો સભ્ય ગણાવે છે
પ્રકૃતિમાં વસનાર ડાંગ જિલ્લાનાં આદિવાસીઓનો પ્રકૃતિ સાથે વર્ષોથી સંબધ રહ્યો છે. આદિવાસીઓ પ્રકૃતિની પુજા કરે છે. તેમનાં પ્રકૃતિ દેવોમાં વાઘ દેવ, સૂર્ય, ચદ્ર, મોર, નાગ દેવતાંનો સમાવેસ થાય છે. વર્ષોથી પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસીનો પશુ પક્ષી સાથેનાં આ ઉત્તમ ઉદાહરણ છે. લહાનચર્યા ગામે આવતી કાબરને દરેક ગ્રામજનો દ્વારા પરિવારનો સભ્ય ગણવામાં આવે છે.