Dakshin Gujarat

ભાજપે મૌન તોડ્યું: ડાંગમાં સરકાર કોઇ ડેમ બનાવવાની નથી, આદિવાસીઓને વિસ્થાપિત થવા દઈશું નહીં

સાપુતારા: (Saputara) પાર તાપી અને નર્મદા લિંક પ્રોજેક્ટનો (River link Project) આદિવાસી સંગઠનોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મહાકાય ડેમ અંગે ભાજપાનાં (BJP) નેતાઓએ સૂચક મૌન ધારણ કરતા લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા. પરતું આજે આહવામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામમાં કલ્પસર અને પાણી પુરવઠાનાં મંત્રી જીતુ ચૌધરી, ધારાસભ્ય વિજય પટેલ તેમજ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવીત સહીતનાં આગેવાનોએ પાર તાપી અને નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ અંગેનું મૌન તોડ્યુ છે. ડાંગ જિલ્લાનાં ગરીબ કલ્યાણ મેળામાં દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટનાં મહાકાય ડેમો અંગે આખરે રાજ્યકક્ષાનાં કલ્પસર અને પાણી પુરવઠાનાં મંત્રી જીતુભાઈ ચૌધરી સહિત ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવીત તેમજ ધારાસભ્ય વિજય પટેલે મૌન તોડી જણાવ્યુ કે આદિવાસીઓને (Tribal) વિસ્થાપિત થવા દઈશું નહી.

ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજય પટેલે પાર તાપી અને નર્મદા લિંક મુદ્દે જણાવ્યું હતુ કે ડાંગની પ્રજાનાં સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ વ્યક્ત કરવાનો અમારો સંકલ્પ છે. ડાંગની પ્રજાને કોઈ પણ દુઃખ પહોચે તેવું કામ કદાપી કરવા દઈશું નહી. અમારા પર વિશ્વાસ રાખજો. હું પણ ડાંગનો છું. મારી જન્મ અને કર્મભૂમિ પણ ડાંગની છે. માટે હું જીવીશ તો ડાંગ માટે અને મરીશ તો પણ ડાંગ માટે જ. જેથી આદિવાસી બંધુઓએ ચિંતા કરવાની જરૂર નથી. આ ડેમોનું ભૂત 2007માં પણ આવ્યુ હતુ. અને મારી આગેવાનીમાં જે તે સમયનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળીને આ સમસ્યાનું નિવારણ કર્યુ હતુ.

મંત્રી જીતુ ચૌધરીએ હુંકાર કરતા જણાવ્યું હતું કે ધરમપુરનાં કપરાડા, નવસારીનાં વાંસદા અને ડાંગ તથા પૂર્વપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ડેમ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. દક્ષિણ ગુજરાતનાં લોકોને વિસ્થાપિત થવાની વાત સામે આવશે તો અમારી સરકાર તમારી સાથે રહેશે. ડેમ બાબતે ડાંગનાં ધારાસભ્ય અને જિલ્લા પંચાયતનાં પ્રમુખે યોગ્ય નિરાકરણ બાબતે ખાતરી આપી છે. જેમાં રાજ્યનું સિંચાઈ વિભાગનું ખાતુ મારી પાસે હોય જેથી આ રીવર લિંક જોડાણનો યોગ્ય અભ્યાસ કરીને આપનું ધ્યાન દોરીશુ. વધુમાં 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે આ નવા ગતકડા લાવી ભરમાવવામાં આવે છે. જેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.

કોઈને અસર થવા દઈશું નહી
ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવિતે જણાવ્યુ હતુ કે ડાંગને બચાવવા માટે આપણે સાથે મળીને રજુઆત કરવી પડશે. મારૂ ગામ અને મારો વિસ્તાર પણ ડૂબાણમાં જાય છે. તો મને પડેલી નથી. આ ડેમ બાબતે અમે સરકારમાં રજુઆત કરી છે. અને સ્પષ્ટતા માંગી છે. ડેમ બાબતે હજી સરકારમાંથી કોઈ લેખિતમાં પરિપત્ર આવ્યો નથી. આ કેન્દ્રની યોજના છે. કેન્દ્ર સરકાર જે કરે તે પરંતુ ડાંગ જિલ્લાનાં ગરીબ આદિવાસીઓ જે વિસ્થાપિત થવાનાં છે કે નહી થવાનાં જે સામે આવશે ત્યારે ડાંગની તમામ પ્રજાનાં પડખે ઉભા રહી તેઓને બચાવવાનાં પ્રયત્નો કરીશુ અને કોઈને અસર થવા દઈશું નહી. ડેમ બાબતે આવનાર દિવસોમાં સરકારમાં જે પણ રજૂઆતો કરવી પડશે તે અમે કરીશુ.

હું પણ એક આદિવાસી આગેવાન છું અને રાજ્ય સરકારના મંત્રી તરીકે હું જવાબદારીપૂર્વક કહું છું, ડેમ નહીં બને- મંત્રી નરેશ પટેલ
વલસાડ, ધરમપુર : રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન અને પુરવઠા મંત્રી નરેશ પટેલના હસ્‍તે ૯૦૦૦ લાભાર્થીઓને રૂા. ૧૦૦ કરોડના લાભો અપાયા હતા. મંત્રી નરેશ પટેલે વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ ખાતે વલસાડ જિલ્‍લાના ગરીબ કલ્‍યાણ મેળાનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જે ગામોમાં ડેમ બનાવવાની વાત વહેતી કરવામાં આવી છે ત્યાં કોઈ ડેમ બનવાનો નથી તેવું જણાવ્યું હતું. પાર-તાપી-નર્મદા રીવર લિંક યોજના હેઠળ તાલુકાના ચાસમાંડવા, પૈખેડ અને મોહનાકાંવચાલી ગામે ડેમ બનાવવામાં આવશે અને આ ડેમના લીધે આ વિસ્‍તારના આદિવાસીઓને વિસ્‍થાપિત કરવામાં આવશે. એમ ગેરમાર્ગે દોરનારા આદિવાસી સંગઠનોને તેમણે જણાવ્‍યું હતું કે, હું પણ એક આદિવાસી આગેવાન છું અને રાજ્ય સરકારના મંત્રી તરીકે હું જવાબદારીપૂર્વક કહું છું કે, આ યોજનામાં હાલના તબક્કે ડી. પી. આર. કરવામાં આવી રહ્યો છે અને આ ગામોમાં રાજ્ય સરકાર દ્વારા કોઇ ડેમ બનાવવામાં આવનાર નથી.

‘ડેમ બનાવવો વિકાસ નહી, વિનાશ છે’- કોંગ્રેસ
સાપુતારા : ડાંગ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનો વિરોધ નોંધાવનાર ડાંગ કૉંગ્રેસ મહામંત્રી મુકેશઈ પટેલ તથા ડાંગ યુવક કૉંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર સહિતનાં આગેવાનોની ડાંગ પોલીસે અટકાયત કરી હતી. દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટનાં જોડાણની વાત બહાર આવતાની સાથે જ આદિવાસી સંગઠનો લડાયક મૂડમાં આવી ગયા છે. હાલમાં ઠેરઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતનાં ધરમપુર સહીત ડાંગ જિલ્લામાં મહાકાય ડેમોનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. ડાંગ જિલ્લામાં ડેમ હટાવો ડાંગ બચાવો અંતર્ગત આદિવાસી સમાજમાંથી મુકેશ પટેલ, રાકેશ પવાર, ડાંગ કૉંગ્રેસનાં કાર્યકરી પ્રમુખ સ્નેહલ ઠાકરે સહીતનાં નેતાઓ આગળ આવીને લોકોને આહવાન કરી રહ્યા છે ત્યારે આજે સરકાર દ્વારા આદિવાસીઓનાં સર્વાંગી વિકાસ માટે મોટા ભાગનાં જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું હતુ.

જિલ્લામાં આજે આહવા ખાતે રાજ્ય કક્ષાનાં મંત્રી જીતુ ચૌધરીનાં અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. ત્યારે જિલ્લાનાં કૉંગ્રેસી આગેવાન મુકેશ પટેલ અને ડાંગ યુવક કૉંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર દ્વારા સોશિયલ મિડિયામાં જ્યાં સુધી પાર તાપી અને નર્મદા લિંક જોડાણ યોજના રદ નહીં થાય ત્યાં સુધી ડાંગ જિલ્લામાં મેળાઓનાં નામે સરકારની છેતરપિંડી નહી. અને ડેમ હટાવો, જંગલ બચાવો, આદિવાસી અસ્મિતા ટકાવોનાં સૂત્ર સાથે આહવા ખાતેનાં ગરીબ કલ્યાણ મેળાનો વિરોધ નોંધાવ્યો હતો. અહી ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવારે જણાવ્યુ હતુ કે ભાજપ સરકાર હંમેશા આદિવાસી સમાજ વિરોધી રહી છે. જ્યાં સુધી ડેમ હટશે નહીં ત્યાં સુધી આદિવાસી લોકો વિરોધ કરતા રહેશે. ભાજપનાં રાજમાં લોકશાહી ઢબે વિરોધ કે રજૂઆત પણ કરી શકતા નથી.

Most Popular

To Top