સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં (Forest Department) સમાવિષ્ટ આહવા પૂર્વ રેંજ વિભાગની વનકર્મીઓની ટીમે મહાલપાડા જંગલ વિસ્તારમાંથી સાગી લાકડાની (Teak Wood) તસ્કરી (Trafficking) કરનાર 6 વીરપન્નોને 56,978નાં મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ ગતરોજ રાત્રીનાં અરસામાં આહવા પૂર્વ રેંજનાં આર.એફ.ઓ હાર્દિકભાઈ ચૌધરી સહિત વનકર્મીઓની ટીમે રેંજના જંગલ વિસ્તારમાં સઘન નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. આહવા પૂર્વ રેંજનાં વનકર્મીઓ નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મહાલપાડાનાં રિઝર્વ ફોરેસ્ટ કમ્પાર્ટમેન્ટ નં. 124માં લાકડા તસ્કર વીરપન્નોની હિલચાલ જોવા મળી હતી.
6 વીરપન્નોએ સાગીનાં ખૂટને તોડી પાડ્યા હતા
જેથી આર.એફ.ઓ હાર્દિક ચૌધરીની ટીમ સ્થળ પર ધસી જતા 6 વીરપન્નોએ સાગીનાં ખૂટને તોડી પાડ્યા હતા. વનકર્મીઓની ટીમે 6 ઈસમોને સાગી ચોરસા નંગ-10, જેનુ ઘનમીટર-1.574 તથા જેની અંદાજીત કિંમત 56,978 રૂપિયાનાં કુલ મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આહવા પૂર્વ રેંજનાં આર.એફ.ઓ હાર્દિક ચૌધરીએ જયેશભાઇ જગનભાઈ હીલીમ મનિરાવભાઈ રામુભાઈ ધુલુમ, દિલીપભાઈ રામુભાઈ ધુલુમ, પંકજભાઈ રામુભાઈ ધુલુમ, રાજુભાઈ રેવુભાઈ કુંવરની મુદામાલ સાથે અટકાયત કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય વીરપન્નોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.