સાપતારા : મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ડાંગ દર્શન (Dang Darshan) માટે નીકળેલા સાંગલીનાં મરાઠી પ્રવાસીઓની કાર સાપુતારા-(Saputara) માલેગામ ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં ઉભી કરી જોખમી સેલ્ફી (Selfie) લઈ રહ્યા હતા. અહી તીવ્ર વળાંકમાં કારને ઉભી રાખી જોખમી સેલ્ફી લઈ રહેલા મરાઠી પ્રવાસીઓને નજીક ઉભા રહેલા જી.આર.ડી અને હોમગાર્ડનાં યુવાનોએ પણ રોક્યા હતા. પરંતુ બેફિકર પ્રવાસીઓ (Tourists) જી.આર.ડી જવાનોની સૂચનાને અવગણીને જોખમી સેલ્ફી લેવામાં વ્યસ્ત બન્યા હતા. તે અરસામાં મહારાષ્ટ્રમાંથી શેરડીનો રોપ ભરી સુરત તરફ જઈ રહેલી પીકઅપ વાનનાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા પીકઅપ વાન (Pickup Van) પલ્ટી મારી જઈ મરાઠી કારને અથડાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. જોકે આ બનાવમાં પીકઅપ વાન અને કારનાં એક સાઈડે નુકસાન થયુ હતુ. સાપુતારા ઘાટમાર્ગમાં જોખમી સેલ્ફી પર પ્રતિબંધ છે અને તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડી હોમગાર્ડ અને જી.આર.ડીનાં જવાનોને તૈનાત કરાયા છે. તેમ છતાંય જાહેરનામાનો ભંગ કરી અમુક પ્રવાસીઓ સેલ્ફી લઈ રહ્યા છે.
બસ પલટી મારી ગઈ
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ સેલવાસના ડોકમરડી વિસ્તારના ખરાબ રસ્તા પર ખાનગી કંપનીમાં કામ કરતા કામદારોને લઈ જતી ખાનગી બસના ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં ગફલતભરી રીતે બસને હંકારતાં બસ ડોકમરડી ઓવરબ્રિજના ખોદવામાં આવેલા ખાડા નજીક પલટી મારી ગઇ હતી. જેને લઈ બસમાં બેઠેલા 25 કામદારો પૈકી 15 કામદારોને નાની મોટી ઈજાઓ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ જતાં બસ ખાડામાં પલટી
મળતી જાણકારી અનુસાર ગુરૂવારે રાત્રે સીલી વિસ્તારમાં શુભલક્ષ્મી પોલિએસ્ટર લિ. કંપનીમાં કામ કરતા 25 કામદારોને કંપનીની બસ નં. DN-09-M-9414 નો 24 વર્ષીય ડ્રાઈવર યોગેશ તોમર કંપનીમાંથી કામદારોને બસમાં બેસાડી પરત તેમના ઘરે છોડવા નીકળ્યો હતો. જ્યાં રસ્તા પર ડ્રાઈવરે ગફલતભરી રીતે બસને પૂરપાટ હંકારતાં કામદારોને તેણે નશો કર્યો હોય એવું માલમ પડતા કામદારોએ બસને ધીમે હંકારવાની ટકોર કરી હતી. તેમ છતાં ડ્રાઈવરે કોઈનું નહીં સાંભળી બસને ખરાબ રસ્તાઓ પર હંકારી રાખતાં ડોકમરડી ચાર રસ્તા પાસે રીંગરોડ ઓવરબ્રિજના ખોદવામાં આવેલા રસ્તા પર બસ આવી પહોંચતા જ ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ જતાં બસ ખાડામાં પડી પલટી મારી ગઈ હતી. જેને લઈ ડ્રાઈવર સહિત બસમાં બેઠેલા 25 કામદારો પૈકી 15 લોકોને ઈજાઓ પહોંચી હતી.
બસનો ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો
ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને બસમાં ફસાયેલા લોકોને બસનો કાચ તોડી બહાર કાઢવાની કામગીરી કરી હતી. સેલવાસ પોલીસ મથકનાં ઈન્ચાર્જ અનિલ ટી.કે. તથા પી.એસ.આઈ. સોનુ દુબે તથા તેમની ટીમને પણ થતાં તેઓએ પણ આવી કાર્યવાહી કરી ઈજાગ્રસ્ત કામદારોને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે બસનો ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો એની તપાસ કરતા તે દારૂ પીધેલી હાલતમાં જણાયો હતો. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ચાર રસ્તા પાસે બ્રિજના રસ્તાનું કાર્ય જલ્દીથી પૂરું કરવા કલેક્ટરને આવેદનપત્ર
ડોકમરડી ચાર રસ્તા નજીક રીંગરોડના નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોય જે હેતુ રોડના સાઈડના ભાગે ખોદકામ કરવામાં આવ્યું હતું. બ્રિજનું કાર્ય છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગયું હોય તેમ છતાં ખાડા પુરવામાં નહીં આવતા આ અકસ્માત સર્જાયો છે. ત્યારે ગુરૂવારના રોજ સર્જાયેલા બસ અકસ્માતને લઈ 15 કામદારોને ઈજા પહોંચતા સમગ્ર મામલે સેલવાસ પાલિકા વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર સુમન પટેલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લોકોને પડી રહેલી હાલાકીને ધ્યાન પર લઈ ખાડા પુરવા અપીલ કરી છે.