સાપુતારા : આજે ડાંગ જિલ્લામાં અકસ્માતની ત્રણ ઘટના ઘટી હતી. જેમાં આહવાથી શામગહાન તરફ જઈ રહેલી બ્રિઝા કાર ન. જી.જે.21 સી.એ. 5394 આહવાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ગલકુંડ ચેકપોસ્ટ નજીક આવેલા બ્રિજ પાસે ઝાડ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનાં બોનેટનાં ભાગે નુકસાન થયુ હતુ. જ્યારે બ્રિઝા કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થયો હતો.
- પહેલા બનાવમાં કાર ઝાડ સાથે ભટકાઇ
- બીજા બનાવમાં ભૂંસાનો જથ્થો ભરેલી ટ્રક ખીણમાં ખાબકી
- અમદાવાદનાં પ્રવાસીઓની કાર પુલ પરથી નીચે ખાબકતા મુસાફરો ઘવાયા
જ્યારે બીજા બનાવમાં મહારાષ્ટ્રમાંથી ભૂંસાનો જથ્થો ભરેલી ટ્રક નં. એમ. એચ. 19 ઝેડ 5386 જે શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં વિહીરઆંબા ગામ નજીકનાં તીવ્ર વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં આવેલી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રકને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને ગંભીર ઇજાઓ પહોચતા જીવન મરણનાં ઝોલા વચ્ચે 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
જ્યારે ત્રીજા બનાવમાં અમદાવાદનાં પ્રવાસીઓની મહિન્દ્રા સાકરપાતળનાં નંદીનાં પુલ પરથી નીચે ખાબકી પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી સાપુતારા તરફ જઈ રહેલી પ્રવાસીઓની કાર નં. જી.જે. 27 એ.પી. 3208 જે વઘઇથી સાપુતારાને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં સાકરપાતળ ગામ નજીક ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આ એસ.યુ.વી કાર પુલ પરથી નીચે ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટી.યુ.વી કારનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો. જ્યારે કારમાં સવાર અમદાવાદી પરિવારનાં સભ્યોને મોટી ઇજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની સાકરપાતળ પી.એચ.સી ખાતે ખસેડાયા હતા.