‘ગણપતિ બાપા મોર્યા પુડચા વરસી લવકરિયા’ના જયઘોષ સાથે ડાંગ જિલ્લાનાં 311 ગામડામાં અંદાજીત 1500થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું નદી, નાળામાં વિસર્જન કરાયું હતું. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગણેશ મંડળો તથા હિન્દૂ ભાવિક ભક્તોએ ઠેરઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કર્યું હતુ. રવિવારે ડાંગમાં મધ્યમ વરસાદની હેલીઓ વચ્ચે પૂજા અર્ચના કર્યા બાદ વાજતે ગાજતે નજીકનાં નદી નાળાઓમાં શ્રીજી ભગવાનની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
રવિવારે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ‘ગણપતિ બાપા મોર્યા પુડચા વરસી લવકરિયા’ના ભક્તિમય જયઘોષ સાથે પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં રવિવારે બપોરબાદ મધ્યમ વરસાદી હેલીઓની શરૂઆત થઈ હતી. ડાંગમાં વરસતા વરસાદમાં પણ ડીજેનાં તાલ સાથે અનેરા આનંદમાં ભગવાન શ્રીજીને વિદાઈ આપવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં આજે ગણેશ વિસર્જનનાં દિવસે કોઈ અનિશ્ચિનિય બનાવો ન બને તે માટે જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતા શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.