નવસારી: (Navsari) દાંડીના દરિયામાં (Dandi Sea) નહાવા પડેલા નવા તળાવ ગામના રાજસ્થાની પરિવારના 7 સભ્યો ડૂબવા લાગ્યા હતા. તેમણે બૂમાબૂમ કરી મૂકતા હોમગાર્ડ અને સ્થાનિકો 3 સભ્યોને બચાવીને કિનારા ઉપર લઇ આવ્યા હતા. જો કે આ બચાવ કામગીરી વચ્ચે ચાર સભ્ય લાપત્તા થઇ ગયા હતાં. ત્યારે આ ઘટનાને પગલે જલાલપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જતા સ્થાનિક તરવૈયાઓ અને હોમગાર્ડ જવાનોની મદદથી લાપતા સભ્યોને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.
- 3 સભ્યોને હોમગાર્ડ અને સ્થાનિકોએ બચાવ્યા, 4 સભ્યો લાપતા
- સ્થાનિક તરવૈયાઓ અને હોમગાર્ડ જવાનોએ લાપતા સભ્યોને શોધવાના પ્રયાસો હાથ ધર્યા
હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે સાથે જ ઉનાળો પણ છે. જેથી અન્ય જિલ્લા કે રાજ્યમાંથી લોકો તેમના સગા સંબંધીઓને ત્યાં ફરવા માટે જતાં હોય છે. નવસારી શહેર અને તેની આજુબાજુના ગામોના લોકો તેમને ત્યાં ફરવા માટે આવતા સગા સંબંધીઓને દાંડી દરિયા કિનારે હંમેશા લઇ જતાં હોય છે કારણ કે અહીં દરિયો તો આવેલો જ છે સાથે સાથે આઝાદીના ઇતિહાસ સાથે જોડાયેલું દાંડી સ્મારક પણ અહીં છે.
આજે રવિવાર હોવાથી નવસારી શહેર તેમજ આજુબાજુના ગામોના લોકો દાંડી દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા. ત્યારે નવસારી તાલુકાના નવતળાવ ગામમાં રહેતો રાજસ્થાની પરિવાર પણ દાંડી દરિયા કિનારે ફરવા માટે આવ્યો હતો. આ તમામ નહાવા માટે દરિયામાં પડ્યા હતાં અને તેનો આનંદ માણી મસ્તી મજાક કરી રહ્યાં હતાં. આ પરિવારના 7 સભ્યો ઊંડા પાણીમાં જતા રહેતા તેઓ દરિયાના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. તેમણે બૂમાબૂમ કરી મૂકતા સ્થાનિક લોકો તેમજ ત્યાં ફરજ પર તૈનાત હોમગાર્ડના જવાનો દરિયા તરફ દોડી ગયા હતાં અને દરિયાની અંદર સુધી ઘૂસીને આ પરિવારને 3 સભ્યોને ડૂબતા બચાવી લીધા હતા પરંતુ 4 સભ્ય લાપત્તા થઇ ગયા હતાં.
આ ઘટનાને પગલે જલાલપોર પોલીસ મથકને જાણ કરતા જલાલપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે સ્થાનિક તરવૈયાઓ અને હોમગાર્ડ જવાનોની મદદથી લાપતા 4 સભ્યોને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે રાજસ્થાની પરિવારમાં હાલ ગમગીની છવાઈ ગઈ છે.
3 રાજસ્થાનના અને 1 નવાતળાવ ગામના રહેવાસી લાપતા
નવસારી : જલાલપોર તાલુકાના દાંડી ગામે દાંડી દરિયા કિનારે નવસારી તાલુકાના નવાતળાવ ગામના રાજસ્થાની પરિવારના સભ્યો રાજસ્થાનની આવેલા મહેમાનોને લઈને ફરવા આવ્યા હતા. દરિયાના પાણીમાં રમતાં-રમતાં આ સભ્યો તણાયા હતા જેથી તેઓને બચાવવા તંત્ર દોડતું થઈ ગયું હતું, જે પૈકી રાજસ્થાની પરિવારના 7 સભ્યો પૈકી 3 સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. જયારે 4 સભ્યો હજી પણ લાપતા છે. જેમાં 3 સભ્યો રાજસ્થાનના રહેવાસી અને એક મહિલા નવા તળાવ ગામની હોવાનું જાણવા મળ્યું છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના લોછાડા ગામે રહેતા 17 વર્ષીય તરુણી દુર્ગા, 20 વર્ષીય યુવાન યુવરાજ અને 15 વર્ષીય દેશરાજ લાપતા છે. તેમજ નવસારી તાલુકાના નવા તળાવ ગામે રહેતી 38 વર્ષીય સુશીલાબેન પણ લાપતા છે.