સુરત શહેરમાં એક શરમજનક ઘટના બની છે. અહીંના વેડ રોડ વિસ્તારમાં વસંત પંચમીના શુભ દિવસે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહિલા ડાન્સરોના અશ્લીલ ડાન્સનો પ્રોગ્રામ યોજાયો હતો, જેના લીધે પ્રેક્ષકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તે ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વેડરોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંત પંચમીના શુભ દિને સરસ્વતી પૂજાના પવિત્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભક્તિના બદલે અશ્લીલતા પીરસાઈ હતી, જેના લીધે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આયોજકો સામે લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. પરિવારો સાથે કાર્યક્રમ જોવા આવેલા લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકો અને મહિલાઓ તેમજ વડીલો પણ ઉપસ્થિત હતા. સોસાયટીના જ કેટલાંક જાગૃત નાગરિકોએ અશ્લીલ કાર્યક્રમ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી હતી.