આણંદ : નદીમાં ગંગાજી તેવી જ રીતે બાર મહિનામાં કાર્તિક મહિનો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાર્તિક મહિના દરમિયાન વિવિધ ઉત્સવ કૃષ્ણલીલામાં બકુલાષ્ટમી, ગોવર્ધનપૂજા ગોપાષ્ટમી અને ઊખળ બંધન લીલા આવે છે, આ મહિના દરમિયાન અનેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે વિદ્યાનગર રાધાગીરીધારજી મંદિર ઇસ્કોન દ્વારા 19મી નવેમ્બર સુધી સંધ્યા આરતી પછી દામોદરઅષ્ટકમ, દીપદાન અને ગોપીગીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન કોરોનાની ગાઈડલાઈન ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવશે.
કાર્તિક મહિનો ખૂબ જ શ્રેષ્ઠ અને ઉત્સાહથી ભરપૂર મહિનો છે, રાધારાણી કીર્તીદાનની દીકરી હોવાને કારણે તેમનું એક નામ કાર્તિકા પણ છે. આ નામ પરથી આ મહિનાનું નામ કાર્તિક રાખવામાં આવ્યું છે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત યશોદા માતાએ જ્યારે ભગવાન કૃષ્ણને દામ એટલે કે દોરીથી અને ઉદર એટલેકે પેટને ઊખળ સાથે બાંધ્યા હતા, એટલા માટે તેમને દામોદર કહેવામાં આવે છે. જેની ઉપરથી દામોદર મહિનો પણ કહેવાય છે. આ મહિનામાં જ માતા દ્વારા બંધાયેલા બાલગોપાલની પૂજા કરવામાં આવે છે. પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે, બાર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણને કાર્તિક ખૂબ જ પ્રિય હતો. તેથી જ આ મહિનામાં જે ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરે છે, તેમની દરેક ઈચ્છા પુર્ણ થાય છે. આ મહિનાનો પહેલો દિવસ શરદપુર્ણીમાં છે અને આ દિવસે શરદ રાસ કરવામાં આવ્યાં હતાં. આ મહિનામાં રાધારાણી અને ગોપીએ ગોપીગીત ગાયું હતું.
પુરાણોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, બધાં મહિનામાં કાર્તિક મહિના દરમિયાન કરેલા દીપદાન સર્વશ્રેષ્ઠ છે, જે વ્યક્તિ કાર્તિક મહિનામાં ભગવાનને ઘીનો દીવો કરે છે. તે બ્રહ્મ વધ કરવા જેવા પાપથી મુક્ત થઈ જાય છે. જેના અંતર્ગત વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિરમાં 19 નવેમ્બર સુધી સંધ્યા આરતી પછી દામોદરઅષ્ટમ, દીપદાન અને ગોપીગીતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ વૈષ્ણવોને કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાનમાં લઈને ઉત્સવમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.