દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં 72માં પ્રજાસત્તાક અને દાહન-દમણ-દીવનાં એકીકરણના એક વર્ષ પૂર્ણ થતાં નિર્માણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નાની દમણનાં સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પ્રશાસક પ્રફુલ પટેલે તિરંગાને (Indian Flag) સલામી આપી હતી. દાનહ-દમણ-દીવના એકીકરણની પ્રદેશવાસીઓને પ્રશાસકે શુભેચ્છા પાઠવી હતી. ખાસ સંઘપ્રદેશ પોલીસ, કોસ્ટગાર્ડ તથા મહિલા પોલીસ ગાર્ડ દ્વારા આયોજીત પરેડનું નિરીક્ષણ પ્રશાસકે કર્યું હતું. આ અવસરે પ્રશાસક પ્રફૂલ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મોટી દમણ જામપોર બીચ (Jampore Beach) ખાતે રૂ.70 કરોડનાં ખર્ચે વારાણસી અને હરીદ્વાર જેવો દોઢ કિમી લાંબો ઘાટ બનાવવામાં આવશે.
વિવિધ ઝાંખીઓની પ્રસ્તુતિમાં સ્વચ્છતા, શિક્ષણ, સંસ્કૃતિની સાથે ખાસ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણની શરૂઆતથી લઈ લોકડાઉન અને અનલોક બાદ કોરોના વેક્સિન સુધીના કાળ દરમ્યાન સ્વાસ્થ્ય વિભાગના કર્મીઓ, ડોક્ટરો અને અન્ય વોરીયર્સ દ્વારા જે ઉત્કૃષ્ઠ કામગીરી દાખવી હતી એની સુંદર રજૂઆત કરાઈ હતી. આ ઝાંખી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. સ્કૂલના બાળકો દ્વારા પણ સુંદર દેશભક્તિ સભર નૃત્યો અને કલાબાજીઓની કૃતિઓ રજૂ કરાઈ હતી.
પ્રશાસક પ્રફુલ પટેલે વિકાસગાથા રજૂ કરી પર્યટન ક્ષેત્રે થઈ રહેલા વિકાસને જોતા આગામી દિવસોમાં મોટી દમણ જામપોર બીચ ખાતે રૂ.70 કરોડનાં ખર્ચે વારાણસી અને હરીદ્વાર જેવો દોઢ કિમી લાંબો ઘાટ બનાવવાની વાત કરી હતી. મેટ્રો સિટીની જેમ દમણ બસ સ્ટેન્ડથી આગળના વિસ્તારોમાં રાત્રી બજારની શરૂઆત કરાશે. નવા ઉદ્યોગ સ્થાપિત કરવા માંગતા ઉદ્યોગકારો માટે 24 વિભાગની માહિતીઓ અને તેના ફોર્મ ભરી ઉદ્યોગો શરૂ કરવા માટે સીંગલ વિન્ડો સીસ્ટમ પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પ્રદેશમાં નિર્માણ દિવસની ઉજવણીમાં પર્યટકોનો ધસારો
દાનહ-દમણ-દીવના નિર્માણ દિવસે પ્રદેશમાં 2 દિવસ માટે કાર્યક્રમો અને એક્ઝીબિશનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી દમણ કિલ્લા ક્ષેત્રમાં રંગબેરંગી ફૂલોનો ફ્લાવર શો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આ સિવાય ફોર્ટ વિસ્તારમાં પુસ્તક મેળો, હેરિટેજ એક્ઝિબિશન, ફિલા માર્કેટ, સ્ટ્રીટ આર્ટ અને દિવાદાંડી દરિયા કિનારે સેન્ડ સ્ક્લપચર પર્યટકોને આકર્ષિત કર્યું હતું. રાત્રી દરમ્યાન રંગબેરંગી લાઈટીંગ સજાવટથી દમણ જાણે વિદેશના શહેરની ગરજ સારતું જોવા મળ્યું હતું. આ 2 દિવસ મોટી સંખ્યામાં પર્યટકો દમણની સહેલગાહે ઉમટી આવ્યા હતા.