Dakshin Gujarat

હદ થઈ હવે તો… દમણગંગા નદીમાંથી પાણીની ચોરી થઈ

સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના (Dadranagar Haveli) ઉદ્યોગોમાં ગેરકાયદે ટેન્કર (Tanker) મારફતે પાણી (Water) પહોંચાડવા પ્રદેશની દમણગંગા નદીમાંથી (Damanganga River) ખુલ્લેઆમ પાણી ચોરી કરવાનું રેકેટ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. જેની બુમરાણ પણ પ્રદેશમાં ઘણી ચાલતી હોવાથી પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ દાનહના ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા પ્રદેશની મુલાકાતે આવ્યા હતા. જ્યાં રખોલી દમણગંગા પુલ પાસે નિરીક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે પ્રદેશના કલેક્ટરની નજર પુલ પાસે નદીમાંથી પાણી ભરતા ટેન્કરો પર ગઈ હતી.

  • દાનહનાં રખોલીમાં નદીમાંથી પાણીના ટેન્કર ભરી ઉદ્યોગોમાં પહોંચાડવાનું રેકેટ કલેક્ટરે પકડી પાડ્યું
  • મામલતદારની ટીમે 2 ટેન્કર જપ્ત કરી કાર્યવાહી હાથ

જે જોતાની સાથે જ કલેક્ટરે તાત્કાલિક આ અંગે મામલતદારને કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. જે બાબતે મામલતદારની ટીમ તુરંત દમણગંગા નદી કિનારે ધસી જઈ નદીમાંથી પાણી ભરે એ પહેલાં જ 2 ટેન્કરને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, ટેન્કર કોની માલિકીના અને કોણ આ પ્રમાણેનું પાણી ચોરી કરતું હતું એ જાણી શકાયું નથી. ત્યારે પ્રશાસને નદીમાંથી પાણી લેવા માટે કોઈપણ પ્રકારની પરવાનગી આપી નથી કે પછી કોઈ રોયલ્ટી વસુલ કરતું નથી. ત્યારે ટેન્કર સંચાલકો કોની રહેમ નજર હેઠળ ઉદ્યોગોને આ પ્રમાણે પાણી સપ્લાય કરે છે એ દિશા તરફ જો કલેક્ટર સઘન તપાસ કરાવે તો મોટું ભોપાળું બહાર આવી શકે એમ છે. ત્યારે જોવું એ રહ્યું કે દમણગંગા નદીમાંથી પાણી ચોરીના રેકેટનો પર્દાફાશ ક્યારે થાય છે.

બારડોલીમાં ધોળા દિવસે વેપારીના ઘરમાંથી તસ્કરોએ લૂંટ કરી
બારડોલી: બારડોલીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. રાત્રે તો ઠીક દિવસના પણ લોકોની મિલકત સુરક્ષિત રહી નથી. ગુરુવારના રોજ ગાંધીરોડ પર રાજપૂત સમાજની વાડી પાસે રહેતા વેપારીના મકાનનું ધોળા દિવસે તાળું તોડી લાખો રૂપિયા રોકડા અને દાગીનાની ચોરી થઈ જતાં ચકચાર મચી ગઈ હતી.

બારડોલીના ગાંધીરોડ પર આવેલા રાજપૂત સમાજ વાડીની પાછળ આવેલી સોસાયટીમાં રહેતા ઈશ્વરસિંહ પરમાર કરીયાણાની દુકાનથી પોતાનું ગુજરાન ચલાવે છે. ગુરુવારના રોજ ઈશ્વરસિંહ પરમાર દુકાને ગયા હતા જ્યારે પરિવારના સભ્યો બપોરના 12 વાગ્યા પછી ઘર બંધ કરી સુરત ગયા હતા. જ્યારે પરિવાર સાંજે સુરતથી પરત ફર્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને અંદર સામાન અસ્તવ્યસ્ત હતો. કબાટમાં તપાસ કરતાં લગભગ 5 લાખ રૂપિયા રોકડા અને 19.50 તોલા સોનું ચોરી થયા હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યુ હતું. ઘરના દરવાજાનું તાળું તોડતા ચોર સીસીટીવીમાં નજરે પડી રહ્યા છે. બે ચોર ધોળા દિવસે બપોરે 2 વાગ્યે ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી જતાં રહે છે. ઘટના અંગે પરિવારે બારડોલી ટાઉન પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી હંમેશની માફક સીસીટીવી ફૂટેજ ચેક કરી જતાં રહ્યા હતા. ઘટના અંગે પોલીસમાં કોઈ ફરિયાદ મોડી સાંજ સુધી નોંધાય ન હતી.

Most Popular

To Top